એર ઈન્ડિયા આગામી 5 વર્ષમાં કાર્ગો ક્ષમતામાં 300% વૃદ્ધિ પ્રાપ્ત કરવા સજ્જ
વૃદ્ધિની યોજનાઓથી રિજિયનમાં કાર્ગો ઇકોસિસ્ટમને પ્રોત્સાહન મળશેઃ ભારતને વૈશ્વિક હબ તરીકે સ્થાપિત કરશે
ગુરુગ્રામ, ભારતની ટોચની એરલાઇન અને સ્ટાર એલાયન્સની સભ્ય એર ઇન્ડિયા ભારતમાં તથા ગ્લોબલ સ્તરે ફ્રેઈટ અને કાર્ગો ઇકોસિસ્ટમને વેગ આપવામાં મુખ્ય ભૂમિકા ભજવવા તૈયારી કરી રહી છે. Air India eyes 300% growth in cargo capacity in 5 years.
એર ઈન્ડિયાની તાજેતરની પહેલથી તે માત્ર મહત્ત્વના કાર્ગો કેરિયર તરીકે પોતાની ભૂમિકાને નહીં વધારે, પરંતુ દેશની કાર્ગો ઈકોસિસ્ટમને પણ પ્રોત્સાહન આપશે અને ભારતમાંથી નિકાસને વેગ આપતી કાર્યક્ષમ એર કાર્ગો સપ્લાય ચેઈનના વિકાસમાં યોગદાન આપશે.
આગામી થોડા વર્ષોમાં એર ઈન્ડિયાના વિમાનોની ફ્રેઈટ કેપેસિટી નોંધપાત્ર રીતે વધશે. આ વર્ષે તેના કાફલામાં નવા વાઈડ-બોડી એરક્રાફ્ટ ઉમેરાયા છે તથા ઓર્ડર અપાયેલા મોટા ભાગના એરક્રાફ્ટ 2025થી આવવાના છે, જે ભારતના ઉત્પાદન અને નિકાસ વૃદ્ધિના પૂરક બનશે. અર્થતંત્રને ટેકો આપવાની સાથે સાથે તે રોજગારીની વધુ સંભાવનાઓ પેદા કરશે અને વિવિધ બિઝનેસ સેક્ટરને વેગ મળશે.
એર ઈન્ડિયાના ફર્મ ઓર્ડરમાં A350-1000 પ્રકારના 34, A350-900 પ્રકારના 6 વિમાન, 20 બોઇંગ 787 ડ્રીમલાઇનર અને 10 બોઇંગ 777X વાઇડ-બોડી એરક્રાફ્ટ સામેલ છે. તેનાથી એર ઇન્ડિયાની વાર્ષિક કાર્ગો ક્ષમતા 300% ટકા વધીને 2 મિલિયન ટન થશે. આગામી પાંચ વર્ષમાં વૈશ્વિક સ્તરે મુખ્ય નિકાસ બજારો સાથે નોન-સ્ટોપ કનેક્શન રચવામાં આવશે.
એર ઈન્ડિયાના સીઈઓ અને એમડી, કેમ્પબેલ વિલ્સને જણાવ્યું કે, “એર ઈન્ડિયામાં અમે એર કાર્ગો ઈન્ડસ્ટ્રીમાં પુષ્કળ સંભાવના જોઈ રહ્યા છીએ. ભારત સરકાર 2030 સુધીમાં તેને 10 મિલિયન ટન સુધી વધારવાની યોજના ધરાવે છે. અમારો કાર્ગો વિભાગ ગ્રોથને પ્રોત્સાહન આપવા અને બજારમાં અમારી હાજરીને મજબૂત કરવાના હેતુથી જુદા જુદા વ્યૂહાત્મક પગલાં લઈ રહ્યો છે. સમગ્ર નેટવર્કમાં વેલ્યૂ એડેડ પ્રોડક્ટ અને સર્વિસના લોન્ચિંગ સાથે પેસેન્જર બેલી કેપેસિટીમાં વધારો કરવામાં આવશે.”
ઓપરેશનલ અને લોજિસ્ટિક્સ મેટ્રિક્સના વિવિધ પાસામાં નીચે મુજબની પહેલથી એર ઈન્ડિયા એર કાર્ગો ક્ષેત્રે મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
ટેકનોલોજીના ઉપયોગને મજબૂત કરવા માટે લેટેસ્ટ IT સોલ્યુશન્સને ઈન્ટીગ્રેટ કરવામાં આવી રહ્યા છે, જેમાં બ્લોકચેન, AI અને ઉત્પાદકતાને શ્રેષ્ઠ બનાવવા માટે ડ્રોનનો સમાવેશ થાય છે. ઇલેક્ટ્રોનિક ડેટા ઇન્ટરચેન્જ, ટ્રેડ પાર્ટનર્સ સાથે સીમલેસ કનેક્ટિવિટી અને ફ્લાઇટ અને શિપમેન્ટ સ્ટેટસ પર રિઅલ-ટાઇમ અપડેટ્સમાં કાર્યક્ષમતા વધારવા માટે હાલની IT કાર્ગો સિસ્ટમમાં ટૂંકા ગાળાના ફેરફારો તૈયાર કરવામાં આવ્યા છે.
આ કામગીરી એર ઈન્ડિયાને વૈશ્વિક કેપેસિટી સાથે સર્વિસની વિશાળ રેન્જ પૂરી પાડવામાં મદદ કરશે જેમ કે ફાર્મા લોજિસ્ટિક્સ, વૈશ્વિક ભાગીદારો સાથે ડોર-ટુ-ડોર લોજિસ્ટિક્સ, ઈ-કોમર્સ, મૂલ્યવાન ચીજવસ્તુઓનું વહન, પાળતુ પ્રાણી, નાશવંત ચીજવસ્તુઓ માટે કોલ્ડ ચેઈન, મેઈલ, કનેક્શન વિન્ડો સાથે ટ્રાન્સ-શિપમેન્ટ વગેરે.
ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ-એર ઈન્ડિયા પોતાના સંયુક્ત સાહસના ભાગીદાર SATS સાથે મળીને એરપોર્ટ અને લોજિસ્ટિક્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવા માટે નોંધપાત્ર મૂડીખર્ચ કરવા પ્રતિબદ્ધ છે. એરઈન્ડિયા તેના ભાગીદારો સાથે મળીને માલવાહક ક્ષમતામાં વધારો કરવાની શક્યતાઓ પણ શોધી રહી છે.
ઈન્ટીગ્રેટેડ કાર્ગો માર્કેટ-એર ઈન્ડિયા ગ્રાહક ઈન્ટરફેસ, ગ્રાહક સર્વિસ અને કામગીરીની કાર્યક્ષમતાને સંકલિત કરવા અને તેને સુધારવા માટે ત્રણ 24×7 કન્ટ્રોલ સેન્ટર શરૂ કરવા માટે તૈયાર છે. ભારતમાં ટિયર-2 અને ટિયર-3 માર્કેટમાં સ્થાનિક ઈ-કોમર્સ અને અન્ય બિઝનેસનું વિસ્તરણ થવાથી એર ઈન્ડિયાના વિસ્તરતા સ્થાનિક નેટવર્કનો વેગ વધશે. વધારેલી કેપેસિટી સાથેનું સંકલિત નેટવર્ક ટૂંકા અને લાંબા અંતરના સ્થળો પર પોઈન્ટ-ટુ-પોઈન્ટ પરિવહનના સંદર્ભમાં કાર્યક્ષમ, સુવ્યવસ્થિત અને ખર્ચ-અસરકારક કનેક્ટિવિટી પૂરી પાડશે.
વિસ્તરતી જતી પહોંચમાં એર ઈન્ડિયા વ્યૂહાત્મક ભાગીદારી અને સહયોગ દ્વારા પણ સક્રિયપણે પોતાની પહોંચ વિસ્તારી રહી છે. ઇન્ટરલાઇન ભાગીદારી અને ટ્રકિંગ નેટવર્ક કનેક્શનને મજબૂત કરીને એરલાઇનનો હેતુ વધતી જતી નિકાસને પ્રોત્સાહન આપવાનો છે. હાલમાં એર ઈન્ડિયા 40થી વધુ ઈન્ટરનેશનલ તેમજ 38 સ્થાનિક સ્થળોએ કાર્ગો પરિવહન કરે છે.
એરલાઈને તમામ પ્રકારના ટ્રાન્સ-શિપમેન્ટ માટે ભારતમાં મુખ્ય ગ્લોબલ હબ પર ટ્રાન્સ-શિપમેન્ટ કાર્યક્ષમતા અને વોલ્યુમને વધારવા માટે દિલ્હી, મુંબઈ અને બેંગલુરુ એરપોર્ટ પર સર્વિસ પ્રોવાઈડર સાથે સંકલન કરવા ઉપરાંત તેનો બેઝ વિસ્તારવા સમગ્ર વિશ્વમાં ઑફલાઇન ટ્રકિંગ પૉઇન્ટ્સ સાથે જોડાણ કર્યું છે.
વિવિધતાસભર પ્રોડક્ટ લાવવાની ક્ષમતા: કેપેસિટી અને ટેક્નોલોજીમાં વધારો થવાથી તેની મદદથી એર ઈન્ડિયાની વિવિધ પ્રોડક્ટ અને સર્વિસિસને વધારવામાં આવશે અને તેને વૈશ્વિક સ્તરે પોતાની સ્થિતિ મજબૂત બનાવવામાં મદદ મળશે. ફાર્મા લોજિસ્ટિક્સની મુવમેન્ટ અને ડિલિવરી, વૈશ્વિક પાર્ટનર્સ દ્વારા ડોર-ટુ-ડોર લોજિસ્ટિક્સ, ઈ-કોમર્સ, એક્સપ્રેસ સર્વિસ, જનરલ કાર્ગો, મૂલ્યવાન ચીજવસ્તુઓ, સેન્સિટીવ ગુડ્સ, પાલતુ પ્રાણીના પરિવહન અને પર્સનલ ચીજો તેમજ નાશવંત પદાર્થો માટે મજબૂત કોલ્ડ ચેઈન સોલ્યુશન્સ વગેરે તેમાં સામેલ છે.