આજી GIDCમાં ચડ્ડી બનિયાનધારી ત્રાટક્યાંઃ 15 લાખની ચોરી
રાજકોટ, શહેરમાં આજી જીઆઈડીસી ઈન્ડસ્ટ્રીઝમાં આવેલી કમાણી ઈન્ડસ્ટ્રીઝ નામની ફેકટરીમાં ત્રાટકેલા ચાર ચડ્ડી બનીયાનધારી તસ્કરો ઓફિસની બારીની ગ્રીલ તોડી અંદર ઘુસી રૂ.૧પ લાખની રોકડ ચોરી કરી જતાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
એક ચડ્ડી બનીયાનધારી ટોળકીના દસ શખ્સો સામે હજુ ગઈકાલે જ ગુજસીટોક હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવી ત્યાં આ નવી ટોળકી મેદાનમાં આવી ગઈ કે જુની ટોળકીના જ સાગ્રીતો ત્રાટક્યા ? તે અંગે તપાસ શરૂ થઈ છે. ચાર તસ્કરો સીસીટીવીમાં દેખાયા હોઈ તેના આધારે તપાસનો ધમધમાટ શરૂ થયો છે.
આજી જીઆઈડીસીમાં પ્લોટ નં. ર૧૭માં આવેલી કમાણી ઈન્ડસ્ટ્રીઝ નામની ફેકટરીમાં લાખોની ચોરી થયાની જાણ થતાં થોરાળા પોલીસ સ્ટેશનના પીઆઈ બી.એમ. ઝણકાત અનેડી. સ્ટાફની ટીમે પહોંચી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. ફેકટરી માલિક અમિતભાઈ પ્રાગજીભાઈ કમાણી (રહે. માસ્તર સોસાયટી વાણીયા વાડી પાસે)ના કહેવા મુજબ તસ્કરો રાતે અઢીથી ત્રણ વચ્ચે અંદર ઘુસ્યા હતા
અને ઓફિસની ગ્રીલ તોડી રોકડા ૧પ લાખ ચોરી ગયા હતા. આ રકમ કાસ્ટીંગના વેચાણથી એકઠી કરેલી રકમ હતી, જે સાત મહિનાથી એકઠી કરવામાં આવી હતી. સીસીટીવી કેમેરામાં ચાર ચડ્ડી બનીયાનધારી તસ્કર જોવા મળ્યા છે.
બનાવની જાણ થતાં પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, ડીસીપી સજજનસિંહ પરમાર, એસીપી જાધવ, ક્રાઈમબ્રાંચ પીઆઈ વાય.બી. જાડેજા સહિતનો કાફલો પણ દોડી ગયો હતો. પોલીસ ડોગ સ્કવોડ અને ફીંગર પ્રિન્ટ નિષ્ણાંતોની પણ મદદ લીધી હતી. જયાં ચોરી થઈ ત્યાંના તથા આસપાસના બીજા કેમેરાના કુટેજ ચેક કરવા પોલીસ કામે લાગી હતી. બનાવ અંગે થોરાળા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવા તજવીજ કરવામાં આવી હતી. ચડ્ડી બનીયાનધારી ચોર ત્રાટક્યાની વાત આજી જીઆઈડીસીમાં ફેલાઈ જતાં મોટી સંખ્યામાં લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા.