ભારતને મળ્યું પ્રથમ AI સંચાલિત સાયબર સુરક્ષા કમાન્ડ કંટ્રોલ સેન્ટર
DRONA (ડિટેક્શન રિસ્પોન્સ ઓર્ગેનાઈઝેશન નેટવર્ક એનાલિસિસ) 2.0
ઈન્ડસ યુનિવર્સિટી, રાંચરડા ખાતે ભારતના પ્રથમ AI સંચાલિત ઈન્ટિગ્રેટેડ સાયબર સિક્યુરિટી કમાન્ડ્સ કંટ્રોલ સેન્ટરનું ભવ્ય લોન્ચિંગ કરતા ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી
સાઇબર સિક્યુરિટી માત્ર ફાઇનાન્સિયલ ફ્રોડ રોકવા માટે જ જરૂરી નથી,પણ સોશિયલ લોસ તેમજ સોશિયલ ઈફેક્ટ રોકવા માટે પણ ઉપયોગી છે : ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી
દ્રોણ (ડિટેક્શન રિસ્પોન્સ ઓર્ગેનાઈઝેશન નેટવર્ક એનાલિસિસ) ઈન્ડસ યુનિવર્સિટી, રાંચરડા ખાતે ભારતના પ્રથમ AI સંચાલિત ઈન્ટિગ્રેટેડ સાયબર સિક્યુરિટી કમાન્ડ્સ કંટ્રોલ સેન્ટર (ICSCCC)નો શુભારંભ ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના હસ્તે કરવામાં આવ્યો હતો. AI cyber security command control centre
ગુજરાતના એક યુવા દ્વારા કરવામાં આવેલા સરાહનીય પ્રયાસને બિરદાવતા ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, ગુજરાતના યુવાને આજે રાજ્યનું જ નહીં પણ સમગ્ર દેશમાં આ પ્રથમ AI લેબ થકી ગુજરાતનું નામ રોશન કર્યું છે. ત્યારે સાયબર ક્રાઇમને રોકવા માટે આ સેન્ટર દ્રોણા થકી ખૂબ સારા પરિણામો મળશે તેવો મને વિશ્વાસ છે.
વધુમાં મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, સાઇબર સિક્યુરિટી માત્ર ફાઇનાન્સિયલ ફ્રોડ રોકવા માટે જ જરૂરી નથી, પરંતુ વધુમાં વધુ સોશિયલ ઈફેક્ટ રોકવા માટે ઉપયોગી છે. નાના મોટા ફાઇનાન્સિયલ લોસને ફરી કવર કરી શકાય પણ આ સોશિયલ લોસ એ નાગરિકો માટે ઘણું મોટું નુક્શાન છે.
સાયબર સિક્યુરિટીના ક્ષેત્રમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સંબોધતા મંત્રીશ્રીએ સાયબર સિક્યુરિટી અને તેની વર્તમાન સમયમાં જરૂરિયાત અંગેની માહિતી આપી નાગરિકોને સાયબર ફ્રોડથી બચવા જરૂરી તકેદારી રાખવા સૂચન કર્યું હતું. તેમજ સાયબર સિક્યુરિટીના ક્ષેત્રમાં અભ્યાસને યોગ્ય દિશામાં ઉપયોગ કરી વિધાર્થીઓ ભારતનું નામ રોશન કરશે તેવી આશા વ્યક્ત કરી હતી.
સાયબર ક્રાઇમને રોકવા માટેના ગુજરાત પોલીસ દ્વારા કરવામાં આવતી કામગીરી વિશે જણાવતા કહ્યું કે, ગુજરાતમાં દરેક પોલીસ સ્ટેશન દીઠ એક સાયબર એક્સપર્ટની નિમણૂક કરવા નિર્ણય લેવાયો છે, ત્યારે ભવિષ્યમાં આ ક્ષેત્રમાં ઘણી મોટી ઓપર્ચ્યુનિટી સાયબર સિક્યુરિટી અંગેનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પ્રાપ્ત થશે.
ગુજરાતમાં જેટલા સાયબર ક્રાઇમ થાય છે તે પૈકી મોટાભાગે અર્બન વિસ્તારમાં થાય છે, તેવુ ધ્યાને આવ્યું છે. સાઇબર ક્રાઇમનો શિકાર સૌથી વધુ ભણેલા લોકોમાં જોવા મળે છે, માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ અને જરૂરિયાત અંગે પણ સૌને સજાગ રહેવા મંત્રીશ્રીએ સૌ નાગરિકોને વિનંતી કરી હતી.