ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ઓલપાડ ઝોન ચેમ્પિયન

સુરત, ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ આયોજીત તાલુકામાં ફરજ બજાવતા શિક્ષકો માટે ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ ઓલપાડ સ્થિત એ.કે.ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે યોજવામાં આવી હતી. ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ આયોજીત આ નવમી ક્રિકેટ ટુર્નામેન્ટ ઓલપાડ, કુદિયાણા, કીમ અને સાયણ એમ ચાર ઝોનમાં રમાડવામાં આવી હતી. જેમાં તાલુકાનાં પ્રાથમિક શિક્ષકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
ટુર્નામેન્ટની તમામ લીગ મેચ બાદ પ્રથમ સેમી ફાઇનલ કુદિયાણા ઝોન અને ઓલપાડ ઝોન વચ્ચે રમાઈ હતી. જેમાં ઓલપાડ ઝોનનો વિજય થયો હતો. ટુર્નામેન્ટની ફાઈનલ મેચમાં ઓલપાડ ઝોન અને કીમ ઝોનની ટીમો ટકરાઈ હતી. ઓલપાડ ઝોને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતાં ૧૦ ઓવરમાં ૧૦૪ રન કર્યા હતા. કીમ ઝોન આ લક્ષ્યાંકનો પીછો કરતાં નિર્ધારિત ૧૦ ઓવરમાં ૫ વિકેટ ગુમાવી ફક્ત ૮૭ રન બનાવી શકી હતી. આમ આ આંતર ઝોન ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ઓલપાડ ઝોનની ટીમ ચેમ્પિયન બની હતી.