રાજ્યની તમામ RTOમાં હવે AI વીડિયો એનાલિસિસ ડ્રાઇવિંગ ટેસ્ટ
(એજન્સી)ગાંધીનગર, ગુજરાત રાજ્યની દરેક આરટીઓ કચેરીમાં હવે ડ્રાઇવિંગ ટેસ્ટ માટે એઆઈ વીડિયો એનાલિસિસ કરવામાં આવશે. છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં ડ્રાઇવિંગ લાઇસન્સની સમસ્યાને લઈને વારંવાર ટેક્નોલોજીની ખામીના કારણે ટેસ્ટ આપનાર નાપાસ થતા હોય તેવું બન્યું હતું.
જેમાં ગ્રાઉન્ડ સેન્સર બેઝડ ટેકનોલોજીનો ઉપયોગ જોઈએ તેટલો સફળકારક નહીં રહેતા હવે વીડિયો અને એનાલિટિક ટેકનોલોજીનો ઉપયોગ કરાશે. હાલ આ ટેકનોલોજીનો ઉપયોગ દિલ્હી, પુણે અને ચંદીગઢ જેવા શહેરોમાં થઈ રહ્યો છે. જેનો હવે ગુજરાતની તમામ આરટીઓ કચેરીમાં અમલ કરાશે. જેના માટે ડ્રાઇવિંગ ટ્રેક પર ૧૮ કેમેરા રહેશે અને તેના પર રિવર્સ મુવમેન્ટ પણ જોઈ શકાશે.
રાજ્યમાં છેલ્લા ઘણાં સમયથી ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક બંધ રહેવાના કિસ્સાઓ અવારનવાર સાંભળવા મળે છે. આરટીઓમાં વાહન ટેસ્ટ આપવા આવતાં લોકોને સર્વરમાં ખામીને કારણે અનેક સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે. હાલમાં ડ્રાઇવિંગ ટેસ્ટ માટે ‘ગ્રાઉન્ડ સેન્સર્સ બેઝ્ડ ટેકનોલોજી’ ઉપયોગમાં લેવાય છે. પરંતુ હવે ‘વીડિયો એનાલિટિક ટેકનોલોજી’ ઉપયોગમાં લેવાશે.
હાલમાં લોકોને ટેકનોલોજીમાં ખામીને કારણે નાપાસ કરાય છે. ગ્રાઉન્ડ સેન્સર્સ બગડી જાય તો પણ ટ્રેકની કામગીરી બંધ રહેતી હોય છે, ટેસ્ટમાં એન્ટ્રી બાદ અધવચ્ચેથી જ સર્વર બંધ થઈ જતાં નાપાસ ગણી ફરી ટેસ્ટ આપવા બોલાવાય છે.
હાલમાં જે ટેકનોલોજી છે તેમાં ફોરવર્ડ ડાયરેક્શનમાં જ જોઈ શકાય છે. રિવર્સ ડાયરેક્શન ડિટેક્ટ થતું નથી, પરંતુ હવે નવી ટેકનોલોજીમાં Âવ્હકલની દરેક મૂવમેન્ટ્સ ડિટેક્ટ થશે. હાલ દેશના દિલ્હી, પૂણે, ચંદીગઢ વગેરે જેવા શહેરોમાં આ ટેકનોલોજી કાર્યરત છે.