Western Times News

Gujarati News

ગુજરાતમાં અછત વચ્ચે ઈ-કોમર્સ સાઈટ પર રેવન્યુ સ્ટેમ્પ ઉંચા ભાવે વેચાય છે

સરકારી સ્ટેમ્પનું વેચાણ ખાનગી કંપની કરી શકે નહીં છતાંય બેફામ વેચાણ-એમેઝોન સહિતની ઈ-કોમર્સ વેબસાઈટો પર રેવન્યુ સ્ટેમ્પ ઉંચા ભાવે વેચાઈ રહયા છે.

(એજન્સી)અમદાવાદ, રાજયમાં છેલ્લા ઘણા સમયથી સરકારી અને નાના-મોટા કામો માટે જરૂરી એવા રેવન્યુ સ્ટેમ્પની અછત વર્તાઈ રહી છે. રાજયની મોટાભાગની પોસ્ટ ઓફીસોમાં રેવન્યુ સ્ટેમ્પ ખુટી પડતાં એક તરફ પાંચ હજાર કે તેથી વધુ રકમના અનેક વ્યવહારો અટવાઈ ગયા છે.

ત્યાં બીજી તરફ ઈ-કોમર્સ સાઈટ ઉપર રેવન્યુ સ્ટેમ્પના કાળાં બજાર થતાં હોવાનું બહાર આવ્યું છે. કોઈપણ કંપની સરકારી સ્ટેમ્પનું વેચાણ કરી શકે નહી. છતાંય ઈ-કોમર્સ સાઈટ પર રેવન્યુ સ્ટેમ્પ મુળ કિંમત કરતા ઉંચા ભાવે બેફામ વેચાતા હોવાનું ધ્યાને આવતા ગાંધીનગરના સ્ટેમ્પ ડયુટી વિભાગના ડેપ્યુટી કલેકટર દ્વારા તપાસના ચક્રો ગતિમાન કરાયા હતા.

જેથી પ્રાથમીક તપાસમાં યુ.પી.ની એક ખાનગી કંપની સ્ટેમ્પનું ઓનલાઈન વેચાણ કરતી હોવાનો ખુલાસો થયો છે. એટલે તે દિશામાં વધુ તપાસ હાથ ધરાઈ છે.

ગુજરાતમાં ૯ હજારથી વધુ પોસ્ટ ઓફીસોમાંથી દર વર્ષે પાંચ કરોડની કિંમતની રેવન્યુ સ્ટેમ્પનું વેચાણ થતું હોય છે. પરંતુ કેન્દ્ર સરકારે નિયમોમાં કરેલા ફેરફારને લીધે છેલ્લા કેટલાય દિવસોથી રાજયની મોટાભાગની પોસ્ટ ઓફીસોમાં રેવન્યુ સ્ટેમ્પની અછત વર્તાઈ છે.

ત્યાં બીજી તરફ એમેઝોન સહિતની ઈ-કોમર્સ વેબસાઈટો પર સરકારી રેવન્યુ સ્ટેમ્પ ઉંચા ભાવે વેચાઈ રહયા છે. જેમાં ભારેખમ ડિસ્કાઉન્ટ સાથે રૂા.ર૪૯ ના મુલ્યના રપ રેવન્યુ સ્ટેમ્પ માત્ર ૯૪ રૂપિયામાં ખરીદવાની ઓફર ઓનલાઈન આપવામાં આવી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.