અખિલેશની રાહુલને ભારત જાેડો યાત્રા માટે શુભકામના
નવી દિલ્હી, કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીના નેતૃત્વમાં ઉત્તર પ્રદેશમાં ૩ જાન્યુઆરીથી ભારત જાેડો યાત્રાની શરૂઆત થઈ રહી છે. આ પહેલા અનેક વિપક્ષી નેતાઓને યાત્રામાં સામેલ થવા માટે આમંત્રણ આપ્યુ હતું. ત્યારે હવે સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવનું મન પણ યાત્રાને લઈને બદલાયુ હોય તેવું નજર આવી રહ્યુ છે.
અખિલેશ યાદવે છેલ્લા દિવસોમાં અખિલેશ યાદવે ભારત જાેડો યાત્રામાં સામેલ થવા માટે આમંત્રણ ન મળ્યુ હોવાની વાત કહી હતી. ત્યારે તેમણે કહ્યુ હતું કે, બીજેપી અને કોંગ્રેસ બંને એક જેવા જ છે.
ત્યારબાદ રાહુલ ગાંધી અને અખિલેશ યાદવ વચ્ચે શબ્દયુદ્ધ ચાલ્યુ હતું. પરંતુ હવે સપા પ્રમુખનું મન અચાનક બદલાયુ હોય તેવુ નજર આવી રહ્યુ છે. તેનું કારણ અખિલેશ યાદવ દ્વારા લખવામાં આવેલ પત્ર છે.
અખિલેશ યાદવે તેમના પત્રમાં ભારત જાેડો યાત્રા માટે શુભકામના પાઠવી છે. તેમણે યાત્રા માટે આમંત્રણ આપવા બદલ ધન્યવાદ માન્યો છે. તેમણે પત્રમાં લખ્યુ કે, પ્રિય રાહુલ જી ભારત જાેડો યાત્રામાં આમંત્રણ આપવા બદલ ધન્યવાદ અને ભારત જાેડો મિશનની સફળતા માટે હાર્દિક શુભકામનાઓ. ભારત ભૌગોલિક વિસ્તાર કરતાં વધુ એક ભાવ છે. જેમાં પ્રેમ, અહિંસા, કરુણા, સહકાર અને સૌહાર્દ એ જ સકારાત્મક તત્વો છે જે ભારત જાેડે છે. આશા છે કે આ યાત્રા આપણા દેશની આ સર્વસમાવેશક સંસ્કૃતિને જાળવી રાખવાના ઉદ્દેશ્ય સાથે તેનું લક્ષ્ય હાંસલ કરશે.
જાેકે, છેલ્લા દિવસોમાં અખિલેશ યાદવે કહ્યુ હતું કે, તે યાત્રામાં સામેલ નહીં થાય. તેમણે મીડિયા સાથે વાત કરતા ભારત જાેડો યાત્રાના સવાલ પર કહ્યુ હતું કે, તેમને કોઈ આમંત્રણ નથી મળ્યું.