BU પરમિશનના મામલે પીપળજ-પીરાણા રોડ પર આવેલા ૧ર એકમ સીલ કરાયા
ગોમતીપુર અને ઈન્દ્રપુરી વોર્ડમાં તંત્રએ ગેરકાયદે બાંધકામોને તોડી નાંખ્યા
(એજન્સી)અમદાવાદ, મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા શહેરમાં સતત ઓપરેશન ડિમોલિશન ચાલી રહ્યું હોઈ ગોમતીપુર અને ઈન્દ્રપુરી વોર્ડમાં આવેલા ગેરકાયદે બાંધકામો તોડી નંખાયા હતા.
પૂર્વ ઝોનના ગોમતીપુર વોર્ડમાં ટીપી સ્કીમક નં.૧૬ (શહેર કોટડા)ના ફાઈનલ પ્લોટ નં.૧૩૩માં આવેલા પુષ્પા ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટના શેડ નં.એ-૧૭૧માં ઈન્ડસ્ટ્રીયલ પ્રકારના એક યુનિટનું ગેરકાયદે બાંધકામ કરવામાં આવ્યું હતું.
પૂર્વ ઝોનના એસ્ટેટ વિભાગે આશરે ૧૪પ૩ ચોરસફૂટના આ ગેરકાયદે બાંધકામને જેસીબી, બ્રેકર, ગેસ કટર, દબાણવાન એ ખાનગી મજૂરોની મદદથી તોડી નાંખ્યું હતું. આ ઉપરાંત આ જ એસ્ટેટના શેડ નં. એ-૧પ૧માં ૧૦પ૧ ચોરસફૂટનું ઈન્ડસ્ટ્રીયલ પ્રકારનું ગેરકાયદે બાંધકામ ઊભું કરાયું હતું. તંત્રએ બાંધકામને પણ તોડી નાંખ્યું હતું તેમજ બાંધકામકર્તા પાસેથી રૂ.રપ૦૦૦નો વહીવટી ચાર્જ વસૂલ્યો હતો.
દક્ષિણ ઝોનમાં આવેલા ઈન્દ્રપુરી વોર્ડની ટીપી સ્કીમ નં.પ૦ (બાગ-એ-ફરિદોસ)ના ફાઈનલ પ્લોટ નં.ર૭ પૈકીના ઈન્દ્રપુરી વિસ્તારના સુરેલિયા રોડ પરની અંજલિ સ્કૂલ પાસે ૬૧૦ ચોરસફૂટ ક્ષેત્રફળ ધરાવતું કોમર્શિયલ પ્રકારનું બાંધકામ ગેરકાયદે ઊભું કરાયું હતું તેની સામે તંત્રએ કાયદેસર કાર્યવાહી કરી હતી.
જો કે, બાંધકામકર્તાએ સ્વેચ્છાએ બાંધકામ દૂર ન કરતાં સત્તાવાળાઓએ ચાર બ્રેકર, એક ગેસ કટર, ર૦ ખાનગી મજૂરો અને બે દબાણગાડીની મદદથી તેને તોડી નાંખવાની કામગીરી હાથ ધરી હતી. આ સાથે લાંભના પીપળજ-પીરાણા રોડ પર આવેલા રર કોમર્શિયલ એકમની બીયુ પરમિશનની તંત્રએ તપાસણી કરી હતી જે પૈકી ૧ર એકમો પાસે બીયુ પરમિશન કે ગૃડા અંતર્ગત રેગ્યુલરાઈઝની પૂર્તતા ન હોવાથી તેમને સીલ કરવામાં આવ્યા હતા
જેમાં સૌરાષ્ટ્ર, રોડવેઝ, સુરેશ ભરવાડનું ગોડાઉન, થાનારામનું ગોડાઉન, મારબેલા એન્ટરપ્રાઈઝ, ગણેશનગર સામેના બે ગોડાઉન, ગિરીરાજ ઈન્ડસ્ટ્રીઝ, ઓમરાજ એન્ટરપ્રાઈઝ, દિલ્હી વુડ ફર્નિચર, બિસ્મિલ્લાહ હોટલ, સ્ટાર કન્વેયર્સ, એમ.એસ.જિસાન ફર્નિચર અને એજાઝભાઈ શેખના ગોડાઉનનો સમાવેશ થાય છે. જાહેર ખબર વિભાગ દ્વારા કુલ ૧૭ મોટા હો‹ડગ્સ તેમજ ૧૯પ ગેરકાયદે જાહેરાતના બોર્ડ-બેનર, ચોપાનિયાં દૂર કરી રૂ.ર૦,૦૦૦નો વહીવટી ચાર્જ વસૂલાયો હતો.
જ્યારે પૂર્વ ઝોનના રામોલ-હાથીજણ વોર્ડમાં પાંચ વાહનોને તાળા મારી રૂ.૩૦૦૦, વિરાટનગરમાં ત્રણ વાહનોને તાળા મારી રૂ.૮૦૦, નિકોલમાં આઠ વાહનોને તાળા મારી રૂ.૩૦૦૦, વસ્ત્રાલમાં પાંચ વાહનોને તાળા મારી રૂ.૧પ૦૦, ગોમતીપુરમાં બે વાહનોને તાળા મારી રૂ.૪૦૦, અમરાઈવાડીમાં પાંચ વાહનોને તાળ મારી રૂ.૧૩૦૦ અને ઓઢવમાં ચાર વાહનોને તાળા મારી રૂ.૧૧,ર૦૦નો દંડ વસૂલાયો હતો તેમજ જાહેર ખબર વિભાગ દ્વારા ૧ર૦ બોર્ડ-બેનર દૂર કરાયા હતા અને અનધિકૃત જાહેરાત કરવા બદલ કસૂરવારો પાસેથી રૂ.૧પ,૦૦૦નો દંડ વસૂલાયો હતો.