ગિફ્ટ સિટીનું AI સેન્ટર ઓફ એક્સલન્સ રાજ્યમાં AI ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ થિન્ક ટેન્ક તરીકે ઉભરી આવશે: મુખ્યમંત્રી
મુખ્યમંત્રીશ્રીએ A.I. અને IOT લેડ સોલ્યુશન તથા સ્ટાર્ટઅપમાં ઇનોવેટિવ સોલ્યુશન્સના અર્લી એડોપ્શન માટેના ૧૦ એવોર્ડ્સ MSMEને એનાયત કર્યા
-:મુખ્યમંત્રીશ્રી:-
Ø વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ફ્યુચરિસ્ટિક વિઝનથી નિર્માણ થયેલા દેશના પ્રથમ ફાઇનાન્સિયલ ટેકસિટી ‘ગિફ્ટ સિટી’માં સતત નવા ઇનોવેશન ઉમેરી રહ્યા છીએ
Ø ગુજરાતને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ટેકનોલોજી આધારિત વિકાસનું હબ બનાવવાની દિશામાં મોટું કદમ ભર્યું છે
Ø “યહી સમય હૈ સહી સમય હે” ના વડાપ્રધાનશ્રીના મંત્રને વિશ્વ સાથે સ્પર્ધામાં અગ્રેસર રહીને દેશની યુવાશક્તિ સાકાર કરે છે
Ø રાજ્યમાં A.I. દ્વારા ગુડ ગવર્નન્સ માટે ગુજરાત A.I. ટાસ્ક ફોર્સની સરકારે રચના કરી છે
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગિફ્ટ સિટીમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સેન્ટર ઓફ એક્સલન્સનો પ્રારંભ કરાવતા સ્પષ્ટપણે જણાવ્યું કે, ગુજરાતમાં A.I. ક્ષેત્રમાં આ સેન્ટર મહત્વપૂર્ણ થિન્ક ટેન્ક તરીકે ઉભરી આવશે.
રાજ્ય સરકારના સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ અને માઇક્રોસોફ્ટ વચ્ચે ગિફ્ટ સિટીમાં A.I. સેન્ટર ઓફ એક્સલન્સની સ્થાપના માટે જુન-૨૦૨૪માં થયેલા MOUની ફળ શ્રુતિ રૂપે આ સેન્ટર કાર્યરત થયું છે
આ સેન્ટરમાં મશીન લર્નિંગ, કોગ્નિટિવ સર્વિસીસ અને ચેટ બોટ સર્વિસ જેવી મુખ્ય ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. આ ટેક્નોલોજીના વિવિધ ક્ષેત્રોના સફળ પાયલોટ પ્રોજેક્ટ્સનું રોલઆઉટ અને વિવિધ તાલીમ કાર્યક્રમો યોજાશે.
એટલું જ નહિ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) સેન્ટર નાગરિકોને અસરકારક, સમયબદ્ધ સેવા પહોંચાડવા, મૂળભૂત સ્તરે નવીનતાને પ્રોત્સાહન આપીને અને ઉત્પાદન, હેલ્થકેર અને શિક્ષણ સહિત વિવિધ ક્ષેત્રોમાં ટેક્નોલોજીકલ પ્રગતિને વેગ આપીને સરકાર અને ઉદ્યોગ એમ બંને માટે વિસ્તૃત સાથ સહકાર પણ પ્રદાન કરશે.
મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે માત્ર ૭ જ મહિનાના ટૂંકા સમયમાં આ સેન્ટર કાર્યરત થતા વડાપ્રધાનશ્રીની ‘જે કહેવું તે કરવું’ની કાર્યપ્રણાલી થઈ છે તેમ પણ ઉમેર્યું હતું.
આ સેન્ટર ઓફ એક્સલન્સની શરૂઆત સાથોસાથ મુખ્યમંત્રીશ્રીએ ઈનોવેશન ચેલેન્જનું પણ લોન્ચિંગ કર્યું હતું. એમણે A.I. અને IOT લેડ સોલ્યુશન તથા સ્ટાર્ટઅપમાં ઇનોવેટિવ સોલ્યુશન્સના અર્લી એડોપ્શન માટેના ૧૦ એવોર્ડ્સ MSMEને એનાયત કર્યા હતા.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ફ્યુચરિસ્ટિક વિઝનથી નિર્માણ થયેલા દેશના પ્રથમ ફાઇનાન્સસિયલ ટેકસીટી ‘ગિફ્ટ સિટી’માં સતત નવા ઇનોવેશન ઉમેરી રહ્યા છીએ.
A.I. સેન્ટર ઓફ એક્સલન્સનો પ્રારંભ ગુજરાતને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ટેકનોલોજી આધારિત વિકાસનું હબ બનાવવાની દિશામાં એક મોટું કદમ છે તેમ પણ મુખ્યમંત્રીશ્રી ઉમેર્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ ‘યહી સમય હે, સહી સમય હે’ના વડાપ્રધાનશ્રીએ આપેલા ધ્યેય મંત્રને ટેકનોલોજી યુક્ત નવીનતા સભર અભિગમથી વિશ્વ સાથેની સ્પર્ધામાં અગ્રેસર રહીને યુવાશક્તિ સાકાર કરે છે તેની પણ ભૂમિકા આપી હતી. આ સંદર્ભમાં તેમણે જણાવ્યું કે, ગિફ્ટમાં ઇનોવેશન હબની શરૂઆત પછી આજે ખૂબ ટૂંકા સમયમાં A.I. સેન્ટર ઓફ એક્સલન્સ નો પ્રારંભ થયો છે. આ સેન્ટર સ્ટાર્ટઅપ્સ અને ઇન્ડસ્ટ્રી વચ્ચે મહત્વપૂર્ણ સેતુ તરીકે કામ કરશે અને A.I. ટેકનોલોજી સેક્ટરમાં નોલેજ ગેપ પૂર્ણ કરશે.
આ ઉપરાંત નવા સોલ્યુશન્સ બનાવવા માટેના એક્સપર્ટસ, પ્રોફેશનલ્સ અને સ્ટાર્ટઅપ્સને એક મંચ પર લાવનારી ઇકો સિસ્ટમ પણ ઊભી થશે એવો વિશ્વાસ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે દર્શાવ્યો હતો.
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીએ A.I. ટેકનોલોજી જન જન સુધી પહોંચે તે માટે ‘સબકા સાથ સબકા વિકાસ’ના ધ્યેયને ટેકનોલોજી સાથે જોડીને “A.I. ફોર ઓલ”ના મંત્ર સાથે આગળ વધવાની નેમ રાખી છે એમ શ્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતું.
આ માટે ઇન્ડિયા A.I. મિશન કાર્યરત થયું છે તથા વડાપ્રધાનશ્રીએ A.I.ને ‘એસ્પિરેશનલ ઈન્ડિયા’ ગણાવી યુવાશક્તિના ટેલેન્ટ પૂલ માટે નવા અવસરો ખોલ્યા છે તેમ પણ તેમણે કહ્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, ગુજરાતમાં A.I. દ્વારા આરોગ્ય, કૃષિ, શિક્ષણ અને ઉદ્યોગોના પડકારોના ઉકેલ લાવીને ગુડ ગવર્નન્સ માટે ગુજરાત A.I. ટાસ્ક ફોર્સની રચના સરકારે કરી છે.
મુખ્ય સચિવ શ્રી રાજકુમારે આ પ્રસંગે જણાવ્યું હતું કે, આજે ગુજરાતમાં AI સેન્ટર ઓફ એક્સલન્સનો શુભારંભ થયો છે તે ગુજરાત માટે ગર્વની ક્ષણ છે. ગુજરાત આજે દરેક ક્ષેત્રે AI ટેક્નોલોજીને અપનાવવામાં સમગ્ર દેશમાં અગ્રેસર અને માર્ગદર્શક રાજ્ય બન્યું છે. ૧૯૯૦ થી ૨૦૦૦ વચ્ચેના દાયકામાં નવી ટેકનોલોજી તરીકે ઈન્ટરનેટ આવ્યું, તેના પરિણામે ડિજિટાઇઝેશન વધતા સમગ્ર દુનિયા આંગળીના ટેરવે પહોંચી ગઈ છે. તેવી જ રીતે, અત્યારના સમયમાં નવીન ટેકનોલોજી તરીકે AIને અપનાવીને “વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત”નો મજબૂત પાયો રાજ્ય સરકારે નાંખ્યો છે.
AI ટેક્નોલોજી અંગે તેમણે કહ્યું હતું કે, ગુજરાત સમગ્ર દેશમાં મેન્યુફેક્ચરિંગ હબ તરીકે પ્રસ્થાપિત છે. આગામી સમયમાં ગુજરાત AI ટેકનોલોજીનું પણ હબ બનશે. AIના માધ્યમથી કોઈપણ સરકાર કે સંસ્થાની ક્ષમતા બમણી થઈ જાય છે અને દેશ અને સંસ્થાનો વિકાસ પણ ઝડપી બને છે. એટલા માટે જ, ગુજરાત આગામી સમયમાં મેન્યુફેક્ચરિંગ સહિત દરેક ક્ષેત્રે AI ટેક્નોલોજીને પ્રોત્સાહન આપશે.
ભારત સરકારના ઈલેક્ટ્રોનિક અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલયના અધિક સચિવ અને AI મિશનના મિશન ડાયરેક્ટર શ્રી અભિષેક સિંઘે જણાવ્યું હતું કે, ગુજરાતમાં આઈ.આઇ.ટી ગાંધીનગર ખાતે સેન્ટર ઓફ એક્સલન્સની સ્થાપના કરવામાં આવી હતી. જ્યાં અંદાજે ૧ હજાર કરતાં વધુ સ્મોલ મીડિયમ એન્ટરપ્રાઇઝમાં મેન્યુફેકચરિંગમાં AI નો ઉપયોગ અને ૩૦૦ જેટલા સ્ટાર્ટ અપને સપોર્ટ કરવામાં આવ્યા છે.
આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે, ઇન્ડિયા AI મિશન અને સેમિકન્ડક્ટર મિશન થકી ગુજરાત રિવોલ્યુશન ઈન સેમિકન્ડક્ટર ટેક્નોલોજીમાં અગ્રણી રાજ્ય બન્યું છે.
ગિફ્ટ સિટીના MD અને CEO શ્રી તપન રે એ ગિફ્ટ સિટીના વિઝન અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર અંગે જણાવ્યું હતું કે, ગિફ્ટ સિટીમાં ફાઈનાન્સ, બેન્કિગ, ઈન્સોયરન્સ, માર્કેટ રિસર્ચ, ફિનટેક, એર ક્રાફટ લિઝીંગ અને AI ડેટા સેન્ટર જેવા ક્ષેત્રોમાં દેશ-વિદેશની અનેક અગ્રણી કંપનીઓ પોતાનો વ્યવસાય કરી રહી છે. ભારત સરકારના ઈલેક્ટ્રોનિક એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય, ગુજરાત સરકાર અને AI ક્ષેત્રે કાર્યરત વૈશ્વિક કંપનીઓના સહયોગથી આજે શરૂ થનાર ‘AI સેન્ટર ઓફ એકસલેન્સ‘ ગિફ્ટ સિટીના વિઝનમાં વધારો કરી રહ્યું છે.
માઈક્રોસોફ્ટ ઈન્ડિયા અને સાઉથ એશિયાના CEO ડૉ. રોહિણી શ્રીવત્સએ જણાવ્યુ કે, ગુજરાત સહિત દેશભરના ઉદ્યોગો અને ખાસ કરીને સ્ટાર્ટઅપ્સના વિવિધ રિયલ પ્રોબ્લમ્સને AI આધારિત રિયલ ટાઈમ સોલ્યુશન્સ પૂરા પાડવા માટે આજે સેન્ટર ઓફ એક્સલન્સ સાથે જ ઈનોવેશન ચેલેન્જનો શુભારંભ થયો છે.
નાસકોમના કો-ફાઉન્ડર અને માસ્ટેકના ચેરમેન શ્રી અશાંક દેસાઈએ જણાવ્યું હતું કે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એ માત્ર ટેક્નોલોજી નથી પરંતુ વાઈડ સ્પ્રેડ ઇકોનોમી માટે ટ્રાન્સફોર્મેટીવ ફોર્સ છે. AI ખૂબ જૂની ટેક્નોલોજી છે, પરંતુ છેલ્લા ૫ થી ૬ વર્ષોમાં કોમ્પ્યુટીંગ પાવર અને આધુનિક સોફ્ટવેર થકી તેનો વ્યાપક પ્રસાર થયો છે.
કાર્યક્રમના પ્રારંભે ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના અગ્ર સચિવ શ્રી મોના ખંધારે સૌનું શાબ્દિક સ્વાગત કરતા “AI સેન્ટર ઓફ એક્સલન્સ”ની પહેલને સફળ બનાવવા માટે દરેક સહભાગીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. સ્ટાર્ટ અપ દ્વારા AI અંતર્ગત હેલ્થકેર ક્ષેત્રે દર્દીઓને મેડીકલ આસિસ્ટન્સ મળી રહે, અનાજની યોગ્ય ગુણવત્તા ચકાસવા, નાણાકીય સુવિધાઓના ભવિષ્યનું ઘડતર, સ્માર્ટ ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજીસ માટે સીમલેસ ડિજિટલ પેમેન્ટ જેવા વિષયો પર પ્રેઝેનટેશન આ ઉદઘાટન સમારોહમાં આપવામાં આવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ હેલ્થ અને અગ્રીકલ્ચર સેક્ટરમાં A.I. એડોપ્શનના એક્સપિરિયન્સ ઝોનની મુલાકાત લીધી હતી. આ સમારોહમાં તજજ્ઞ વક્તાઓ દ્વારા ડિજિટલ ટ્રાન્સફોર્મેશન યુગમાં AIનો ઉપયોગ, ઈનોવેશન સ્પોટલાઇટમાં ડિજિટલ ગુજરાત પ્લેટફોર્મ માટે AI ચેટબોટ તથા સ્ટાર્ટ અપ, ઇન્ડસ્ટ્રી અને એકેડેમીઆ માટે AI ઇકોસિસ્ટમ જેવા વિવિધ વિષયો પર ચર્ચા-પરામર્શ થયા હતા.
ગુજરાત ઇન્ફોર્મેટિક્સ લિ.ના મેનેજિંગ ડિરેક્ટર શ્રી તુષાર ભટ્ટ, સમગ્ર શિક્ષા અભિયાનના પ્રોજેક્ટ ડિરેક્ટર શ્રી લલિત નારાયણ સંધુ ઉપરાંત કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારના અધિકારીઓ-કર્મચારીઓ, વિવિધ ક્ષેત્રના ઉદ્યોગકારો અને ઉદ્યોગ સાહસિકો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.