અભ્યાસની સાથે સાથે આધુનિક ડ્રોન પણ બનાવી રહ્યો છે ગુજરાતનો આ યુવક
ડીસામાં એક વિદ્યાર્થીએ પોતાની પ્રતિભાથી સૌ કોઈને ચોંકાવ્યા-યુવરાજ દ્વારા બનાવવામાં આવેલું ડ્રોન વર્ચ્યુલ રિયાલીટી બેસ હોવાથી પોલીસ કર્મચારીઓ સુરક્ષા માટે તેનો સારો એવો ઉપયોગ કરી શકે છે.
(એજન્સી)ડીસા, બનાસકાંઠાના ડીસામાં એક વિદ્યાર્થીએ પોતાની પ્રતિભાથી સૌ કોઈને ચોંકાવી દીધા છે. માત્ર ૧૯ વર્ષની ઉંમરમાં તેને અલગ અલગ પ્રકારના ડ્રોન બનાવ્યા છે. અને ભવિષ્યમાં પોલીસને મદદરૂપ બનવા અને આજની પેઢીના બાળકોને ડ્રોનની ટેક્નોલાજી શીખવાડવા માટે એકેડેમી તૈયાર કરવાનું સપનું આ યુવક સેવી રહ્યો છે.
નામ યુવરાજ રાજપૂત.. ઉંમર ૧૯ વર્ષ… અભ્યાસ પોલિટેકનિકનો… પછાત ગણાતા બનાસકાંઠા જિલ્લાનો આ કિશોર અદ્ભુત પ્રતિભાનો ધની છે. યુવરાજે આટલી નાની ઉંમરમાં અલગ અલગ પ્રકારના આધુનિક ડ્રોન બનાવ્યા છે. યુવરાજ નાનો હતો ત્યારથી જ ઊડતી વસ્તુઓમાં તેને રસ હતો. અને આ રસને પગલે યુવરાજે ટેકનિકલ લાઇનમાં અભ્યાસ શરૂ કર્યો. અત્યારે યુવરાજ પોલિટેકનિક કોલેજમાં અભ્યાસ કરે છે.
અને સાથે સાથે તેને અલગ અલગ પ્રકારના ડ્રોન પણ બનાવ્યા છે. યુવરાજ પોલીસને પણ મદદરૂપ થાય તે રીતેના ડ્રોન બનાવી રહ્યા છે. યુવરાજ દ્વારા બનાવવામાં આવેલું ડ્રોન વર્ચ્યુલ રિયાલીટી બેસ હોવાથી પોલીસ કર્મચારીઓ સુરક્ષા માટે તેનો સારો એવો ઉપયોગ કરી શકે છે.
યુવરાજને બાળપણથી ઊડતી વસ્તુઓમાં રસ હતો. અને પોતાના આ શોખને પૂરો કરવા માટે યુવરાજ તો મથી રહ્યો હતો. પરંતુ તેને તેના પરિવાર અને કોલેજના પ્રોફેસરોએ પણ મદદ કરી અને ડ્રોન બનાવવામાં યુવરાજને સફળતા મળી. શરૂઆતમાં યુવરાજને ડ્રોન બનાવવામાં નિષ્ફળતા પણ મળી. પરંતુ પોતાની નિષ્ફળતા પરથી શીખ લઈને આજે એકદમ આધુનિક ડ્રોન બનાવી રહ્યો છે.
પોતાનામાં રહેલી કોઠસૂઝ અને અભ્યાસની મદદથી યુવરાજ અત્યારે એકદમ આધુનિક ડ્રોન બનાવી રહ્યો છે. અને અત્યારસુધીમાં અલગ અલગ ટેક્નોલાજીના પાંચેક ડ્રોન બનાવી ચૂક્યો છે. વરર્ચ્યુલ રિયાલીટી ટેક્નોલાજી ધરાવતા યુવરાજના ડ્રોન ખૂબ જ આધુનિક છે અને આજની આ નવી ટેક્નોલાજી નવી પેઢીને સમજાવવા માટે આગામી સમયમાં યુવરાજ એક એકેડેમી શરૂ કરવા માંગી રહ્યો છે.
યુવરાજ દ્વારા તૈયાર કરવામાં આવેલા ડ્રોન એકદમ આધુનિક ડ્રોન છે અને પોલીસને પણ સુરક્ષાની દ્રષ્ટિએ મદદરૂપ થઈ શકતા હોવાનો યુવરાજ દાવો કરી રહ્યો છે. વર્ચ્યુલ રિયાલીટીની ટેક્નોલાજી ધરાવતા આ ડ્રોન એકદમ સાંકડી જગ્યા પર પણ આસાનીથી પહોંચી શકતા હોવાથી પોલીસને નિરીક્ષણ કરવામાં ખૂબ જ મદદરૂપ થઈ શકે તેમ છે.
પછાત માનવામાં આવતા બનાસકાંઠા જિલ્લાના યુવરાજે એલિવેશન ક્ષેત્રમાં મર્યાદિત સાધનો વચ્ચે ખૂબ જ ઊંચી છલાંગ લગાવી છે. અને અત્યારે અભ્યાસની સાથે સાથે આધુનિક ડ્રોન પણ બનાવી રહ્યો છે.
ત્યારે આ વિદ્યાર્થીને જો યોગ્ય પીઠબળ મળે તો પ્રધાનમંત્રીના મેક ઇન ઈન્ડિયા પ્રોજેકટ અંતર્ગત ઊંચી ગુણવત્તા ધરાવતા ડ્રોન પણ તે બનાવી શકે છે. જેથી ડ્રોન માટે બીજા દેશો પર આધારિત રહેતો આપણો દેશ મેક ઇન ઈન્ડિયા પ્રોજેકટ ડ્રોનનો નિકાસ કરનાર દેશ પણ બની શકે છે.