AIIMSના ડાયરેક્ટરે ચેતવણી આપી: ઠંડી અને પ્રદૂષણથી વધી શકે છે coronaનો ખતરો
નવી દિલ્હી, કોરોના વાયરસના કેસોમાં એક વખત ફરીથી તેજી જોવા મળી રહી છે. અનેક નિષ્ણાંતો પહેલા જ કહી ચૂક્યા છે કે ઠંડીના મોસમમાં કોરોના વાયરસના કેસો પહેલાથી જ વધી શકે છે. ત્યારે એમ્સના (AIIMS Director) ડાયરેક્ટર ડોક્ટર રણદીપ ગુલેરિયાએ (dr. Randeep Guleria) પણ હવે ચેતવણી આપી છે કે પ્રદૂષણમાં થોડી વૃદ્ધિ પણ કોરોનાના કેસમાં વધારે તેજી લાવી શકે છે.
ડોક્ટર ગુલેરિયાના જણાવ્યા પ્રમાણે પ્રદૂષણની પીએમ 2.5 સ્તરમાં સામાન્ય વધારો પણ કોરોના વાયરસના કેસમાં 8થી 9 ટકાનો વધારો કરી શકે છે. કોરોનાની સાથે પ્રદૂષણથી ફેફસાં અને શ્વાસ સંબંધી બીમારીઓ પણ વધુ વધી શકે છે. ઈન્ડિયા ટુડેના રિપોર્ટર મિલન શર્માને આપેલા એક ઈન્ટરવ્યૂમાં ડોક્ટર ગુલેરિયાએ કહ્યું હતું કે, ઠંડીના મહિનાઓ દરમિયાન લોકોને વધારે સાવધાની રાખવાની જરૂર છે. તેમણે ચીન અને ઈટલીના ડેટા જણાવતા કહ્યું હતું કે, જે ક્ષેત્રોમાં પીએમ 2.5 સ્તરથી થોડી વૃદ્ધિ જોવા મળી હતી ત્યાં કોરોનાના કેસમાં ઓછામાં ઓછા 8-9 ટકાની વૃદ્ધિ જોવા મળી હતી.