Western Times News

Gujarati News

યુક્રેનની ખનીજ સંપત્તિ પર અમેરિકા-રશિયા સહિત તમામ મહાસત્તાઓની નજર

ર૬ ટ્રીલીયન કુદરતી ખનીજ સંપદા યુક્રેનના પેટાળમાં હોવાનો અંદાજ

નવી દિલ્હી, આપણે ત્યાં કહેવત છે કે ‘જર, જમીન, જોરુ, કજીર્યાંના છોરું’ હાલમાં રશિયા- યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુધ્ધમાં ધીમેધીમે મામલો બહાર આવી રહયો છે ત્રણ વર્ષ કરતા વધારે સમયથી યુધ્ધ ચાલતા બંને દેશોને વ્યાપક અસર થઈ છે. આર્થિક સહિતના મુદ્દે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. હવે અમેરિકા યુધ્ધમાં શાંતિ ઈચ્છી રહયુ છે. પરંતુ તેમાં આર્થિક લાભ પણ જોઈ રહયું છે. “લાલો લાભ વિના ના લોટે” અમેરિકા માટે પણ એવુ કહી શકાય.

મહાસત્તાઓ પોતાની તાકાતના જોરે સામેવાળા દેશોને ઝુકાવાની શક્તિ રાખે છે. મૂળ વાત તો હવે ધીમેધીમે સપાટી પર આવવા લાગી છે. યુક્રેનના પેટાળમાં અખૂટ ખનીજ સંપદ્રા છે અને મહાસત્તાઓની નજર તેના પર છે. હાલમાં ઝેલેસ્કીનું વલણ સૌ કોઈ જાણે છે જેલેન્સકીને દૂર કરીને તેના સ્થાને કહયાગરો સત્તાધીશ આવે તો અમેરિકા- રશિયા જેવી મહાસત્તાઓ તુરંત જ સમાધાન કરી લેશે તેવી શક્યતાઓ આંતરરાષ્ટ્રીય સ્તરે વ્યકત થઈ રહી છે.

હાલમાં ઝેલેન્સકીનું વલણ યુરોપિયન દેશો તરફનું જોવા મળી રહયું છે. પરંતુ હકીકત એ છે કે અમેરિકાની મદદ વિના યુક્રેન માટે આગળ વધુ ખૂબ જ મુશ્કેલભર્યું છે. અત્યારે ઝેલેન્સ્કીના વલણમાં ફેરફાર આવે છે કે નહિ તેના પર સૌ કોઈ નજર રાખી રહયા છે.યુક્રેન પાસે અંદાજે ર૬ ટ્રીલીયન જેટલી ખનીજ સંપદ્રા હોવાનું કહેવાય છે અને તેથીજ યુક્રેન પર કબજો મેળવવા રશિયાએ યુધ્ધ છેડયુ છે

તો સામે પક્ષે અમેરિકા સહિતના નાટો દેશો પણ નજર રાખીને બેઠા છે ખનીજ સંપદ્રા યુધ્ધનું મુખ્યકારણ મનાય છે ટ્રંપે સત્તાની ધૂરા સંભાળ્યા પછી ધડાધડ નિર્ણય લેવાની શરૂઆત કરી છે તેમાં આર્થિક બાબતો મોટાભાગના નિર્ણયોમાં વિશેષ જોવા મળી રહી છે.

આર્થિક મદદથી મહાસત્તાઓને કોઈ ફરક પડતો હોતો નથી. પરંતુ વિકાસની તરફ ડગ માંડતા દેશોને દબાવવા માટેની આ એક પ્રેશર ટેકટીસ ગણી શકાય છે. જગત જમાદાર અમેરિકા તેના નિર્ણયો માટે જગ જાણીતું છે તેમાંય યુક્રેન તો કુદરતી ખનીજ સંપદ્રાથી ભરપુર દેશ છે. પરિણામે તેને ભોગવવાનો વારો આવ્યો છે. મહાસત્તાઓની દોસ્તી અને દુશ્મની બંને નુકસાનકારક હોય છે.

મહાસત્તાઓ આર્થિક ફાયદા સિવાય બીજુ કશું જોતી નથી. ઈરાક- અફઘાનિસ્તાનની શું હાલત કરી તે સૌ કોઈ જાણે છે. આતંકવાદને ખત્મ કરનાર અને પોષનાર મહાસત્તાઓ જ હોય છે તેવુ કહેવુ થોડુ વધારે જરૂર લાગે. પરંતુ તાજેતરના યુધ્ધમાં સિરિયાની બાબતમાં મામલો જગ જાહેર છે. ટૂંકમાં મહાસત્તાઓ પોતાના આર્થિક લાભ માટે ગમે તે હદે જઈ શકે છે. યુક્રેનના મામલે કદાચ નજીકના દિવસોમાં કોઈ મોટા સમાચાર મળે તો નવાઈ નહિ રહે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.