Western Times News

Gujarati News

“અમલસાડ ચીકુ”ને દક્ષિણ ગુજરાતનો પ્રથમ કૃષિ પેદાશ GI ટેગ – સ્થાનિક ખેડૂતો માટે ગર્વની ક્ષણ

નવસારી, દક્ષિણ ગુજરાત માટે ગર્વની બાબત બની છે કે નવસારી જિલ્લાના અમલસાડ વિસ્તારમાં ઉગાડાતું “અમલસાડ ચીકુ” હવે ભૌગોલિક માનાંકન (Geographical Indication – GI) ટેગથી સન્માનિત થયું છે. આ ટેગ મેળવતું દક્ષિણ ગુજરાતનું આ પ્રથમ કૃષિ પેદાશ છે.

GI ટેગ એ વિશિષ્ટ ચિહ્ન છે, જે કોઈ ચોક્કસ ભૌગોલિક વિસ્તારનાં પ્રમાણભૂત, ગુણવત્તાવાળાં અને પરંપરાગત ઉત્પાદનોને ઓળખ આપે છે. આ માન્યતા અમલસાડ ચીકુના અસાધારણ સ્વાદ, નરમ માવા અને ગુણવત્તાને આધારે આપવામાં આવી છે.

આ નોંધપાત્ર સફળતા નવસારી કૃષિ યુનિવર્સિટી, ગુજરાત કાઉન્સિલ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી (GUJCOST), તેમજ વલસાડ-નવસારી ફળ અને શાકભાજી સહકારી સંઘ લિ.ના સહયોગથી પ્રાપ્ત થઇ છે. ચેન્નાઈની GI રજિસ્ટ્રી દ્વારા આ માન્યતા આપવામાં આવી છે.

GI Tag એટલે “Geographical Indication” Tag: જાણો કોણ મેળવી શકે છે

નવસારી કૃષિ યુનિવર્સિટીના માનનીય કુલપતિ ડૉ. ઝેડ. પી. પટેલે જણાવ્યું કે, “આ પ્રસંગ સમગ્ર દક્ષિણ ગુજરાત માટે ઐતિહાસિક છે. અમલસાડ ચીકુ દાયકાઓથી અહીંના અર્થતંત્રનો અભિન્ન ભાગ રહ્યું છે. આ ટેગથી દેશમાં અને વિદેશમાં પણ આ ઉત્પાદનની આગવી ઓળખ ઊભી થશે.”

તેમણે ઉમેર્યું કે, યુનિવર્સિટી દ્વારા ચીકુ ખેતીમાં અનેક ટેકનોલોજીકલ નવા આયામો લાવવામાં આવ્યા છે – જેમ કે સોફ્ટવુડ કલમ માટે રાયણ રુટસ્ટોકની ભલામણ, પાક જીવાત નકશો, મિથાઈલ યુજેનોલ ફળમાખી ટ્રેપ વગેરે. આ રીતે યુનિવર્સિટીએ ખેડૂતોને માર્ગદર્શન આપીને ઉત્પાદનની ગુણવત્તા જાળવી રાખવામાં અને મૂલ્યવર્ધન કરવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.

GI ટેગની પ્રક્રિયામાં ભૌગોલિક માનાંકન ક્ષેત્રના કાનૂની સલાહકાર અને સંશોધક સમીક્ષા દાભાડેએ મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમણે જણાવ્યું કે, “અમે અનેક ખેડૂતોએ મુલાકાત લીધી, તેમના અનુભવ અને પૌરાણિક વૃક્ષોની વિગતો એકઠી કરી અને ચેન્નાઈ રજિસ્ટ્રીમાં પુરાવા તરીકે રજૂ કર્યા, જેના આધારે અમલસાડ ચીકુને GI ટેગ મળ્યો છે.”

વલસાડ-નવસારી ફળ અને શાકભાજી સહકારી સંઘ લિ.ના અધ્યક્ષ શ્રી રાજેશભાઈ પટેલે જણાવ્યું કે, “આ તકોને આર્થિક ઉછાળમાં ફેરવવા માટે સંઘ સમગ્ર સહકારી માળખાને સાથે લઈને અમલસાડ ચીકુના મૂલ્યવર્ધન અને નિકાસ માટે પ્રયત્નશીલ રહેશે.”

આ નોંધપાત્ર સિદ્ધિ દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે નવી આશા અને મહેનતના ફળ રૂપે નવી પ્રગતી લાવશે, અને અમલસાડ ચીકુને રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય બજારમાં એક અનોખી ઓળખ આપશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.