અક્ષય કુમાર વધુ એક ફિલ્મમાં વકીલની ભૂમિકામાં જોવા મળશે
મુંબઈ, અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફને ટાઈટલ રોલમાં ચમકાવતી બહુઅપેક્ષિત ફિલ્મ ‘બડે મિયાં છોટે મિયાં’ ૧૦ એપ્રિલે રીલિઝ થઈ રહી છે. બોલિવૂડના શિસ્તબદ્ધ અને એકદમ ફિટ કલાકારોમાં સામેલ અક્ષય વર્ષમાં અનેક ફિલ્મો કરતો હોય છે અને તેની વધુ એક ફિલ્મ પાઈપલાઈનમાં હોવાના અહેવાલ છે.
આ ફિલ્મ એક બાયોપીક છે, જેને કરણ જોહર પ્રોડ્યુસ કરશે. સી. શંકરન નાયરના જીવન પર આધારીત આ ફિલ્મનું શુટિંગ ગયા વર્ષે શરૂ થયું હતું, જેનું નામ ‘શંકરન’ રખાયું છે. ફિલ્મમાં અક્ષય કુમાર વધુ એક વાર વકીલની ભૂમિકામાં નજરે પડશે. જોકે હજી સુધી નામને લઈને કોઈ સત્તાવાર માહિતી જારી કરાઈ નથી. પરંતુ મળતાં અહેવાલો અનુસાર, ટૂંક જ સમયમાં ફિલ્મનું નામ સત્તાવાર રીતે જાહેર કરી દેવાશે.
અક્ષયની સાથે આ ફિલ્મમાં આર. માધવન તથા અનન્યા પાંડે પણ જોવા મળશે. ફિલ્મમાં જલિયાંવાલા બાગ હત્યાકાંડમાં બ્રિટિશ જનરલ ડાયરની વરવી ભૂમિકા તથા અંગ્રેજો સામેની લડાઈને દર્શાવવામાં આવશે. આ પીરિયોડિકલ ફિલ્મ ‘ધ કેસ ધેટ શૂક ધ અમ્પાયર’ નામના પુસ્તક પર આધારિત છે.
જેના લેખક શંકરન નાયરના પૌત્ર રઘુ પલાટ અને તેમની પત્ની પુષ્પા પલાટ છે. ફિલ્મના પ્રોડ્યુસર કરણ જોહરે પોતાનો આનંદ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, આ ફિલ્મ શંકરન નાયરે બ્રિટિશ સરકાર વિરુદ્ધ સત્યને બહાર લાવવા માટે કોર્ટ રૂમમાં લડેલી એક ઐતિહાસિક જંગને દર્શકો સમક્ષ રજૂ કરશે.
શંકરન નાયરની બહાદુરી અને દેશભક્તિએ ગુલામ ભારતમાં આઝાદીની અલખ જગાવી હતી. ફિલ્મના ડિરેક્શનની જવાબદારી કરણ સિંહ ત્યાગીને સોંપાઈ છે.SS1MS