Western Times News

Gujarati News

“PM મોદી- ગૃહમંત્રી શાહ ગુજરાતના છતા રાજયમાં દુષ્કર્મના કેસોમાં ચિંતાજનક વધારો”

ગુજરાતમાં સુરેન્દ્રનગર, દાહોદ અને અન્ય જિલ્લાઓમાં મહિલાઓ પર બળાત્કાર, છેડતી અને ઉત્પીડનની ઘટનાઓમાં કેમ એક શબ્દ બોલાતા નથી?

(એજન્સી)રાજકોટ, દેશભરમાં કોંગ્રેસના સંગઠનને મજબૂત બનાવવા અને લોક પ્રશ્ર્‌નોથી વાકેફ થવા માટે કોંગ્રેસ દ્વારા ખાસ અભિયાન શરુ કરવામાં આવેલ છે. જે અંતર્ગત સૌરાષ્ટ્રના પાટનગર એવા રાજકોટની ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી (AICC)ના જનરલ સેક્રેટરી મુકુલ વાસનીક ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ તથા વિધાનસભા વિરોધપક્ષના નેતા અમીત ચાવડાએ રાજકોટ ઉપરાંત મોરબી અને જુનાગઢ કોંગ્રેસના હોદેદારો અને આગેવાનો સાથે બેઠકો યોજી ચર્ચા-વિચારણા કરી હતી.

આ દરમિયાન ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા હોટલ મીન્ટ ખાતે યોજાયેલ પત્રકાર પરિષદમાં ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના જનરલ સેક્રેટરી મુકુલ વાસનીકએ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે ગુજરાતએ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું રાજ્ય છે પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે વચનો આપ્યા છે તે પાળી બતાવેલ નથી. નરેન્દ્ર મોદી જુઠુ બોલવામાં વિશ્ર્વમાં નંબર-વન છે તેને પારિતોષીક દેવો જોઇએ.

દેશમાં બેરોજગારી-મોંઘવારી, મહિલા સુરક્ષા,ખેડૂત આત્મહત્યાઓ સહિતની ઘટનાઓમાં સરકાર સંપૂર્ણપણે નિષ્ફળ નીવડી છે. સરકારી આંકડો પર નજર કરીએ તો દેશમાં દરરોજ ૮૩ મહિલાઓ પર બળાત્કાર થાય છે પરંતુ ૨૬ ટકા કેસમાં જ સજા થાય છે. કલકત્તામાં રાષ્ટ્રપતિ જે બનાવને વખોડી કાઢયા હોય તો ગુજરાતમાં સુરેન્દ્રનગર, દાહોદ અને અન્ય જિલ્લાઓમાં મહિલાઓ પર બળાત્કાર, છેડતી અને ઉત્પીડનની ઘટનાઓમાં કેમ એક શબ્દ બોલાતા નથી?

ગુજરાતએ નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહનું રાજ્ય છે ત્યારે ગુજરાતમાં દુષ્કર્મની ઘટનાઓમાં ચિંતાજનક રીતે વધારો થઇ રહ્યો છે. વર્ષ ૨૦૧૪થી ૨૦૨૪ સુધીમાં ૧,૧૭૦૦૦ ખેડૂતો, યુવાનોએ બેરોજગારી અને સ્વાસ્થ્ય સેવાઓ કથલી હોવાના કારણે આત્મહત્યા કરી છે.

ઇઝરાયેલમાં હાલ યુધ્ધ ચાલુ હોવા છતાં દેશના બેરોજગાર યુવાનોને રોજગારી માટે ત્યાં જવું પડે છે. ભારતનું સંવિધાન શાસકો બદલવા માંગે છે પરંતુ ભાજપને ૪૦૦બેઠકનું સુરસુરીયું થતાં હવે ટેકાવાળી સરકાર બનાવવાની ફરજ પડી છે. સંસદીય લોકશાહીની વ્યવસ્થા ખોરંભે પડી છે અને સરકાર ઉદ્યોગપતિઓની સરકાર છે. આગામી દિવસોમાં રાહુલ ગાંધીનું ગુજરાત કબ્જે કરવાનું સ્વપ્ન સાકાર થાયતે માટે પ્રયાસો કરવામાં આવશે.

આ પત્રકાર પરિષદમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલતથા ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષના નેતા અમિત ચાવડાએ પણ સંબોધન કરી કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. આ પત્રકાર પરિષદમાં રાજકોટ શહેર કોંગ્રેસના પ્રમુખ અતુલ રાજાણી તેમજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવકતા મીડિયા સેલ ઇન્ચાર્જ મનીષભાઇ દોશી, ગુજરાતના કાર્યકારી અધ્યક્ષ ઇન્દ્રવિજયસિંહરાઓલ,સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.