AirIndiaની VRS માટે વધારાના લાખ રુપિયાની ઓફર
નવી દિલ્હી, એર ઈન્ડિયાએ આજે તેના નોન ફ્લાઈંગ સ્ટાફને સ્વૈચ્છિક નિવૃત્તિની બીજી ઓફર કરી હતી. ખોટમાં ચાલી રહેલી આ એરલાઇન પર નિયંત્રણ મેળવ્યા બાદ ગત વર્ષે જાન્યુઆરીમાં પણ ટાટા જૂથે આ પ્રકારની જ એક ઓફર કરી હતી.
એક માહિતી મુજબ, નવીનતમ ઑફર ૪૦ વર્ષ કે તેથી વધુ વયના સ્થાયી જનરલ કેડર અધિકારીઓ માટે ઉપલબ્ધ હશે અને જેમણે એરલાઇનમાં ઓછામાં ઓછા પાંચ વર્ષ સતત સેવા પૂરી કરી છે. આ સાથે, કારકુન અને નોન ટેકનીકલ કેટેગરીના કર્મચારીઓ કે જેમણે ઓછામાં ઓછા પાંચ વર્ષ સતત સેવા પૂર્ણ કરી છે તે પણ આને પાત્ર બનશે. આ ઓફર ૩૦ એપ્રિલ સુધી આપવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, કુલ ૨,૧૦૦ કર્મચારીઓ નવીનતમ સ્વૈચ્છિક નિવૃત્તિ ઓફરનો લાભ લેવા માટે પાત્ર ગણાશે. એરલાઇન હાલમાં લગભગ ૧૧,૦૦૦ કર્મચારીઓને રોજગારી આપે છે. જેમાં ફ્લાઈંગ અને નોન ફ્લાઈંગ સ્ટાફનો સમાવેશ થાય છે.
જૂન ૨૦૨૨ માં, એર ઈન્ડિયાએ સ્વૈચ્છિક નિવૃત્તિ ઓફરનો પ્રથમ તબક્કો શરૂ કર્યો હતો. કર્મચારીઓ વતી સ્વૈચ્છિક નિવૃત્તિનો વધારાનો લાભ અન્ય કાયમી કર્મચારીઓને પણ આપવા વિનંતી કરવામાં આવી છે. શુક્રવારે કર્મચારીઓને મોકલવામાં આવેલા પત્રમાં એરલાઇનના ચીફ એચઆર સુરેશ દત્ત ત્રિપાઠીએ જણાવ્યું હતું કે, એર ઇન્ડિયા સ્વૈચ્છિક નિવૃત્તિ ઓફરના બીજા તબક્કાની જાહેરાત કરી રહી છે. ૧૭ માર્ચ, ૨૦૨૩ થી ૩૦ એપ્રિલ, ૨૦૨૩ સુધી સ્વૈચ્છિક નિવૃત્તિ માટે અરજી કરનારા કર્મચારીઓને એકમ લાભ તરીકે એક્સ-ગ્રેશિયાની રકમ પણ આપવામાં આવશે. પત્રમાં જણાવાયું છે કે, “૩૧ માર્ચ, ૨૦૨૩ સુધીમાં અરજી કરનારા પાત્ર કર્મચારીઓને એક્સ-ગ્રેશિયાની રકમ સિવાય વધારાના એક લાખ રૂપિયા મળશે.” SS2.PG