એરપોર્ટ પર પાણીના પાઈપમાં મહિલાનો મૃતદેહ મળ્યો: દુષ્કર્મ બાદ હત્યાની આશંકા

File Photo
મહિલાની હત્યામાં પાઈપલાઇન બનાવનારા કર્મચારી સામેલ હોઈ શકે છે, કારણ કે મહિલાની હત્યા બાદ મૃતદેહને પાઈપમાં નાખીને બંધ કરી દીધો હતો.
પટણા, બિહારની રાજધાની પટણા એરપોર્ટ પર એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો છે. પટણા એરપોર્ટની નવી ટર્મિનલ બિલ્ડીંગ સ્થિત વરસાદનું પાણી નીકળતા પાઈપમાંથી શનિવારે રાત્રે ૩૨ વર્ષની એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો.
મહિલા સાથે દુષ્કર્મ આચર્યા બાદ તેની હત્યા કરાઈ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. પોલીસે મૃતદેહને મોર્ચરીમાં મોકલીને તપાસ હાથ ધરી છે. મહિલાનો મૃતદેહ મળી આવ્યા બાદ સમગ્ર વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ છે.
સચિવાલય ડીએસપી-૧ ડોક્ટર અનુકુમારીએ જણાવ્યું કે, શનિવારે રાત્રે મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસ તેની ઓળખનો પ્રયાસ કરી રહી છે અને આ સાથે જ ટર્મિનલ બિલ્ડીંગમાં કામ કરનારાની પૂછપરછ કરી રહી છે. ખૂબ જ સંવેદનશીલ એરપોર્ટ કેમ્પસમાં શનિવારે રાત્રે મહિલાનો મૃતદેહ મળવાથી હડકંપ મચી ગયો છે.
હવે આ અંગે અનેક પ્રકારની અટકળો લગાવવામાં આવી રહી છે. પ્રાથમિક તપાસમાં પોલીસનું માનવું છે કે, મહિલાની હત્યામાં પાઈપલાઇન બનાવનારા કર્મચારી સામેલ હોઈ શકે છે, કારણ કે મહિલાની હત્યા બાદ મૃતદેહને પાઈપમાં નાખીને બંધ કરી દીધો હતો.
પોલીસ પાઈપલાઇન લગાવનારા વર્કરોની માહિતી એકત્ર કરી રહી છે, તેની પૂછપરછ કરવામાં આવશે. એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે મૃતક મહિલા મજુર, બહારથી બોલાવવામાં આવેલી અથવા પ્રવાસી હોઇ શકે છે.
હાલમાં ઓળખ બાદ જ મામલો સ્પષ્ટ થઈ શકશે. પટણા એરપોર્ટ પર નિર્માણા દિન નવી ટર્મિનલ બિલ્ડીંગમાં છત પરથી આવતા વરસાદી પાણીને જમીનમાં લઈ જવા માટે પાઇપ લગાવવામાં આવ્યા છે. ફીટીંગ બાદ મંગળવારે સાંજે પાઈપની તપાસ કરવામાં આવી રહી હતી. ત્રણ પાઇપમાંથી પાણી જઈ રહ્યું હતું. જો કે, એક પાઈપમાં પાણી જામ થઈ ગયું હતું.
જામનું કારણ જાણવા માટે એન્જિનિયરે પાઈપના જામવાળા ભાગને કટરથી કાપી નાખ્યો, તો તેમાંથી એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો. આ મહિલાનો મૃતદેહ અર્ધનગ્ન અવસ્થામાં હતો. ખૂબ જ સંવેદનશીલ એરપોર્ટ કેમ્પસમાં મૃતદેહ મળવાથી અફરાતફરી મચી ગઈ છે.
રાત્રે ૮ઃ૦૦ વાગ્યે આ ઘટનાની સૂચના એરપોર્ટ પોલીસ સ્ટેશનને આપવામાં આવી. એરપોર્ટ પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ એ જણાવ્યું કે, મહિલાનો મૃતદેહ બે દિવસ પહેલાનો લાગી રહ્યો છે. ઘટના બાદ પોલીસે એરપોર્ટ પર કામ કરાવી રહેલી નિર્માણ એજન્સીઓ સાથે સંપર્ક કર્યો તો જાણવા મળ્યું કે, ત્રણ એજન્સીમાં મહિલા કર્મચારીઓ કામ કરે છે.