ગુજરાતમાં ટીબી કરતાં એઇડ્ઝના દર્દીઓ વધુ
અમદાવાદ, ગુજરાત વિધાનસભામાં ખુદ રાજય સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલી માહિતીમાં જ એવો ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો હતો કે, ગુજરાત રાજયમાં ટીબી કરતાં એઇડ્ઝના દર્દીઓ વધારે છે અને તેમાં પણ સમગ્ર રાજયમાં સૌથી વધુ એચઆઇવીગ્રસ્ત દર્દીઓ અમદાવાદ શહેરમાં છે. સરકાર દ્વારા રજૂ કરાયેલા આંકડા પરથી સમગ્ર રાજયમાં અને ખાસ કરીને અમદાવાદમાં એઇડ્ઝ અને એચઆઇવી સંબંધિત સ્થિતિ ઘણી ગંભીર અને ચિંતાજનક છે., જેથી સરકારે હવે આ દિશામાં તાત્કાલિક અસરકારક અને બહુ મહત્વની કામગીરી કરવી જાઇએ તેવી સ્થિતિ બની છે.
ગુજરાત વિધાનસભામાં બોરસદના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ પરમારે એચઆઇવી, ટીબી અને થેલેસેમિયાના દર્દીઓના આંકડા માગ્યા હતા. જેમાં રાજ્ય સરકાર રજૂ કરાયેલા આંકડા મુજબ, ગુજરાત રાજયમાં ટીબીના દર્દીઓની સંખ્યા ૮૨,૬૬૨ છે, જ્યારે એચઆઇવી પોઝિટિવ દર્દીઓની સંખ્યા ૧,૨૦,૮૬૬ છે. આમ, રાજયમાં ટીબી કરતાં એચઆઇવી પોઝીટીવના દર્દીઓની સંખ્યા ઘણી વધારે હોવાની ચોંકાવનારી અને ચિંતાજનક વાત સામે આવી હતી. ગુજરાતના ૩૩ જિલ્લાઓમાંથી અમદાવાદમાં સૌથી વધારે ૨૨,૮૭૭ એઈડ્સના દર્દીઓ છે, આ પછીને ક્રમે ૨૦,૭૭૬ દર્દીઓ સાથે સુરતનો ક્રમ આવે છે.
સરકારના આંકડા મુજબ, રાજયમાં મોરબીમાં સૌથી ઓછા ૭૨૯ એઈડ્સના દર્દીઓ છે. ટીબીના દર્દીઓની સંખ્યામાં પણ અમદાવાદ સૌથી ઉપર છે. આમ, રાજ્યમાં ટીબી કરતા પણ એઈડ્સના દર્દીઓની વધારે સંખ્યા સરકાર માટે ચિંતાની બાબત છે. નીતિ આયોગે પોતાના રિપોર્ટમાં જણાવ્યું હતું કે, ગુજરાત ટીબીના સૌથી વધુ કેસો ધરાવતા રાજ્યોમાંથી એક છે. પ્રતિ એક લાખે ૨૨૪ લોકો ટીબીના દર્દીઓ છે. ધારાસભ્ય રાજેન્દ્રસિંહ પરમાર દ્વારા આ સાથે જ રાજ્યમાં દર્દીઓની સારવારની સુવિધાઓ અને મેડિકલ સ્થિતિ વિશે પણ માહિતી માંગવામાં આી હતી.