અમરનાથ ગુફા પાસે ફરી પુર આવ્યું: અનેક લોકોને રેસ્ક્યૂ કરાયા

શ્રીનગર, અમરનાથ ગુફાની આસપાસ ભારે વરસાદને કારણે પૂર આવી ગયું છે. ગુફાની આસપાસ પહાડોમાં ભારે વરસાદને કારણે આજે બપોરે જળાશયો અને આસપાસના ઝરણાઓમાં પૂર આવી ગયું હતું. તંત્ર દ્વારા તત્કાલ એલર્ટ જાહેર કરવામાં આવ્યું. અત્યાર સુધી ચાર હજારથી વધુ તીર્થયાત્રીકોને સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવ્યા છે. સ્થિતિ નિયંત્રણમાં છે.
આ પહેલા ૮ જુલાઈએ પણ અમરનાથ ગુફાની પાસે વાદળ ફાટ્યું હતું. તે ઘટનામાં ૧૫ લોકોના મોત થયા હતા અને ૪૦થી વધુ લાપતા થઈ ગયા હતા. ૮ જુલાઈએ સાંજે આશરે ૫.૩૦ કલાકે વાદળ ફાટવાની સૂચના મળી હતી. જેમાં ગુફાની પાસે બનેલા ઘણા તંબૂ તબાહ થઈ ગયા હતા.
સુરક્ષા દળોની ડિઝાસ્ટર મેનેજમેન્ટ એજન્સીઓ દ્વારા તત્કાલ બચાવ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. ઈજાગ્રસ્તોને હોસ્પિટલ પહોંચાડવા માટે સેનાના હેલીકોપ્ટરોની મદદ લેવામાં આવી હતી. યાત્રાને ત્યારે સ્થગિત કરી દેવામાં આવી હતી. ત્યારબાદ ૧૬ જુલાઈથી ફરી યાત્રા શરૂ થઈ હતી.
૪૩ દિવસ લાંબી વાર્ષિક અમરનાથ યાત્રા ૩૦ જૂને બે મુખ્ય માર્ગો (દક્ષિણ કાશ્મીરનો ૪૮ કિલોમીટર લાંબો પરંપરાગત નુનવાન-પહલગામ માર્ગ અને મધ્ય કાશ્મીરના ગાંદરબલનો ૧૪ કિલોમીટર લાંબો બાલટાલ માર્ગ) થી શરૂ થઈ હતી. અધિકારીઓ અનુસાર આ વર્ષે અત્યાર સુધી ૨.૩૦ લાખથી વધુ તીર્થ યાત્રી પવિત્ર ગુફામાં બાબા બર્ફાનીના દર્શન કરી ચુક્યા છે.
અમરનાથ યાત્રા ૧૧ ઓગસ્ટે રક્ષા બંધન પર સમાપ્ત થશે. અધિકારીઓ પ્રમાણે આ વખતે અમરનાથ યાત્રા દરમિયાન કુલ ૩૬ તીર્થ યાત્રીકોના મોત થયા છે. તો ૧૫ અન્ય તીર્થ યાત્રીઓએ ૮ જુલાઈએ વાદળ ફાટવાને કારણે આવેલા પૂરમાં પોતાનો જીવ ગુમાવવો પડ્યો હતો.HS1MS