પ્રાથમિક શાળાના શિક્ષકો સાથે હવે શાળાની દીવાલો પણ આપશે બાળકોને જ્ઞાન
ઓરડાની ચાર દિવાલો જ નહીં, સમગ્ર શાળા પરિસર વિદ્યાર્થીઓ માટે વર્ગખંડ બન્યું
(માહિતી) અમદાવાદ, અમદાવાદની દસક્રોઈ તાલુકાની રોપડા પ્રાથમિક શાળાએ શાળાના બાળકોના અભ્યાસમાં રુચિ વધારવા અને અધ્યયન અને પુનરાવર્તન ને સહજ બનાવવાના આશયથી એક નવીન ઉપક્રમ હાથ ધર્યો છે. શાળાના બાળકો અને યુથ સર્વ ફાઉન્ડેશનના સ્વયંસેવક વિદ્યાર્થીઓએ સાથે મળીને શાળાની તમામ દિવાલોને વિવિધ શૈક્ષણિક અને મોટીવેશનલ ચિત્રો સાથે સજાવી છે.
શાળામાં અભ્યાસ કરતા બાળકો માટે શાળા અને વર્ગખંડની દીવાલોને બોલતી કરવાના અને કેળવણી આપતી કરવાના ઉદ્દેશ સાથે યુથ સર્વ ફાઉન્ડેશનના સહયોગથી જીછન્ એન્જિનિયરિંગ કોલેજ અને કર્ણાવતી યુનિવર્સિટીના ૧૨૦ વિધાર્થીઓએ તેમજ રોપડા શાળાના ૨૦ જેટલા બાળકોએ એક જ દિવસમાં શાળાની દીવાલો પર વિવિધ શૈક્ષણિક અને મોટીવેશનલ ચિત્રો દોરી તેમાં રંગ પૂરીને શાળાની સમગ્ર દીવાલોને બોલતી કરી હતી.
વિદ્યાર્થીઓએ સાથે મળીને ગણિત, ગુજરાતી, હિન્દી, વિજ્ઞાન, પર્યાવરણ, ઇતિહાસ, રમત ગમત, સંગીત સહિત વિવિધતામાં એકતા જેવી વિવિધ થીમ પર રંગકામ કરી સરકારી શાળાની કાયા પલટ કરી હતી. શાળાના આચાર્ય શ્રી નિશીથભાઈ અને એસ.એમ.સીના સભ્યએ આ કામગીરીમાં સાથે રહીને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.
વિદ્યાર્થીઓ અને સ્વયંસેવકોએ વિવિધ થીમ આધારિત ચિત્રો દોરીને રંગ પૂર્યા હતા. જેમાં સેલ્ફી વોલ, ગણિત-વિજ્ઞાન સંજ્ઞા, શાકભાજી, ફૂલ, ફળોનાં સર્જનાત્મક આકારો, જળ ચક્ર, પતંગિયાનું જીવન ચક્ર, આહાર જાળ, વિજ્ઞાન ખંડ, હેરિટેજ અમદાવાદ ઓળખ, અટલ બ્રિજ, ચબુતરો, ભારતીય પરંપરા, ભારતની વિવિધતા, છોટા ભીમ કાર્ટૂન, વારલી આર્ટ, સર્વ-ધર્મ સમભાવ, અંગ્રેજી મૂળાક્ષરો, ઘડિયા, અંક જ્ઞાન, બારાક્ષરી વૃક્ષ, વર્ણ માળા,
અંગ્રેજી સ્પેલિંગ અને કાઉન્ટીંગ, હાઇટ ચાર્ટ, જાડું પાતળું, ડૂડલ આર્ટ, જંગલના પ્રાણીઓ, સૂર્ય મંડળ, વનસ્પતિના ભાગો, વિવિધ ઓજારો, મારું ગુજરાત થીમ , અપૂર્ણાંક પટ્ટી, ભૂમિતિ અને ઘડિયાળ જેવા અનેકવિધ ચિત્રો શાળાના વિવિધ વર્ગો અને ભાગોની દીવાલો પર બનાવવામાં આવ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, રોપડા પ્રાથમિક શાળા આ સિવાય પણ ઘણી સિદ્ધિઓ અને નવીન ઉપક્રમો દ્વારા જાણીતી બની છે. તાજેતરમાં ડિજિટલ સાક્ષરતા પ્રોજેક્ટ અંતર્ગત તુર્કીથી આવેલા કુમારી બેંગિસુ સુસારે પાંચ દિવસ સુધી શાળાની મુલાકાત લઈને શાળાના બાળકોને ડિજિટલ શિક્ષણ આપ્યું હતું.
શાળાના બાળકોએ સ્કેટિંગની રમતમાં ઘણી સિદ્ધિઓ હાંસલ કરેલી છે. સ્કેટિંગમાં ૧૦૦ જેટલા મેડલ અને ૫૦ જેટલા સર્ટિફિકેટ તથા ૨૫ જેટલી ટ્રોફી શાળાના બાળકોએ મેળવેલી છે. શાળા દ્વારા ‘એક બાળ, એક વૃક્ષ’ અભિગમ હેઠળ આ વર્ષે ૨૧૫૭ વૃક્ષ ઉછેરવામાં આવ્યા અને તેની માવજત કરીને ગામના વાતાવરણ ને હરિયાળું બનાવવા પ્રયત્નો કરવામાં આવ્યા.
શાળામાં બાળકો વિજ્ઞાન સાથે ગણિત વિષય રસપ્રદ રીતે ભણી શકે એ માટે સોફોસ કંપની અને અન્ય સ્વૈચ્છિક સંસ્થાઓના સહયોગ દ્વારા ‘ક્ષિતિજ સાયન્સ લેબ’ શરૂ કરવામાં આવી છે. શાળામાં સ્પેસ ક્લબ અને ઇનોવેશન ક્લબ ઉપલ્બધ છે.
શાળાને ઓનલાઇન સમર કેમ્પ અને શિક્ષણમાં યોગદાન સાથે નવતર અભિગમ માટે ૨ રાષ્ટ્રીય કક્ષાના એવોર્ડ પણ પ્રાપ્ત થયા છે. તાજેતરમાં મુંબઈ સ્થિત રંગોત્સવની રાષ્ટ્રીય કક્ષાની ચિત્ર સ્પર્ધામાં ૨૮ બાળકોએ વિજેતા બનીને મેડલ, ટ્રોફી, પ્રમાણપત્ર પ્રાપ્ત કર્યા છે. સાથે જ, દર વર્ષે યોજાતી અમદાવાદ ઇન્ટર સ્કુલ ડાન્સ કોમ્પીટિશન ૨૦૨૩માં શાળાના બાળકોએ ગ્રુપ ડાન્સમાં ટ્રોફી જીતી અનોખી સિદ્ધિ મેળવેલી.