“પે એન્ડ પાર્ક”માં નક્કી કરાયેલા દર કરતાં વધુ પૈસા પડાવાતા હોવાનો આક્ષેપ
“પે એન્ડ પાર્ક” કોન્ટ્રાકટરોના માણસો દાદાગીરી અને મનફાવે તેમ ચાર્જ વસુલ કરવાની ફરીયાદો સામે AMC અધિકારીઓ આંખ આડા કાન કરે છે.
કાંકરિયા લેકફ્રન્ટ ફરતે પે એન્ડ પાર્કવાળાની મનમાનીઃ અધિકારીઓની ઘોર બેદરકારી
(એજન્સી)અમદાવાદ, શહેરમાં ટ્રાફીક અને પાર્કિગની સમસ્યા હલ કરવાનાં નામે મ્યુનિ. સત્તાધીશો દ્વારા પ્લોટમાં અને રોડ ઉર્પર પે એન્ડ પાર્કના કોન્ટ્રાકટ આપી દેવાયા છે. પરંતુ આ કોન્ટ્રાકટરોના વાણીવર્તન દાદાગીરી અને મનફાવે તેમ ચાર્જ વસુલ કરવાની ફરીયાદો સામે અધિકારીઓ આંખ આડા કાન કરે છે. તેવું કાંકરીયા લેકફ્રન્ટ ફરતે ના ચાર પે એન્ડ પાર્કની વિગતો ઉપરથી પુરવાર થઈ રહયું છે.
મ્યુનિ.સુત્રોના જણાવ્યા અનુસાર શહેરોનાં વિવિધ વિસ્તારોમાં રોડ પરર અને બ્રીજ નીચે પે એન્ડ પાર્ક બનાવાયા છે. તેમાં બાઈક-સ્કૂટર માટે એક કલાકનાં પાંચ અને મોટરકાર માટે ૧પ રૂપિયા ચાર્જ લેવાનું નકકી કરવામાં આવ્યું છે. તેમ છતાં અનેક પે એન્ડ જગ્યાએ પે એન્ડ પાર્કના સબ કોન્ટ્રાકટરો કે તેમના માણસો દ્વારા વાહનચાલકો સાથે ગેરવર્તન કરવામાં આવતું હોવાની અને વધુ ચાર્જ વસુલતા હોવાની ફરીયાદો વ્યાપક બની છે.
આશ્ચર્યજનક રીતે સમગ્ર શહેરમાં પે એન્ડ પાર્કનાં એકસમાન ચાર્જ નકકી કરાયા હોવા છતાં કાંકરીયા લેકફ્રન્ટ ફરતેનાં ચાર પે એન્ડ પાર્ક ખાતે મનફાવે તેમ ચાર્જ વસુલ કરવામાં આવે છે અને ચાર્જ અંગેના બોર્ડ પણ લગાવવામાં આવ્યા નથી. એટલુંં જ નહી કાંકરીયા લેકફ્રન્ટ દ્વારા પુષ્પકુંજ ગેટ નંબર-૧ અને સ્વીમીગ પુલની વચ્ચેની જગ્યા માટેના પે એન્ડ પાર્કીગ માટેના ટેન્ડરમાં સુચીત દરમાં પ્રથમ ચાર રકલાકે માટે ટુ વ્હીલર માટે રૂ.૧પ, ફોર વ્હીલર માટે રૂ.ર૦ નો ચાર્જ રાખવામાં આવ્યો છે.
જે અન્ય વિસ્તારોનાં કલાકના નિયમો કરરતાં વિપરીત છે. અને તેનાથી વાહનચાલકોને ઓછો સમય વાહન મુકવું હશે તો પણ ચાર કલાક પ્રમાણે ચાર્જ મુકવાનો વારો આવશે.
કાંકરીયા લેકફ્રન્ટ ફરતેનાં પે એન્ડ પાર્કમાં ચાલતી ગેરરીતિ અંગે અધિકારીઓનું ધ્યાન દોરવામાં આવતાં હવે તંત્ર જાગ્યું છે. અને પાર્કીગના ચાર્જના બોર્ડ લગાવવા હિલચાલ હાથ ધરી હોવાનું જાણવા મળે છે. દરમ્યાયનમાં નવરંગપુરામાં પે એન્ડ પાર્કીગમાંથી ભુતકાળમાં દારૂની બોટલો પકડાઈ હોવા છતાં કોઈ પગલાં લેવાયા નહોતા. બીજી બાજુ નવરંગપુરામાં પાર્કીગના કોન્ટ્રાકટ પુરો થઈ ગયો હોવા છતાં અગમ્ય કારણોસર ફરીથી ટેન્ડર મગાવવામાં વિલંબ કરવામાં આવી રહયો હોવાનું ચર્ચાઈ રહયું છે.