તમામ એક્ઝીટ પોલ ખોટા સાબિત થયાઃ INDI એલાયન્સે મજબૂત ટક્કર આપી
મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન અને પશ્ચિમ બંગાળમાં ધોવાણ થતા ભાજપને ૨૪૦ જેટલી બેઠકો જ મળી
એનડીએની સરકાર રચવામાં નીતિશકુમાર (જેડીયુ) અને ચંદ્રબાબુ નાયડુ (ટીડીપી) કિંગમેકર સાબિત થશે
(એજન્સી)નવી દિલ્હી, લોકસભાની ચૂંટણીમાં ફરી એકવાર એકઝિટ પોલ ધ્વસ્ત થઇ ગયા. પરિણામો ૨૦૦૪ની જેમ એકઝિટ પોલથી ઉલટા નીકળ્યા. એક દાયકા પછી ગઠબંધન સરકારનો યુગ પાછો ફર્યો છે. ૩૭૦નો નારો આપનાર ભાજપ ૨૭૨ના આંકડાને સ્પર્શી શક્યું નથી, તે ૨૪૧ સુધી સિમિત રહી ગયું. ભાજપે રાજસ્થાન, ગુજરાત, ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર, બંગાળ, કર્ણાટક અને હરિયાણા તમામ જગ્યાએ સીટો ગુમાવવી પડી છે.
તમિલનાડુ અને પંજાબમાં તો ભાજપ ખાતું પણ નથી ખોલાવી શક્યું. ઓડિશા અને તેલંગાણાએ લાજ બચાવી લીધી. નીતીશ કુમાર અને ચંદ્રાબાબુ નાયડુ હવે નવી સરકારના કિંગમેકર તરીકે ઉભરી આવ્યા છે. એકંદરે, એનડીએ ગઠબંધન સત્તાની નજીક આવી ગયું હતું, પરંતુ સંપૂર્ણ બહુમતી સરકાર ન હોવાને કારણે ગઠબંધનની રમત ફરી શરૂ થઈ છે.. ભાજપને સરકાર બનાવવા માટે ૩૩ બેઠકો ઓછી મળી છે. ગઠબંધન સરકારમાં તેણે એક દેશ, એક ચૂંટણી અને સમાન નાગરિક સંહિતા જેવા મુદ્દાઓ છોડવા પડશે.
૨૦૨૪ની લોકસભાની ચૂંટણીમાં પ્રાદેશિક પક્ષોની ઇચ્છા પુરી થઇ. ૧૦ વર્ષ પછી એક પણ પક્ષને સંપૂર્ણ બહુમતી મળી નથી. હવે કેન્દ્રમાં ગઠબંધન સરકાર બનશે, જેમાં તેમને સોદા કરવાની તક મળશે. નરેન્દ્ર મોદીની છેલ્લી બે સરકારોમાં, પ્રાદેશિક પક્ષો સરકારનો ભાગ હતા, પરંતુ તેમને એવા મંત્રાલયો આપવામાં આવ્યા હતા જે ભાજપ ઇચ્છતો હતો. ભાજપને લગભગ ૨૪૦ બેઠકો મળવાની ધારણા છે, જે બહુમતીના ૨૭૨ના આંક કરતાં ઘણી ઓછી છ. તમને જણાવી દઈએ કે સમાચારોમાં આપવામાં આવેલા આંકડા અંતિમ નથી, તે સાંજે પાંચ વાગ્યા સુધીના ટ્રેન્ડ મુજબ છે. અંતિમ પરિણામો અલગ હોઈ શકે છે.
ઉત્તર પ્રદેશમાં ભાજપના નેતાઓની મનમાની જનતા સહન કરી શકી ન હતી, જેના કારણે ભાજપ સંપૂર્ણ બહુમતીથી ૩૨ ડગલાં દૂર રહી. આ હાર માટે ઘણા કારણો જવાબદાર માનવામાં આવી રહ્યા છે, મોંઘવારી અને બેરોજગારી જેવા મુદ્દાઓ ભાજપના મફત રાશન અને ભાષણ પર ભારે પડ્યા.. ટિકિટ કાપવાની ફોર્મ્યુલા અને કોંગ્રેસમાંથી આવેલા નેતાઓને તાત્કાલિક ટિકિટ આપવાનો નિર્ણય પણ ભાજપને નડ્યો. આ સિવાય ‘અબ કી બાર, ૪૦૦ પાર “ના નારાએ મધ્યમ વર્ગને બૂથથી દૂર કરવામાં મોટી ભૂમિકા ભજવી હતી.
મોટાભાગની જગ્યાઓ પર ભાજપના મુખ્ય મતદારોને પણ નરેન્દ્ર મોદી મોટી જીત માટે પૂરતા છે તેવો વધુ પડતો વિશ્વાસ હતો. પાંચ તબક્કાની ચૂંટણી પછી ઘણા વિસ્તારોમાં સાંસદ સામે લોકોનો ગુસ્સો પણ સામે આવ્યો હતો.
ભારતની ૫૪૩ બેઠક વાળી લોકસભામાં બહુમતી મેળવવા માટે ૨૭૨ના આંકડાને પાર કરવો જરૂરી છે. જો કે, અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટી સહિત કોઈપણ પક્ષ આનાથી ઘણો પાછળ જોવા મળી રહ્યો છે. જોકે ભાજપના નેતૃત્વમાં એનડીએ પણ આંકડો પાર કરી ગયો છે. એવા ઘણા રાજ્યો છે જ્યાં એનડીએ ક્લીન સ્વીપ કરીને વિપક્ષ સામે એકતરફી જીત હાંસલ કરવાની તૈયારી કરી રહ્યું છે.
એનડીએ મધ્ય પ્રદેશમાં તમામ ૨૯ બેઠકો જીતી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. તો આ સાથે જ અરુણાચલ પ્રદેશની ૨ બેઠક, ત્રિપુરાની ૨ બેઠક, હિમાચલ પ્રદેશની ૪ બેઠક, ઉત્તરાખંડની ૫ બેઠક અને રાજધાની દિલ્હીની ૭ બેઠકો પર ભાજપ આગળ છે. આ બધાને એકસાથે મૂકીને, ભાજપ ૫ રાજ્યો અને એક કેન્દ્ર શાસિત પ્રદેશની ૪૯ બેઠકો પર એકતરફી જીત નોંધાવવાની તૈયારી કરી રહ્યું છે.
લોકસભાની સાથે ઓડિશા વિધાનસભાની ૧૪૭ બેઠકો માટે પણ મતગણતરી ચાલી રહી છે. એવી શક્યતાઓ છે કે ભાજપ પ્રથમ વખત રાજ્યમાં બહુમતી સાથે સરકાર બનાવે છે. ઈસીઆઈના આંકડા અનુસાર, ભાજપ ૭૫ સીટો પર આગળ છે. તે જ સમયે, સત્તારૂઢ બીજુ જનતા દળ ૫૪ બેઠકો સાથે બીજા સ્થાને છે. કોંગ્રેસ અત્યાર સુધી ૧૬ સીટો પર આગળ છે.
પશ્ચિમ બંગાળની બહેરામપુર સીટ પરથી ટીએમસીના યુસુફ પઠાણે જીત મેળવી છે. આ બેઠક પરથી કોંગ્રેસના અધીર રંજન ચૌધરીનો પરાજય થયો છે. નવી દિલ્હી સીટ પર સુષમા સ્વરાજની દીકરી બીજેપીના બાંસુરી સ્વરાજે જીત મેળવી છે. મહારાષ્ટ્રના ભિવંડીમાં કેન્દ્રીય મંત્રી કપિલ પાટીલ હારી ગયા છે. શિવરાજ સિંહ ચૌહાણે મધ્યપ્રદેશની વિદિશા સીટ પર રેકોર્ડ ૮ લાખ મતોથી જીત મેળવી છે. શક્ય છે કે આ માર્જિન સૌથી મોટું માર્જિન હોઈ શકે.
તમને જણાવી દઈએ કે મધ્યપ્રદેશમાં ભાજપે તમામ ૨૯ સીટો પર જીત મેળવી છે. અહીં કોંગ્રેસનો સફાયો થઈ ગયો છે. શિવરાજ સિંહ ચૌહાણની આટલી મોટી જીત તેમની લોકપ્રિયતાની વાત કરે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસી સીટ જીતી લીધી છે. જો કે ત્રણ વખતમાં આ તેની સૌથી નાની જીત છે. પીએમ મોદીએ કોંગ્રેસના અજય રાયને ૧.૫ લાખથી વધુ મતોથી હરાવ્યા છે.
બહુમતથી પાછળ રહેલી ભાજપને આ વખતે સરકાર બનાવવા માટે ટીડીપીના ચંદ્રાબાબુ નાયડુ અને જેડીયુના નીતિશ કુમારનું સમર્થન છે. ભાજપ લગભગ ૨૪૦ સીટો જીતી શકે છે. જ્યારે જેડીયુ ૧૪ સીટો પર અને ટીડીપી ૧૬ સીટો પર આગળ છે. મોંઘવારી અને બેરોજગારી જેવા મુદ્દાઓ ભાજપના મફત રાશન અને ભાષણ પર ભારે પડ્યા.
ટિકિટ કાપવાની ફોર્મ્યુલા અને કોંગ્રેસમાંથી આવેલા નેતાઓને તાત્કાલિક ટિકિટ આપવાનો નિર્ણય પણ ભાજપને નડ્યો. આ સિવાય ‘અબ કી બાર, ૪૦૦ પાર “ના નારાએ મધ્યમ વર્ગને બૂથથી દૂર કરવામાં મોટી ભૂમિકા ભજવી હતી. મોટાભાગની જગ્યાઓ પર ભાજપના મુખ્ય મતદારોને પણ નરેન્દ્ર મોદી મોટી જીત માટે પૂરતા છે તેવો વધુ પડતો વિશ્વાસ હતો. પાંચ તબક્કાની ચૂંટણી પછી ઘણા વિસ્તારોમાં સાંસદ સામે લોકોનો ગુસ્સો પણ સામે આવ્યો હતો.