વાવાઝોડા બાદ ભારે વરસાદને પગલે માળિયાના ૧૮ ગામને એલર્ટ
નડાબેટનું રણ તો જાણે દરિયામાં ફેરવાયું- રાજ્યના ૧૭૧ તાલુકામાં વરસાદઃ ગાંધીધામમાં આઠ ઈંચ
અમદાવાદ, બિપોરજાેય વાવાઝોડું લેન્ડફોલ થયા બાદ પણ શુક્રવારે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ જાેવા મળ્યો હતો. રાજ્યના કેટલાંક વિસ્તારોમાં સામાન્ય તો કેટલાંક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ નોંધાયો હતો.
ત્યારે શુક્રવારની બપોરના બાર વાગ્યા સુધીમાં ૧૭૧ તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જ્યારે જામનગર, કચ્છ અને દેવભૂમિ દ્વારકામાં ૩થી ૪.૭૬ ઈંચ વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગે કચ્છ, દ્વારકા, જામનગર, અમદાવાદ સહિત રાજ્યમાં અનેક સ્થળોએ આવતીકાલે વરસાદની આગાહી કરવામાં આવી છે.
અતિ વિનાશક બિપરજાેય વાવાઝોડાથી કચ્છમાં ભારે તારાજી થઈ હોવાના સમાચાર પ્રકાશમાં આવી રહ્યા છે. આ વાવાઝોડાના પગલે કચ્છ-સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદ પડી રહ્યો હોઈ નદી-નાળાં છલકાઈ ઊઠ્યાં છે. ગાંધીધામમાં અનરાધાર વરસાદ નોંધાયો છે.
છેલ્લા ૨૪ કલાકમાં આઠ ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો હોઈ લોકો તોબા પોકારી ઊઠ્યા છે. વાવાઝોડાની અસરથી રાજ્યના ૨૭ જિલ્લાના ૧૭૧ તાલુકામાં હળવોથી અતિ ભારે વરસાદ પડી ચૂક્યો હોઈ નડાબેટનું સૂકું રણ દરિયામાં ફેરવાયું છે.
બિપોરજાેય વાવાઝોડું ગુરુવારના રોજ રાત્રે ગુજરાતના દરિયાકાંઠે ત્રાટક્યું હતું. જેની અસર સમગ્ર ગુજરાતમાં જાેવા મળી હતી. બિપોરજાેય ત્રાટક્યા બાદ રાજ્યના ૧૭૧ જેટલાં તાલુકાઓમાં સામાન્યથી ભારે વરસાદ નોંધાયો હતો. ખાસ કરીને જામનગર, દેવભૂમિ દ્વારકા અને કચ્છમાં સૌથી વધારે વરસાદ નોંધાયો હતો.
શુક્રવારની બપોરના બાર વાગ્યા સુધીમાં જામનગરમાં ૪.૭૬ ઈંચ, કચ્છમાં ૪.૦૮ ઈંચ અને દેવભૂમિ દ્વારકામાં ૩.૬૮ ઈંચ વરસાદ નોંધાયો હતો. બિપોરજાેય ત્રાટક્યા બાદ આ જિલ્લાઓમાં વધારે નુકસાન થયું છે. ઠેર ઠેર વૃક્ષો, વીજળીના થાંભલા અને હોર્ડિંગ્સ ધરાશાયી થયા હતા. જે બાદ જનજીવન પણ ઠપ બન્યું હતું.
તો અન્ય તાલુકાઓમાં વરસેલા વરસાદની વાત કરવામાં આવે તો ખંભાળિયામાં ૩.૪ ઈંચ, લોધિકામાં ૨.૯૨ ઈંચ, માળિયામાં ૨.૪ ઈંચ, ભચાઉમાં ૨.૩૬ ઈંચ, રાજકોટમાં ૨.૩૬ ઈંચ, વાંકાનેરમાં ૨.૦૪ ઈંચ અને જામકંડોરણામાં ૨ ઈંચ વરસાદ નોંધાયો હતો.
આ સિવાય અબડાસા, નખત્રાણા, રાપર, જાેડીયા, ભૂજ, ઉપલેટા, મોરબી, ટંકારા, ધોરાજી, કાલાવાડ ધ્રોલ, ગોંડલ, જેતપુર, ખેડબ્રહ્મા, ઈડર, જુનાગઢ, પ્રાંતિજ, માણસા, તાલાલા, બારડોલી, મહેસાણા, અમદાવાદ, ગાંધીનગર વગેરે વિસ્તારોમાં બે ઈંચથી ઓછો વરસાદ નોંધાયો હતો.
મહત્વનું છે કે, બિપોરજાેય વાવાઝોડું ત્રાટક્યા બાદ ૨૯ હજારથી પણ વધુ લોકો પ્રભાવિત થયા છે અને ૨૫ જેટલાં ગામો તેની ચપેટમાં આવ્યા છે. તો આ શક્તિશાળી વાવાઝોડું ત્રાટક્યા બાદ ૧૫૦૦થી પણ વધુ વીજપોલ, તોતિંગ વૃક્ષો અને હોર્ડિંગ્સ ધરાશાયી છે.
આ સિવાય અનેક રસ્તાઓ પણ બંધ થઈ ગયા છે. તો દરિયાકાંઠના કેટલાંક વિસ્તારોમાં તો મકાનના છાપરાં પણ ઉડી ગયા હતા. વીજપોલ ઉખડી જતા અનેક ગામોમાં અંધારપટ્ટની સ્થિતિ સર્જાઈ હતી. હજુ પણ રાજ્યમાં સૂસવાટો મારતો પવન ફૂંકાઈ રહ્યો છે. ત્યારે તંત્ર દ્વારા બચાવ અને રાહતકાર્ય હાથ ધરવામાં આવ્યું છે. હવામાન વિભાગનું માનીએ તો રાજ્યમાં હજુ પણ બે દિવસ સુધી વિવિધ વિસ્તારોમાં સામાન્યથી અતિભારે વરસાદ પડી શકે છે. મહત્વનું છે કે, હાલ બિપોરજાેય વાવાઝોડું રાજસ્થાન તરફ આગળ વધી રહ્યું છે.
અરબ સાગરમાં ઉદ્દભવેલા વિનાશક વાવાઝોડાં બિપરજાેયનું ૧૫મી જૂને લેન્ડફોલ થયા બાદ કચ્છ તેમજ સૌરાષ્ટ્રમાં તોફાની પવન સાથે ધોધમાર વરસાદ પડતાં વ્યાપક તબાહી ફેલાઈ છે. વાવાઝોડાં અને વરસાદને કારણે સેંકડો વીજળીના થાંભલા ધરાશાઈ થતાં મોટાભાગના વિસ્તારોમાં વીજળીનો પૂરવઠો ખોરવાઈ ગયો છે.
અનેક ઠેકાણે વૃક્ષો ધરાશાઈ થયા હોવાથી રસ્તા પણ બંધ થઈ ગયા છે. હાલ એનડીઆરએફતેમજ ફાયર બ્રિગેડ દ્વારા વૃક્ષો હટાવવાની કામગીરી યુદ્ધના ધોરણે કરવામાં આવી રહી છે. સદ્દનસીબે વાવાઝોડાંની સૌથી વધુ અસર જે વિસ્તારોમાં થવાની હતી ત્યાં રહેતા લોકોને પહેલાથી જ સલામત સ્થળે ખસેડી લેવાતા કોઈ જાનહાનિ થયાના અહેવાલ હજુ સુધી સામે નથી આવ્યા. જાેકે, વાવાઝોડાંથી ખેતી તેમજ પશુધનને કેટલું નુક્સાન થયું છે તે વિગતો ધીરે-ધીરે બહાર આવશે.