આજવા સરોવરના તમામ ૬૨ દરવાજા ખોલી દેવાયા
(એજન્સી)વડોદરા, વડોદરાવાસીઓ માટે ચિંતાજનક સમાચાર છે. આજવા સરોવરના ૬૨ દરવાજા ફરી ખોલાયા છે. વિશ્વામિત્રી નદીમાં ૪૨૦૦ ક્યુસેક પાણી છોડવાનું શરૂ કરાયું છે. વિશ્વામિત્રી નદીની સપાટી ૧૬.૫૦ ફૂટ થતાં આજવા સરોવરના દરવાજા ખોલાયા છે. વિશ્વામિત્રી નદીની સપાટી ફરી વધી ૨૮ ફૂટ થશે.
આવામાં નિચાણવાળા વિસ્તારોમાં ફરીથી વિશ્વામિત્રી નદીના પાણી ભરાઈ શકે છે. જ્યારે આજે વડોદરામાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી પણ કરી છે.
નોંધનીય છે કે, શુક્રવારે વિશ્વામિત્રી નદી ભયજનક સપાટી ઉપર વહી રહી હતી. વિશ્વામિત્રી નદી સપાટી ૨૯.૨૦ ફૂટે નોંધાઈ હતી. જ્યારે નદીની ભયજનક સપાટી ૨૬ ફૂટ છે.
જેના પગલે નદીપટ નજીકના વિસ્તારોમાં જ્યાં જુઓ ત્યાં પાણીના દ્રશ્યો સામે આવ્યા હતા અને અનેક લોકોનું સ્થળાંતર કરાયું હતું. બીજી બાજુ, વડોદરામાં વિશ્વામિત્રી નદીનું જળસ્તર વધતા મગર પોતાનું રહેઠાણ ભૂલ્યા છે. મગરની લટારની અનેક ઘટનાઓ સામે આવી ચૂકી છે. રહેણાંક વિસ્તારમાં મગર આવી ચડતા લોકોમાં ફફડાટ ફેલાયો છે.
ઉપરાંત વડોદરામાં વરસાદ બંધ થયાને ૪ દિવસ થયા છતાં અનેક સોસાયટીઓમાં વરસાદી પાણી ઓસર્યા નથી. પૂર્વ વિસ્તારમાં આવેલી વોર્ડ ૧૬માં અનેક સોસાયટીઓમાં પાણી ઓસર્યા નથી.