મ્યુનિસિપલ કોર્પોરેશનની તમામ ટાંકીઓની સફાઈ કરવામાં આવશે
નવરાત્રિમાં ખેલૈયાઓની સુવિધા માટે સ્ટ્રીટ લાઈટ અને ટ્રાફિક વિભાગ સતત મોનીટરીંગ કરશે ઃ દેવાંગ દાણી
(પ્રતિનિધિ) અમદાવાદ, નવરાત્રિના તહેવારો દરમિયાન ખેલૈયાઓને તકલીફ ન થાય તે માટે મ્યુનિ. સ્ટ્રીટ લાઈટ અને ટ્રાફિક વિભાગને સાબદા રહેવા, મ્યુનિ. કોર્પોરેશન હસ્તગતના તમામ વો.ડી. સ્ટેશનની સફાઈ કરવા, તહેવારો દરમિયાન મીઠાઈ-ફરસાણના સેમ્પલ ચકાસણી ઝડપી કરવા માટે સ્ટેન્ડિગ કમિટિમાં ચર્ચા કરવામાં આવી હતી.
મ્યુનિ. સ્ટેન્ડિગ કમિટિ ચેરમેન દેવાંગભાઈ દાણીના જણાવ્યા મુજબ નવરાત્રિ અને દિવાળીના તહેવારો નજીક આવી રહયા છે જેને ધ્યાનમાં લઈ હેલ્થ ફલાઈંગ સ્કવોર્ડની ટીમને વધુ સઘન ઝુંબેશ શરૂ કરવા જણાવવામાં આવ્યું છે. જે સ્થળે મીઠાઈ કે ફરસાણના ઉત્પાદન થતાં હોય તે સ્થળેથી નમૂના લઈ માત્ર ત્રણ -ચાર દિવસમાં જ તેના પરિણામ જાહેર થાય તે રીતે કામગીરી કરવા માટે અને સરકાર તરફથી જે કીટ આપવામાં આવી છે તેનો ઉપયોગ કરવા માટે પણ તાકીદ કરવામાં આવી છે.
રાજય સરકાર તરફથી પરીક્ષણ કીટ આપવામાં આવી છે તેમાં ૭૦ જેટલા સેમ્પલના ટેસ્ટીગ સ્થળ પર જ થઈ શકે છે. જાે તેનો પૂર્ણ રીતે ઉપયોગ કરવામાં આવે તો નાગરિકોને બીનઆરોગ્યપ્રદ કે ભેળસેળયુકત ખોરાકથી બચાવી શકાય તેમ છે. આ ઉપરાંત મ્યુનિ. કોર્પોરેશન પાસે પણ તેલ ટેસ્ટીગના સાધનો ઉપલબ્ધ છે
જેનો ઉપયોગ પણ જે તે ઉત્પાદકના કાર્યસ્થળ પર કરવામાં આવશે. નવરાત્રિના તહેવારો નજીક આવી રહયા છે ત્યારે રાત્રે ૧ર.૦૦ વાગ્યા સુધી ગરબે ઘુમ્યા બાદ ખેલૈયાઓને ઘરે જતા એક થી બે કલાક થતાં હોય છે આ સમયગાળા દરમિયાન તેમને કોઈ તકલીફ ન થાય કે કોઈ અઘટિત ઘટના ન બને તે માટે સ્ટ્રીટ લાઈટ વિભાગને સાબદા રહેવાની સુચના આપવામાં આવી છે.
તદઉપરાંત ટ્રાફિકજામની સમસ્યાના નિવારણ માટે ટ્રાફિક મેનેજમેન્ટ ટીમને સતત મોનીટરીંગ કરવા માટે પણ તાકીદ કરી છે. મ્યુનિ. વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી સપ્લાય થતાં પાણીમાં કેટલાક સ્થળે ટીરબીડીટી આવી ગઈ હતી તેથી મ્યુનિ. કોર્પોરેશન સંચાલિત તમામ રર૦ ટાંકીઓને કલોરીનથી સાફ કરવામાં આવશે
જેના કારણે નાગરિકોને તહેવારોમાં પ્રદુષણ મુક્ત પાણી સપ્લાય થઈ શકશે. મ્યુનિ. કોર્પોરેશન હસ્તક હાલ કુલ ૪ર જીમનેશિયમ છે જેની સામે ૪૮ ઈલેકશન વોર્ડ છે તેથી જે વોર્ડમાં જીમનેશિયમ ન હોય તે વોર્ડમાં નવા જીમનેશિયમ બનાવવા માટે નિર્ણય કરવામાં આવ્યો છે હાલ તમામ જીમનેશિયમમાં કુલ ૧પ૮૭૯ સભ્યો છે
જયારે ૧૬ સ્વીમીંગ પુલમાં ૪૯૪પ૪ સભ્યો છે જેઓ મ્યુનિ. સેવાનો લાભ લઈ રહયા છે. શહેરમાં હાલ સ્વચ્છતા અભિયાન ચાલી રહયું છે જેને ધ્યાનમાં લઈ તહેવારોની મોસમમાં રાત્રિ સફાઈ શરૂ કરવામાં આવશે.