પેટલાદમાં ચીફ ઓફિસરે નોટીસ ફટકારી દબાણો તાકીદે દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી
![](https://westerntimesnews.in/wp-content/uploads/2023/09/0409-Petlad-1-1024x536.jpg)
‘પેટલાદમાં અલ અઝીજ સોસાયટીના દબાણો દૂર કરાશે’-દેખાદેખીમાં કરેલ દબાણો સંદર્ભે આવેદન
(પ્રતિનિધિ) પેટલાદ પેટલાદ શહેરના છેવાડે કલાલ પીપળથી આગળ અલ અઝીજ સોસાયટી આવેલ છે. આ સોસાયટીમાં રહેતા કેટલાક ઈસમો દ્વારા મકાનની બહાર ગેરકાયદેસર રીતે દબાણો ખડકી દેવામાં આવ્યા છે. જેથી અન્ય રહીશોએ પાલિકાને લેખિતમાં રજૂઆત કરી હતી.
પાલિકાએ નોટીસ આપી હતી. છતાં દબાણો દૂર નહીં થતાં આજરોજ સોસાયટીના રહીશો દ્વારા આવેદન આપવામાં આવ્યું હતું. જેના અનુસંધાનમાં ચીફ ઓફિસરે નોટીસ ફટકારી દબાણો તાકીદે દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી મુજબ પેટલાદના કલાલ પીપળ વિસ્તાર પાસે જૂની ગુર્જરી બજાર પાછળ અલ અઝીજ સોસાયટી આવેલ છે. રેવન્યુ સર્વે નં.૯૬૭ પૈકીના માર્જીન સીટી સર્વે નં.૧૨૧૩ ઉપર ૧૨૫ થઈ વધુ રહેણાંક પ્લોટ પાડવામાં આવ્યા હતા. જે પૈકી લગભગ ૭૫ જેટલા પ્લોટ ઉપર મકાનો તૈયાર થઈ ગયા છે.
પરંતુ અહીંયા ગેરકાયદેસર દબાણોનો સૌથી મોટો પ્રશ્ન છે. જે સંદર્ભે સોસાયટીના પ્લોટ ધારકો અને રહીશોએ તા.૧૯ જૂન ૨૦૨૩ના રોજ પાલિકાને લેખિતમાં રજૂઆત કરી હતી. જેમાં જણાવ્યું હતું કે પ્લોટ નં.૩૧ તથા ૩૨ના સીદ્દીકમીયાં મલેક દ્વારા ચાર ફુટ જેટલી છાજલી બહારની બાજુએ ગેરકાયદેસર રીતે કાઢેલ છે.
આ રજૂઆતના પગલે પાલિકાએ તા.૧૬ જુલાઈના રોજ સીદ્દીકમીયાંને ગુજરાતના ટાઉન પ્લાનિંગ એન્ડ અર્બન ડેવલોપમેન્ટ એક્ટ ૧૯૭૬ની કલમ ૩૬ અન્વયે નોટીસ ફટકારવામાં આવી હતી. છતાં આ દબાણ દૂર થયા ન હતા. જેથી આજરોજ અલ અઝીજ સોસાયટીના રહીશોએ ફરીથી ચીફ ઓફીસરને આવેદનપત્ર આપ્યું હતું.
જેમાં જણાવ્યું હતું કે પ્લોટ નં.૩૧ અને ૩૨ ઉપર દબાણો તો છે જ, ઉપરથી એમનું જાેઈને પ્લોટ નં.૬, ૭, ૨૭, ૨૯ના ઈસમોએ પણ ગેરકાયદેસર રીતે ઓટલા, ચોકડી, દાદર વગેરે જેવા દબાણો કરેલ છે. જેથી સોસાયટીના રસ્તા સાંકડા થઈ જવા પામ્યા છે.
આ દબાણકારોને કહેવા જઈએ છે તો તેઓ બિભત્સ ગાળાગાળી કરી ધાક ધમકી આપતા હોય છે. જેથી આ દબાણો દૂર કરવાની અરજી અન્વયે ચીફ ઓફીસર હિરલ ઠાકરે તાત્કાલિક દબાણકારોને નોટીસ ફટકારવા ટાઉન પ્લાનિંગને જણાવ્યું છે. ઉપરાંત લાગતા વળગતા વિભાગને સુચના આપી છે કે
આ સોસાયટીમાં દબાણો વધે તે પહેલા હયાત તમામ દબાણો તાકીદે દૂર કરવાની કામગીરી થતી હોઈ યોગ્ય તજવીજ હાથ ધરવામાં આવે. અત્રે ઉલ્લેખનીય છે કે સ્વચ્છતાના પ્રહરી એવા ચીફ ઓફીસર હિરલ ઠાકરે ભૂતકાળમાં કોઈની પણ શેહશરમ સિવાય અનેક દબાણો દૂર કર્યા છે.