પહેલીવાર ગોલ્ડન ટેમ્પલમાં તૈનાત કરાશે એર ડિફેન્સ ગન

અમૃતસર, ૬-૭ મેની રાત્રે પાકિસ્તાન અને પીઓકેમાં આતંકવાદી છાવણીઓ પર ભારતીય સેના દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલા પછી, પાકિસ્તાની સેનાએ જમ્મુ અને કાશ્મીરના ઘણા ભાગોમાં ડ્રોન હુમલા કર્યા, જેને ભારતીય સેનાએ સંપૂર્ણપણે નિષ્ફળ બનાવ્યા.
તાજેતરમાં જ એવું બહાર આવ્યું હતું કે પાકિસ્તાને ડ્રોન અને મિસાઇલો દ્વારા અમૃતસરના સુવર્ણ મંદિરને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યાે હતો, પરંતુ ભારતની મજબૂત એર ડીફેન્સ સિસ્ટમની મદદથી પાકિસ્તાનનો પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો. ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવ વચ્ચે એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.
સુવર્ણ મંદિરમાં પહેલી વાર એર ડીફેન્સ સિસ્ટમ તૈનાત કરવામાં આવશે. ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાને અમૃતસરના સુવર્ણ મંદિરને પણ નિશાન બનાવવાનો પ્રયાસ કર્યાે હતો. આ પછી, સુવર્ણ મંદિરના મુખ્ય ગ્રંથીએ પહેલીવાર સેનાને મંદિર પરિસરમાં શસ્ત્રો તૈનાત કરવાની પરવાનગી આપી છે.
એર ડિફેન્સના આર્મી ઇન્ચાર્જ લેફ્ટનન્ટ જનરલ સુમેર ઇવાન ડી’કુન્હાએ કહ્યું કે ઇતિહાસમાં આ પહેલી વાર બન્યું છે કે સુવર્ણ મંદિરની લાઈટો બંધ કરવામાં આવી હોય. આ દુશ્મનના ડ્રોનને સચોટ રીતે ટ્રેક કરવા અને તેમને નષ્ટ કરવા માટે આ રસ્તો અપનાવવામાં આવ્યો હતો. આનાથી સેનાને ડ્રોન ઓળખવામાં અને તેમને સરળતાથી નિશાન બનાવવામાં મદદ મળી.
લશ્કરી અધિકારીએ કહ્યું, ‘અમે પાકિસ્તાન શું કરી શકે છે તે વિશે ઊંડાણપૂર્વક વિચાર્યું. બોર્ડર કોઈ ટાર્ગેટ નથી, તે સુવર્ણ મંદિરને નિશાન બનાવી શકે છે. પાકિસ્તાની સેનાનો હેતુ લોકોમાં મૂંઝવણ અને અરાજકતા ફેલાવવાનો હતો. અમને લાગ્યું કે તેઓ આપણા નાગરિકો અને ધાર્મિક સ્થળોને નિશાન બનાવી શકે છે.’એર ડિફેન્સના આર્મી ઇન્ચાર્જે વધુમાં કહ્યું કે, ‘સુવર્ણ મંદિરના મુખ્ય ગ્રંથીએ અમને ગોલ્ડન ટેમ્પલમાં અમારી સિસ્ટમ સ્થાપિત કરવાની મંજૂરી આપી તે ખૂબ જ સારી વાત છે. ગુરુદ્વારાની વ્યવસ્થાપન સમિતિને મોટા ખતરા વિશે જાણ કરવામાં આવી હતી, જેના પગલે ત્યાં સૈન્ય ગન સિસ્ટમ તૈનાત કરવામાં આવી હતી.’