Western Times News

Gujarati News

ગુજરાતના તમામ 33 જિલ્લાઓમાં પેથોલોજી લેબોરેટરીઓ ચાલુ કરવાનું ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીનું આયોજન

ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ગુજરાત રાજ્ય શાખાની ચૂંટણીમાં સહકારી આગેવાન અને અમદાવાદ જિલ્લા શાખાના પ્રતિનિધિ શ્રી અજયભાઈ એચ પટેલનો ચેરમેન તરીકે, ડોક્ટર અજયભાઈ દેસાઈનો વાઇસ ચેરમેન તરીકે ભવ્ય વિજય થયો. કોષાધ્યક્ષ તરીકે મહીસાગર શાખાના સંજયભાઈ શાહનો બિન હરીફ વિજય થયો.

શ્રી અજયભાઈ એચ પટેલ અને તેમની ટીમે તાલુકા અને જિલ્લા શાખાઓના સશક્તિકરણ થકી ગુજરાત રાજ્ય શાખા ને વિશ્વભરમાં નામના અપાવવાનો અને વધુને વધુ માનવતાવાદી કાર્યો કરવાનો સંકલ્પ કર્યો. Ajay H. Patel elected as Chairman of Gujarat branch Indian Red Cross Society

ગુજરાતમાં સક્રિય રેડક્રોસ સોસાયટી માત્ર બ્લડ બેન્ક નહિ રહે, પણ સમાજના ગરીબોના આરોગ્યની સંભાળ લેતું એક કેન્દ્ર બની જશે. તેમની લોહીની જરૂરિયાત જ નહિ, પરંતુ તેમને દરેક પ્રકારની બીમારીની સારવાર કરવામાં મદદરૂપ અને માર્ગદર્શક બનવાનું કામ રેડક્રોસ સોસાયટી કરશે.

ગુજરાતના તમામ જિલ્લાઓ અને તેનાથી આગળ તાલુકા સ્તર સુધી રેડક્રોસ સોસાયટીની ઓફિસો સક્રિય થાય તેની કાળજી લેવાશે. ગુજરાતના અંતરિયાળ વિસ્તારમાં પણ લોહીના અભાવે કે લેબોરેટરીના અભાવે એક પણ વ્યક્તિ જાન ન ગુમાવે તે જોવાનો મારો પ્રયાસ રહેશે. આજે ગુજરાત રેડક્રોસની યોજાયેલી ચૂંટણીમાં ચેરમેન તરીકે ચૂંટાઈ આવેલા અજય પટેલે પ્રસ્તુત જાહેરાત કરી છે.

તેમણે કહ્યું હતું કે આજે અમદાવાદ, કલોલ, તારાપુર, આણંદ, નડિઆદ, પેટલાદ, રાજકોટ, હિમ્મતનગર, ડાંગ, વલસાડ, વ્યારા, ચોર્યાસી, ભરૂચ, નર્મદા, પંચમહાલ, ગોધરાં, દાહોદ, પાટણ, ભાવનગર અને અમરેલીમાં બ્લડ બેન્કને ક્વોલિટી બ્લડ બેન્ક બનાવવાની સાથે જ તબક્કાવાર પેથોલોજિકલ લેબોરેટરી પણ ચાલુ કરવામાં આવશે.

વરસે 1.80 લાખ બ્લડ બોટલનું કલેક્શન કરીને તેમાંથી પ્લેટલેટ્સ, પ્લાઝમા અને રેડસેલ અલગ તારવીને બમણાથી વધુ લોકોને હિમોગ્લોબીનની અછત, બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ, લીવર, કીડની ટ્રાન્સપ્લાન્ટ, કેન્સર, ડેન્ગ્યુ, ફાલ્સીપેરમ મેલેરિયા, થેલેસેમિયા તથા એક્સિડેન્ટલ ડેથ ઘટાડવામાં મદદરૂપ બનશે.

આ હેતુથી જ રેડક્રોસ સોસાયટીના ગુજરાતના દરેક જિલ્લા અને તાલુકાના યુનિટમાં બ્લડ સેપરેશનની કામગીરી ચાલુ કરી દઈને વધુમાં વધુ ગરીબોને સેવા આપવાનો રસ્તો ખુલ્લો કરવામાં આવશે. માત્ર શહેરી વિસ્તારમાં જ નહિ, અંતરિયાળ વિસ્તારમાં પણ લોહીના પુરવઠાને અભાવે કોઈ ગરીબ દરદીને તકલીફ ન થાય તેની કાળજી લેવામાં આવશે.

ગુજરાતના તમામ 33 જિલ્લાઓમાં પેથોલોજી લેબોરેટરીઓ ચાલુ કરી દેવાના આયોજનની વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે ગામડાંના લોકોને પેથોલોજિકલ ટેસ્ટ કરાવવા માટે શહેર સુધી ધક્કો ન ખાવો પડે અને તેમને તેમના ગામથી નજીક કે જિલ્લા-તાલુકા વિસ્તારમાં પેથોલોજિ ટેસ્ટની સુવિધા મળે તે માટે રેડક્રોસના એકમો દરેક વિસ્તારમાં સ્થાપવામાં આવશે.

તેમાં શહેરની કોઈપણ શ્રેષ્ઠ લેબોરેટરીમાં લેવાતા ચાર્જના 40થી 50 ટકા કરતાંય ઓછા ચાર્જે ડાયાબિટીસ, થાઈરોઈડ, કીડની ફંક્શન, લીવર ફંક્શન, વિટામિન બી-12ની અને ડી-3ની ઉણપના ટેસ્ટ, કેન્સર માર્કરના ટેસ્ટ કરી આપવા ઉપરાંત ફૂલ બોડી ચેક અપના ટેસ્ટ પણ કરી આપવાની વ્યવસ્થા ઊભી કરવામાં આવશે.

તેમણે કહ્યું હતું કે નવા જન્મેલા બાળકને પાંચ વર્ષની વય સુધીમાં કેવા પ્રકારની બીમારીઓ થવાની સંભાવના છે તેને માટેના ન્યુ બોર્ન સ્ક્રિનિંગ પણ કરી આપવાની સુવિધા આ લેબોરેટરીઓમાં ઊભી કરવામાં આવશે. બીજા શબ્દોમાં કહીએ તો નવા જન્મેલા બાળકને ન્યુમોનિયા, હૃદયની બીમારી, કીડનીની તકલીફ કે પણ કોઈપણ પ્રકારનો ચેપ-ઇન્ફેક્શન છે કે નહિ

તેની પણ ચકાસણી કરી આપીને સમયસર સારવાર અપાવી બાળમરણ ઓછા કરવાનું અમારું લક્ષ્યાંક છે. જન્મથી જ બધિર બાળકની સમસ્યાને વહેલી ઓળખી કાઢીને તેમને સમયસર સારવાર આપવાનું આયોજન કરવામાં આવશે. તેમ જ તેમને યોગ્ય વયથી તાલીમ આપવાનું આયોજન કરવામાં આવશે.

ગુજરાતના સૌરાષ્ટ્ર સહિતના કેટલાક વિસ્તારોમાં ચોક્કસ જ્ઞાતિઓમાં થેલેસેમિયાના કેસો વધુ જોવા મળે છે. આ કેસો ન વધે તે માટે ગર્ભવતી બનતી માતાઓને ગર્ભમાં ઉછરતા શિશુને થેલેસેમિયા છે કે નહિ તેની ચકાસણી કરાવી લેવા સમજાવીને થેલેસેમિયાના કેસો પણ ઘટાડવામાં રેડક્રોસ સોસાયટી મદદરૂપ બનશે.

માતાના ગર્ભમાં ઉછરતું બાળક થેલેસેમિયા મેજર હોય તો તેવા કેસમાં માતાઓને ગર્ભપાત કરવા સમજાવીને થેલેસેમિયા મેજરના કેસોમાં ઘટાડો કરવામાં આવશે. જૉય ઓફ ગિવિંગના સૂત્રને સાકાર કરવાની જ હવે નેમ હોવાનું જણાવતા તેમણે કહ્યું હતું કે

ઉપર જણાવ્યા મુજબની સુવિધા આપવા ઉપરાંત ગુજરાતના દરેક નાગરિકને પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના, માઅમૃતમ યોજના, સ્કૂલ હેલ્થ પ્રોજેક્ટ, જનની સુરક્ષા યોજનાના લાભ છેવાડાના માનવી સુધી પહોંચે તે માટેના પ્રયાસો કરવામાં આવશે. ગુજરાતના દરેક જિલ્લા અને તાલુકા સ્તરે ફિઝિયોથેરપી સેન્ટર ઊભા કરવામાં આવશે. તેની સાથે જ યુથ રેડક્રોસ અને જુનિયર રેડક્રોસની પ્રવૃત્તિનો વ્યાપ વધારવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.