Western Times News

Gujarati News

દુબઇ જતી એર ઈન્ડિયની તમામ ફ્લાઇટ રદ, અન્ય ફ્લાઇટસ શારજાહ ડાયવર્ટ

અમદાવાદ, કૃત્રિમ વરસાદને લીધે ઉભી થયેલી આફતથી સમગ્ર અખાતી દેશો અને ખાસ કરીને દુબઇ જાણે કે થંભી ગયું હોય તેવો ઘાટ થયો છે.

દુબઇમાં અસાધારણ વરસાદને પગલે શહેરમાં અને એરપોર્ટ પર પણ પાણી ભરાઇ ગયા હતા. જેને પગલે દુનિયાના સૌથી વ્યસ્ત દુબઇ એરપોર્ટ પર ત્રણ દિવસથી વિમાનના આવાગમન બંધ થઇ ગયા છે.

સ્થાનિક ઓથોરિટી દ્વારા આગામી ૨૪ કલાકમાં ઓપરેશન શરૂ થાય તેવી સંભાવના વ્યક્ત કરાઈ છે. યુએઇ ખાતેના ભારતીય દુતાવાસ દ્વારા પણ ભારતથી દુબઇ કે યુએઇ જતા મુસાફરો માટે ખાસ એડવાઇઝરી બહાર પાડી છે. ત્યાં ફસાયેલા દેશના નાગરિકોની વિગતો માટે દુતાવાસે ખાસ હેલ્પલાઇન નંબરો પણ જાહેર કર્યા છે.

આ ઉપરાંત દુબઇની બહુમાળી ઇમારતોમાં રહેતા લોકો વીજળી અને પાણી વિના ટળવળી રહ્યા છે. તમામ ઓફિસો બંધ હોવાથી લોકોને ઘરમાં જ પુરાઇ રહેવું પડ્યું છે. કેટલાક વિસ્તારોમાં થોડા પાણી ઉતરતાં લોકો ઘરવખરી ખરીદવા મોલમાં ઉમટી પડ્યા છે.

અમદાવાદથી દુબઇ જતી આવતી પાંચ ફ્લાઇટ શુક્રવારથી ઓપરેટ થવા લાગી છે. જો દુબઇ એરપોર્ટ પર તકલીફ જણાય તો ફ્લાઇટને શારજાહ ડાયવર્ટ કરવામાં આવી છે. જ્યાં આખા વર્ષમાં માંડ પાંચેક ઇંચ વરસાદ પડતો હોય છે તેવા દુબઇમાં દોઢ કલાકમાં જ સાડા છ ઇંચ વરસાદ પડી ગયો હતો. જેના પગલે એરપોર્ટ જળબંબાકાર થઇ ગયું છે. જે ફ્લાઇટ એરપોર્ટ પર હતી, તે ટેકઓફ કરી શકતી નથી.

જ્યારે પાણીને કારણે બહારથી આવેલી ફ્લાઇટ લેન્ડ કરી શકતી નથી. જેને લઇને એરપોર્ટ પર ફલાઇટના આવાગમન બંધ થઇ ગયા છે. હજારોની સંખ્યામાં મુસાફરો એરપોર્ટ પર અટવાઇ ગયા હતા. થોડા પાણી ઉતરતાં લોકો એરપોર્ટ પરથી પોતાના ઘરે કે હોટલ પર પરત ફરી રહ્યા છે. જોકે, હજુ એરપોર્ટ પર ઓપરેશન શરૂ કરાયા નથી પરંતુ આગામી ૨૪ કલાકમાં વિમાનના આવાગમન શરૂ કરાવવામાં આવશે.

જેને પગલે બહારથી દુબઇ ફરવા આવેલા લોકો પરત પોતપોતાના દેશમાં જઇ શકશે. જે લોકો ત્યાં વસવાટ કરી રહ્યા છે, તેઓ લાઇટ-પાણી વગર પરેશાન થઇ ગયા છે. લીફ્ટ બંધ હોવાથી બહુમાળી બિલ્ડિંગમાં વસવાટ કરતા લોકો પણ મુશ્કેલીમાં મૂકાઈ ગયા છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.