સરકારના આ બે મંત્રીઓએ શ્રમિકો સાથે ભોજનનો આસ્વાદ માણ્યો
શ્રમિક અન્નપૂર્ણા યોજના અંતર્ગત અમદાવાદ ખાતે શ્રમિક ભોજન કેન્દ્રનું ઉદ્ઘાટન કરતા શ્રમ અને રોજગાર મંત્રીશ્રી બલવંતસિંહ રાજપુત અને રાજ્યમંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતી
50થી વધુ શ્રમિકોને બાંધકામ સાઈટ પર જ ટિફિન ડિલિવરી દ્વારા ભોજન ઉપલબ્ધ કરાવાશે
અમદાવાદના ૨૮ ભોજન કેન્દ્ર પરથી ૧૦ હજારથી વધુ શ્રમિકોને લાભ મળશે
શ્રમ અને રોજગાર મંત્રીશ્રી બલવંતસિંહ રાજપૂતે શ્રમિકોને સંબોધિત કરતા જણાવ્યું હતું કે, અમદાવાદના કુલ ૨૮ કડિયાનાકા પર શ્રમિક ભોજન કેન્દ્રોની શરૂઆત આજથી થઈ છે,
આજે મને આપ સૌને ભોજન પીરસ્તા ખૂબ જ આનંદ થયો અને વિચાર આવ્યો કે ગુજરાત રાજ્ય સરકારની આ એક ઉપલબ્ધિ જ છે કે ફક્ત રૂ.૫ નાં નજીવા દરે આપને અને આપના પરિવારને ભોજનનો લાભ મળશે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અન્નપૂર્ણા યોજનાથી અત્યાર સુધી રાજ્યના કુલ ૧ લાખ ૮૩ હજાર લોકોએ લાભ લીધો છે, અને નવા શરૂ કરાયેલ આ ૨૮ ભોજન કેન્દ્ર પરથી ૧૦ હજારથી વધુ લોકોને આ યોજનાનો લાભ થશે.
વધુમાં ઉમેર્યું હતું કે, ૫૦થી વધુ શ્રમિકોને આ યોજનાનો લાભ બાંધકામ સાઈટ પર જ ટિફિન ડિલિવરી મારફતે મેળવી શકાશે, સાથે સાથે કોઈપણ શ્રમિક ઈ – નિર્માણ કાર્ડ મારફતે પોતાના પરિવાર માટે એક સમયનું ભોજન પણ મેળવી શકે છે. સાથેજ અમદાવાદના કુલ ૨૮ અને ગાંધીનગરમાં ૧ એમ કુલ ૨૯ કડિયાનાકા પર ૭૫ હજાર જેટલા ભોજન પર વિતરણ કરાશે. આ તમામ બાબતો મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના સફળ નેતૃત્વ હેઠળ જ શક્ય બન્યું છે. તેમ તેઓએ જણાવ્યું હતું.
અત્રે ઉલ્લખનીય છે કે, ગુજરાત રાજ્યના મકાન અને અન્ય બાંધકામ શ્રમિકો માટે શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા તા: ૦૮/૧૦/૨૦૨૨થી કુલ ૨૨ કડિયાનાકા શ્રમિક અન્નપૂર્ણા યોજના અંતર્ગત ભોજન પૂરું પાડવામાં આવે છે. જેમાં કુલ ૧ લાખ ૮૩ હજાર કરતાં વધારે શ્રમિકોએ આ યોજનાનો લાભ લીધો છે.
શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો લાભ લેવા માટે બાંધકામ શ્રમિકે પોતાનું ઈ – નિર્માણ કાર્ડ લઈ શ્રમિક અન્નપૂર્ણા યોજનાના ભોજન વિતરણ કેન્દ્ર પર જઈ ક્યુ.આર.કોડ સ્કેન કરી રૂ.૫/- નો ટોકન પ્રાપ્ત કરવાનો રહેશે અને ત્યારબાદ જે તે શ્રમિક ભોજન પ્રાપ્ત કરી શકશે.
આ પ્રસંગે મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ ના સફળ નેતૃત્વ અંતર્ગત આજે અમદાવાદમાં શ્રમિકો માટે ૨૮ ભોજન કેન્દ્રની શરૂઆત થઈ છે, તે ગુજરાતના લોકો અને શ્રમિકો માટે ખૂબ જ ગર્વની બાબત છે.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, આવનારા દિવસોમાં ગુજરાતમાં શ્રમિકો માટે અને અન્ય વર્ગો માટે વિકાસની દિશામાં વધુ કામ થાય તેવી યોજનાઓ શરૂ કરીશું.
સાથે સાથે તેમણે ઉમેર્યું હતું કે, અન્ય રાજ્યની સરખામણીમાં ગુજરાતમાં ખૂબ જ નજીવા દરે શ્રમિકોને ભોજન અપાય છે, અન્ય રાજ્યોમાં શ્રમિકોને રૂ.૧૦ માં ભોજન અપાય છે ત્યારે અહીંયા શ્રમિકોને ફક્ત રૂ. ૫ માં ભોજન અપાય છે, જે સરકારની ખુબ જ મોટી ઉપલબ્ધિ છે.
અંતે બંને મંત્રીશ્રીઓએ શ્રમિકો સાથે ભોજનનો સુખદ આસ્વાદ પણ માણ્યો હતો. અને સાથેજ ધનવંતરી આરોગ્યરથની મુલાકાત પણ લીધી હતી.
આ કાર્યક્રમમાં આઇ.એ.એસ, અગ્રસચિવ શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ, શ્રી અંજુ શર્મા, સભ્ય સચિવ, ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ શ્રી પી.વી. વસૈયા, મદદનીશ શ્રમ આયોગ શ્રી આર.ડી.પટેલ અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.