Western Times News

Gujarati News

અમદાવાદ ભાજપના ત્રણ મહારથીઓ વચ્ચે ગજબનો સંયોગ

(દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, અમદાવાદ ભારતીય જનતા પાર્ટી માં છેલ્લા ઘણા સમયથી ઘમાસાણ ચાલી રહ્યું છે. મ્યુનિ.ભાજપના પ્રભારી ધર્મેન્દ્ર શાહ નો વિવાદ શાંત થવાનું નામ લેતો નથી. જેમાં હવે નનામા પત્ર નો ઉમેરો થયો છે. આ પત્રમાં ધર્મેન્દ્ર શાહ સાથે મણિનગર ના ધારાસભ્ય અમુલ ભટ્ટ અંગે પણ ઘણું બધું લખવામાં આવ્યું છે.

આ તમામ વિવાદને કોરાણે મૂકી વિચાર કરવામાં આવે તો અમદાવાદ ભાજપના ત્રણ મહારથીઓ વચ્ચે એક ગજબ સંયોગ જોવા મળ્યો છે. આ ત્રણ મહારથી મ્યુનિસિપલ કોર્પોરેશન અને શહેર ભાજપમાં અલગ અલગ સમયે કામ કરી ચૂક્યા છે. અમદાવાદ ભાજપના આ ત્રણ મહારથી એટલે ધર્મેન્દ્ર શાહ, અમુલ ભટ્ટ અને અમિત.પી.શાહ વચ્ચે ગજબનો સંયોગ જોવા મળ્યો છે.

આ અંગે પ્રથમ અમિતભાઇ પી. શાહ અને ધર્મેન્દ્ર શાહ વચ્ચેના સંયોગ પર દ્રષ્ટિપાત કરવામાં આવે તો મ્યુનિસિપલ કોર્પોરેશન 2005 ની ચૂંટણી માં ભાજપને ભવ્ય વિજય મળ્યા બાદ શહેર મેયર તરીકે ધર્મેન્દ્ર શાહ ની વરણી નિશ્ચિત માનવામાં આવતી હતી. પરંતુ ભાજપ મોવડી મંડળે અમિતભાઈ શાહની પસંદગી કરી હતી. ત્યારબાદ ધર્મેન્દ્ર શાહને શહેર પ્રમુખ બનાવવામાં આવ્યા હતા.

જયારે હાલ, અમિતભાઇ શાહ શહેર પ્રમુખપદે છે. ધર્મેન્દ્ર શાહ સામે સૌથી વધુ આક્ષેપ એ.એમ.ટી. એસ. મામલે થઈ રહ્યા છે. જે સમયગાળા દરમ્યાન ધર્મેન્દ્ર શાહની કથિત કોન્ટ્રાકટ પદ્ધતિ ચરમસીમા એ હતી તે સમય દરમ્યાન યોગાનુયોગ અમિતભાઇ શાહ એ.એમ.ટી.એસ. ના ચેરમેનપદે હતા.

અને છેલ્લે મ્યુનિસિપલ ભાજપ પ્રભારી તરીકે ધર્મેન્દ્ર શાહ સ્ટેન્ડિંગ કમિટી એજન્ડા મિટિંગ સહિત ના કામ કરતા હતા. મ્યુનિ. પ્રભારીપદે થી તેમને દૂર કરવામાં આવ્યા બાદ સ્ટેન્ડિંગ કમિટી એજન્ડા મિટિંગની જવાબદારી અમિતભાઇ શાહ સાંભળી રહયા છે.

આ બંને મહાનુભાવો 2000 થી 2005 દરમ્યાન મ્યુનિસિપલ કોર્પોરેશન માં વિપક્ષ નેતાપદે પણ રહી ચૂક્યા છે.  હવે, અમુલ ભટ્ટ અને અમિતભાઇ શાહ વચ્ચે સર્જાયેલ કુદરતી સંયોગ અંગે ચર્ચા કરવામાં આવે તો અમૂલભટ્ટ શહેર સંગઠન માં મહત્વના હોદ્દા પર રહી ચૂક્યા છે જ્યાં હાલ અમિતભાઈ ફરજ નિભાવી રહયા છે.

2015 થી 2020ની ટર્મ દરમ્યાન સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનપદે અમિતભાઇ શાહનું નામ નિશ્ચિત માનવામાં આવતું હતું પરંતુ મોવડી મંડળે અમૂલ ભટ્ટ ની પસંદગી કરી હતી.( 2005-10 નું પુનરાવર્તન, માત્ર એક પાત્ર બદલાયું) જયારે અમિતભાઇ શાહની મ્યુનિ.ભાજપ નેતા તરીકે પસંદગી કરવામાં આવી હતી.

આમ, આ ત્રણ મહારથીઓ વચ્ચે અલગ અલગ સમયે ગજબના સંયોગ સર્જાયા હતા. હાલ, અમુલ ભાઈ અને અમિતભાઇ બંને ધારાસભ્ય છે. પરંતુ ધર્મેન્દ્ર શાહ ની સાથે અમૂલભટ્ટ નું નામ પણ નનામી પત્રિકા માં સામેલ છે જયારે અમિત ભાઇ શહેર પ્રમુખ અને મ્યુનિસિપલ સ્ટેન્ડિંગ એજન્ડા પ્રભારી તરીકે સેવા આપી રહયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.