અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશન પરથી બિહારના બાળમજૂરોને છોડાવાયા
અમદાવાદ, અનલોક દરમ્યાન ઉદ્યોગો પુનઃ ધમધમતા થતાં અન્ય રાજ્યોમાંથી શ્રમિકો ગુજરાત આવવા લાગ્યા છે. આ દરમ્યાનમાં અમદાવાદના એક એન.જી.ઓને મળેલી માહિતી બાદ સી. આઈ.ડી. ક્રાઈમને જાણ કરવામાં આવી હતી કે બિહારથી મોટી સંખ્યામાં બાળ શ્રમિકો અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશન પર આવવાના છે.
આ બાતમીના આધારે આજે વહેલી સવારે કાલુપુર રેલવે સ્ટેશન પર અઝીમાબાદ એક્સપ્રેસ ટ્રેન આવી પહોંચી ત્યારે સી.આઈ.ડી. ક્રાઈમના અધિકારીઓ અને એન.જી.ઓ.ના આગેવાનોએ સર્ચ ઓપરેશન કરતાં 32 જેટલાં બાળ શ્રમિકો મળી આવ્યા હતા. પટણા જંકશનથી અમદાવાદ આવતી આ ટ્રેનમાં બાળકો ક્યાંથી બેઠા હતા અને કોણે તેમની સાથે મુસાફરી કરી રહ્યુ છે તે અંગે તપાસ ચાલી રહી છે.
સી.આઈ.ડી. ક્રાઈમના અધિકારીઓએ આ તમામ બાળકોનો કબજો લઈ કઈ કંપનીમાં કામ કરવા માટે આવ્યા હતા તે અંગે તપાસ શરૂ કરી તેઓની સામે કાર્યવાહી શરૂ કરી છે.