જેલ ખરા અર્થમાં કેદીઓ માટે સુધારગૃહ બનવી જોઈએ : રાજ્યપાલ
જેલમાં એવું વાતાવરણ બને કે જેથી અપરાધી સજાકાળ બાદ અપરાધી ન રહે-કેદીઓને કૌશલ્ય તાલીમ આપવી જોઈએ
સજા ભોગવ્યા બાદ કેદીઓ સરળતાથી સામાજિક સ્વીકૃતિ પામે તેવું વાતાવરણ નિર્માણ કરીએ
કમ્પ્યૂટર એન્ડ ટેક્નોલોજીની કેટેગરીમાં ગુજરાતની ટીમે બાજી મારી-છઠ્ઠી ઓલ ઇન્ડિયા પ્રિઝન ડ્યુટી મીટ- 2022ના સમાપન પ્રસંગે ખેલાડીઓને શુભેચ્છા પાઠવતા રાજ્યપાલ શ્રી
19 રાજ્યોના વિજેતા સ્પર્ધકોને વિવિધ કેટેગરીમાં ઇનામોનું રાજ્યપાલ શ્રીના વરદ હસ્તે વિતરણ કરાયું
4 થી 6 સપ્ટેમ્બર એમ ત્રણ દિવસ દરમિયાન યોજાયેલી ઓલ ઇન્ડિયા પ્રિઝન ડ્યુટી મીટના સમાપન સમારોહમાં ખેલાડીઓને શુભેચ્છા પાઠવતા ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતે ખેલાડીઓને શુભકામનાઓ પાઠવતા જણાવ્યું હતું કે, કેદીઓ માટે જેલ ખરા અર્થમાં સુધારાગૃહ બનવી જોઈએ. રાજ્યપાલશ્રીએ આ પ્રસંગે માનવીય અભિગમ સાથે જેલ સુધારણા પર ભાર મૂક્યો હતો.
ગુજરાત જેલ પ્રશાસન અને પોલીસ અનુસંધાન અને વિકાસ બ્યુરો, નવી દિલ્હી દ્વારા ગુજરાતના યજમાન પદે યોજાયેલી છઠ્ઠી ઓલ ઇન્ડિયા પ્રિઝન ડ્યુટી મીટ- 2022ના સમાપન સમારોહમાં રાજ્યપાલ શ્રીએ વિજેતા ટીમને પુરસ્કાર, ટ્રોફી આપી શુભકામનાઓ પાઠવી હતી. રાજયપાલશ્રી એ જણાવ્યું હતું કે, જેલ વહીવટી તંત્ર દ્વારા જેલમાં એવું વાતાવરણ નિર્માણ પામે કે અપરાધી સજા કાપ્યા બાદ અપરાધી ન રહે.
રાજયપાલશ્રીએ જણાવ્યું હતું કે, દેશમાં જેલ સુધારણા માટે અનેકવિધ કાર્યો થઈ રહ્યા છે. તેમણે કેદીઓમાં જેલકાળ દરમિયાન કૌશલ્ય વિકાસ પર જોર આપતા જણાવ્યું હતું કે, કેદીઓમાં કૌશલ્ય નિર્માણ કરવાથી સજા ભોગવ્યા બાદ કેદીઓ રોજગારી મેળવી શકશે એટલું જ નહીં, તેમને સરળતાથી સામાજિક સ્વીકૃતિ પણ મળી શકશે.
રાજ્યપાલ શ્રીએ આ પ્રસંગે ઓપન જેલના વિચારને મહત્વપૂર્ણ ગણાવી કેદીઓને પ્રાકૃતિક કૃષિ તરફ પ્રેરિત કરવા પણ અનુરોધ કર્યો હતો. જેથી તેઓ દેશના અન્ય ખેડૂતો માટે પણ પ્રેરણાસ્ત્રોત બની શકે. રાજ્યપાલ શ્રીએ કેદીઓના શારીરિક તેમજ માનસિક સ્વાસ્થ્યની જાળવણી પર પણ ભાર મૂક્યો હતો અને જણાવ્યું હતું કે,આધ્યાત્મિક અને નૈતિક મૂલ્યો દ્વારા સકારાત્મક વિચારોથી કેદીઓને શ્રેષ્ઠ જીવન પ્રત્યે પ્રેરિત કરવા જોઈએ.
રાજ્યપાલ શ્રીએ બે વખત ઓલ ઇન્ડિયા પ્રિઝન ડ્યુટી મીટના સફળ આયોજન બદલ ગુજરાત સરકાર અને ગુજરાત જેલ પ્રશાસનને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે સફળ ટીમ અને ખેલાડીઓના ઉજ્જવળ ભાવિ માટે શુભેચ્છાઓ પણ પાઠવી હતી.
આ અવસરે જેલ અને સુધારાત્મક વહીવટના અધિક મહાનિર્દેશક શ્રી કે.એલ.એન રાવે સ્વાગત પ્રવચનમાં જણાવ્યું હતું કે, ભાઈચારાની ભાવના, રાજ્યોની કાર્યપ્રણાલી અને કાર્યસંસ્કૃતિનો પરસ્પર પરિચય તેમજ એકતાની ભાવના મજબૂત થાય તે આ મીટનો હેતુ હતો જે સાર્થક થયો છે. ત્રણ દિવસ દરમિયાન અહીં 19 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશના સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લીધો છે. બીજી વખત ગુજરાતને ઓલ ઇન્ડિયા પ્રિઝન ડ્યુટી મીટની યજમાની આપવા બદલ તેમણે આભાર સાથે હર્ષની લાગણી વ્યક્ત કરી હતી.
આ પ્રસંગે પોલીસ અનુસંધાન અને વિકાસ બ્યુરો, નવી દિલ્હીના ડી.જી. શ્રી બાલાજી શ્રીવાસ્તવે આભાર પ્રદર્શિત કરતા જણાવ્યું હતું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઈ શાહ દ્વારા અપાયેલા વિવિધ લક્ષ્યાંકોને પૂર્ણ કરવા અમે કટિબદ્ધ છીએ. આ મીટ થકી સ્પર્ધકોમાં જીતવાનું ઝનૂન અને હાર હજમ કરવાની હિંમત પણ વધી છે. ખેલથી જેલના વાતાવરણમાં બદલાવ આવશે તેવી આશા વ્યક્ત કરતા તેમણે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી, ગૃહરાજ્ય મંત્રીશ્રી તેમજ જેલ વિભાગનો આભાર માન્યો હતો.
આ ત્રિદિવસીય પ્રિઝન મીટમાં આશરે 934 ખેલાડીઓ સામેલ થયા હતા. જેમાં કવીઝ, જેલ સ્વચ્છતા, કમ્પ્યુટર અને ટેકનોલોજી, વન મિનિટ ડ્રિલ, કબડ્ડી, સંગીત, વોલીબોલ સહિતની વિવિધ ૧૮ સ્પર્ધાઓના વિજેતાઓને રાજ્યપાલ શ્રીના હસ્તે ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. જે પૈકી કમ્પ્યુટર અને ટેક્નોલોજીની કેટેગરીમાં ગુજરાતની ટીમે બાજી મારી હતી.
છઠ્ઠી અખિલ ભારતીય પ્રિઝન ડ્યુટી મીટના સમાપન સમારોહમાં ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી રાજકુમાર તેમજ વિવિધ રાજ્યના જેલ વિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.