ટપાલનો અદ્ભુત ઈતિહાસ
એ જમાનામાં ટપાલી બધાને બહુ વહાલો લાગતો, કોઈ આગંતુકની રાહ જાેવાતી હોય તે રીતે બધા ટપાલની રાહ જાેતા. વતનથી દૂર રહેતા આપણા લશ્કરના જવાનોને મન તો ટપાલી મસિહા સમાન હોય છે. અંતરિયાળ વિસ્તારોમાં પણ ફેલાયેલી ટપાલ સેવા ખરેખર દાદને પાત્ર જ કહેવાયને !
મિત્રો પત્રવ્યવહારની પુરાણી વ્યવસ્થા ઉપર જાે નજર કરીએ તો આજે થયેલા આ બધા આવિષ્કારો પૂર્વે આપણાં પોસ્ટ ખાતાએ જે સેવાઓ આપી હતી તે ખરેખર આદર ઉપજે તેવી હતી એ સમયે ચોકકસ સાઈઝના પોસ્ટકાર્ડની બોલબાલા હતી. એ સમયે માત્ર ૯ પૈસા અને ત્યારબાદ ૧૦ પૈસા જેવી નજીવી કિંમતમાં મળતું પોસ્ટકાર્ડમાં સંદેશો લખીને પોસ્ટ કરવામાં આવે એટલે નાના એવા ગામના ખૂણેથી છેક દેશના બીજા ખૂણે માત્ર ત્રણથી પાંચ દિવસમાં તે પહોંચી જતું. પહેલાના સમયમાં આટલી ઝડપી વાહન વ્યવસ્થા પણ ન હતી. તે સમયે પોસ્ટ ખાતાના કર્મચારીઓ ઘોડાની સવારી કરીને ટપાલોના થેલાઓની હેરાફેરી કરતા હતા. ગમે તેવી કપરી પરિસ્થિતિ વેઠીને પણ સંદેશા વ્યવહારની સુંદર સેવા આપનાર પોસ્ટ કર્મચારીઓ ખરેખર વંદનને પાત્ર ગણી શકાય.
એ જમાનામાં ટપાલી બધાને બહુ વહાલો લાગતો. કોઈ આંગતૂકની રાહ જાેવાતી હોય તે રીતે બધા ટપાલની રાહ જાેતા. વતનથી દૂર રહેતા આપણા લશ્કરના જવાનોને મન તો ટપાલી મસિહા સમાન હોય છે. અંતરિયાળ વિસ્તારોમાં પણ ફેલાયેલી ટપાલ સેવા ખરેખર દાદને પાત્ર જ કહેવાયને ! ટપાલનો ઈંતજાર શું કહેવાય એની વેદના ગુજરાતી નવલિકા ‘પોસ્ટમેન’માં બહુ સરસ રીતે જાણી શકાય છે. કોચમેન અલીડોસો વહાલસોઈ એકની એક દીકરીની ટપાલ આવવાની રાહમાં ઝૂરતો હોય છે. દરરોજ પોસ્ટ ઓફિસે જઈને પોતાની ટપાલ આવી કે નહીં તેની પૃચ્છા કરે છે, પણ ટપાલ મળવાને બદલે પોસ્ટ ખાતાના કર્મચારીઓનો ઠપકો અને મશ્કરી સહન કરવી પડતી હોય છે અને એક દિવસ જયારે અલીડોસા પોસ્ટઓફિસે નહીં દેખાતા પોસ્ટના કર્મચારી તેમના ઘરે ટપાલ દેવા જાય છે ત્યારે અલીડોસા મૃત્યુ પામ્યાનું જાણવા મળે છે.
આ કથામાં ટપાલની ઈતેજારીની વ્યથા વ્યકત કરવામાં આવી છે. મિત્રો એ સમયે ટપાલો લખવાની પણ કળા હતી. એક આગવી ઢબ જતી ટપાલના ઉપરના ભાગમાં ૐ કે જય શ્રી કૃષ્ણ, જય માતાજી લખવામાં આવતું. ત્યારબાદ ‘એતાન ગામથી રાજકોટ મધ્યે શ્રી ફલાણાભાઈ તથા ઘરના સૌ કોઈને ગામ મોરબીથી ફલાણાભાઈના જાજા કરીને રામરામ વાંચશો’ એવું મથાળું બધાતું અને પછી જે કંઈ વિગત જણાવવાની હોય તે વિગતવાર લખવામાં આવતું. વળી પત્ર પુરો થવા આવે એટલે તા.ક.લખીને પત્ર લખવામાં કંઈ ભુલચૂક હોય તો સુધારીને વાંચશો એવું લાગણીસભર માનવાચક વાક્ય અવશ્ય લખવામાં આવતું.
એમાંય વળી શુભ અશુભ પ્રસંગે લખાતી ટપાલો માટે પણ ખાસ પદ્ધતિ હતી. શુભ પ્રસંગે લખાતી ટપાલો હંમેશા લાલ શાહી (અક્ષરે) દ્વારા લખાતી અને તેને ‘શુકનિયો’ કહેવામાં આવતી જયારે અશુભ પ્રસંગે લખાતી ટપાલો હંમેશા કાળી શાહી દ્વારા (અક્ષરે) લખાતી અને તેની ઉપર મથાળું ‘અશુભ’ પણ બંધાતું. આવી ટપાલને ‘મેલો’ કહેવામાં આવતી. જે સામાન્ય સંજાેગમાં એક વખત ટપાલ વંચાઈ ગયા બાદ તુરત જ ફાડી નાખવામાં આવતી, તેને ઘરમાં સાચવવામાં ન આવતી.
ડાકિયા ડાક લાયા, ડાક લાયા.. આ ગીત વાગે એટલે ખાખી થેલો અને ખાખી ગણવેશ અને સાઈકલ ઉપર આવતા લોકોના પ્રેમ, સુખ, દુઃખ, હરખનો એક સમયનો ભાગીદાર ટપાલીભાઈ યાદ આવ છે. કોરોના વોરિયર તરીકે આ વખતે આ લોકો એ લોકોના પગાર, પેન્શન અને રૂપિયા ઘરે ઘરે પહોંચાડ્યા છે. ટપાલ સેવાના જનક તરીકે લોર્ડ કલાઈવનું નામ લેવામાં આવે છે. તેણે ૧૭૬૬માં વ્યવસ્થા કરેલી.- બ્રિટિશ શાસનમાં વોરત હેસ્ટિગ્ઝે એને વધુ વિકસાવી હતી ૧૭૭૪માં પોસ્ટ માસ્ટર જનરલ હેઠળ કોલકાતામાં ગ્રાન્ટ પોસ્ટ ઓફિસની સ્થાપના થયેલી.
ઈન્ડિયન પોસ્ટલ ઓર્ડર ૧૯૩૦માં શરૂ થયા. ૯ ઓકટોબર, ૧૮૭૪માં યુનિવર્સલ પોસ્ટલ યુનિયનની સ્થાપના સ્વીસની રાજધાની બર્નમાં થયેલ અને ત્યારબાદ ૧૯૬૯માં જાપાનના ટોકિયો શહેરમાં કોંગ્રેસ દ્વારા આ દિવસ ને વિશ્વ ટપાલ દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો છે. આથી દર વર્ષે ૯ ઓકટોબરને વિશ્વ ટપાલ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. વિશ્વ ટપાલ દિવસનો ઉદ્દેશ લોકોના વેપાર, વાણીજ્ય અને દરરોજના જીવન વ્યવહારમાં અને દેશના સામાજિક અને આર્થિક વિકાસમાં ટપાલ ક્ષેત્રના મહત્વ વિષે જાગૃતતા લાવવાનો છે. દર વર્ષે ૧પ૦ કરતા વધુ દેશો વિવિધ પ્રવૃતિઓ દ્વારા વિશ્વ ટપાલ દિવસની ઉજવણી કરવામાં આવે છે.
વિશ્વ ટપાલ દિવસ અંતર્ગત ભારતભરમાં ૯ ઓકટોબરથી ૧પ ઓકટોબર સુધી રાષ્ટ્રીય ટપાલ સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે અને આ વર્ષે તેના ભાગરૂપે ભારતીય ટપાલ ખાતા દ્વારા નીચે મુજબના અલગ અલગ દિવસનું આયોજન કરવામાં આવે છે. ૯ ઓકટોબર વિશ્વ ટપાલ દિવસ, ૧૦ ઓકટોબર સેવિંગ બેંક દિવસ, ૧૧ ઓકટોબર મેઈલ્સ દિવસ, ૧ર ઓકટોબર ફીલાટેલી દિવસ, ૧૩ ઓકટોબર વેપાર વાણીજ્ય દિવસ, ૧પ ઓકટોબર ટપાલ જીવન વીમા દિવસ.
ગુજરાતમાં માત્ર મહિલાઓથી સંચાલિત હોય એવી બે પોસ્ટ ઓફિસ પણ આવેલી છે. આ વર્ષે ભારતીય પોસ્ટલ વિભાગે એક ઐતિહાસિક પહેલ કરીને ભારતભરમાં મહિલા સંચાલિત પોસ્ટ ઓફિસો શરૂ કરી છે. મહિલા દિને દિલ્હીના શાસ્ત્રીભવનમાં ભારતની પ્રથમ મહિલા પોસ્ટ ઓફિસ શરૂ થઈ તેના પગલે ત્યારબાદ એપ્રિલમાં મુંબઈમાં અને એના પછી સમગ્ર ભારતમાં ૧૧ મહિલા પોસ્ટ ઓફિસની શરૂઆત થઈ છે. કુલ ૧૧માંથી ર મહિલા સંચાલિત પોસ્ટ ઓફિસ તો ગુજરાતમાં જ છે. ગુજરાતમાં ટપાલ વિભાગના ત્રણ ભાગમાં વહેંચવામાં આવ્યો છે.
અમદાવાદ વિભાગના ફાળે એક મહિલા પોસ્ટ ઓફિસ આવે છે, જે ગાંધીનગરમાં આવેલી છે. ગાંધીનગરની આઈઆઈટીમાં આવેલી આ મહિલા સંચાલિત પોસ્ટ ઓફિસમાં ત્રણ મહિલા કાર્યરત છે રાજકોટ પોસ્ટલ વિભાગમાં એક મહિલા સંચાલિત પોસ્ટ ઓફિસ આવેલી છે. રાજકોટના રેસકોર્સ રોડ પર આવેલી આ વિમેન પાવર્ડ પોસ્ટ ઓફિસમાં ૪ મહિલાઓ કાર્યરત છે. ઘરે ટપાલ આપવા આવે તેને પોસ્ટ મેન કહેવાય. પોસ્ટ વિભાગ તેમને પોસ્ટ વુમેન તરીકે સંબોધે છે.
આ સામાન્ય લાગતો ટપાલી લોકોના દર્દ, દુઃખ કે સુખનો માત્ર સાક્ષી સેતુ બની જતો. આનંદ, શોક કે હરખ, ઉલ્લાસ, સપના કે પ્રેમ એક થેલામં ભરી ટપાલી લાગણી અને માગણી વ્યકત કરવાનો આશરો રહેતો ઘરે ઘરે ટપાલીની રાહ જાેવાતી, ન રહેવાય એવા લોકો છેક પોસ્ટ ઓફિસ સુધી આંટો મારતા રહેતા. કરાચીથી મુંબઈના ટપાલ વ્યવહારમાં કચ્છનું મહત્વ હતું. કરાચીથી મુંબઈ જતી ટપાલને છ સ્થળે બદલી કરવી પડતી. કરાંચીથી પહેલા કચ્છનું લખપત, ત્યાંથી કચ્ઋનું પાટનગર ભુજ, ત્યાંથી અમદાવાદ અને પછી મુંબઈ ટપાલ જઈ શકતી મોટાભાગના આ ટપાલમથકો ‘હલકારા’ઓનો ઉપયોગ કરતા. દર છ – સાત માઈલે હલકારા બદલાતા જતા હતા.
પત્રલેખનનો ઉમંગ, પત્ર મળ્યાનો આનંદ નવી પેઢી માટે દુર્લભ છે વિશ્વમાં પ્રથમ પોસ્ટકાર્ડ ૧૮૬૯માં ઓસ્ટ્રિયાએ બહાર પાડયું હતું આ પોસ્ટકાર્ડ ૧ર.ર સેમી લાંબુ અને ૮.પ સેમી પહોળું હતું. પહેલા પોસ્ટકાર્ડનો રંગ પીળો- ખાખી જ હોય છે. માત્ર એક મહિનામાં ઓસ્ટ્રિયા અને હંગેરીમાં એક લાખથી વધુ પોસ્ટકાર્ડ વેચાયા હતા. ઈંગ્લેન્ડ, જર્મની અને અમેરિકામાં ૧૯૭૧માં પોસ્ટકાર્ડનું આગમત થયું. ભારતમાં પ્રથમ પોસ્ટકાર્ડ ૧૮૭૯માં બહાર પડયું જેના ઉપર ઈસ્ટ ઈન્ડિયા કંપનીનું નામ તેમજ રાજચિહ્ન અંકિત હતું. રાણી વિકટોરિયાનો ફોટો જમણી બાજુ હતો. ૧૮૯૯માં પોસ્ટકાર્ડમાંથી ઈસ્ટ ઈન્ડિયા કંપનીનું નામ કાઢીને ઈન્ડિયન પોસ્ટ લખવામાં આવ્યું હતું.
૧૮૭૦માં બ્રિટિશરાજમાં પહેલી પોસ્ટ ઓફિસ અલાહાબાદમાં શરૂ થઈ હતી. સ્વતંત્ર ભારતની પહેલી ટપાલ ટિકિટ ર૧ નવેમ્બર ૧૯૪૭ના રોજ બહાર પડી હતી એના પર ‘જય હિંદ’ લખેલા ભારતનો ધ્વજ હતો. ર ઓકટોબર, ૧૯પ૧ના રોજ ચરખો ચલાવતા ગાંધીજીના ચિત્રવાળા પોસ્ટકાર્ડ બહાર પડયા હતા. ગર્વની વાત છે કે વિશ્વમાં એક માત્ર તરતી (ફલોટિંગ) પોસ્ટ ઓફિસ ભારતમાં શ્રીનગર શહેરમાં આવેલી છે વિશ્વમાં સૌથી ઉંચાઈએ આવેલી પોસ્ટ ઓફિસ હિમાચલ પ્રદેશમાં સિક્કિમ ખાતે આવેલી છે. તે ૪,૭૦૦ મીટરની ઉંચાઈએ આવેલી છે.
આપણે જેને પિનકોડ કહીએ છીએ તે દુનિયાભરમાં ઝીપ (ઝોન ઈમ્પ્રુવમેન્ટ પ્લાન) કોડના નામે જાણીતું છે. ડિસેમ્બર ૧૯૩રમાં મોર્ડન ઝિપકોડ અમલમાં લાવનાર પહેલો દેશ હતો સોવિયત યુક્રેન, ત્યારબાદ જર્મની ૧૯૪૧, સિંગાપોર ૧૯પ૦, આજેર્ન્ટિના ૧૯પ૮, અમેરિકા ૧૯૬૩માં અમલ થયો પરંતુ મોટા શહેરને દસ ભાગમાં વિભાજિત કરનાર પહેલો દેશ ઈંગ્લેન્ડ હતો., ૧૮પ૭માં લંડન શહેરને ટપાલની રીતે ૧૦ ભાગમાં વિભાજિત કરવામાં આવ્યું હતું.
કમ્પ્યૂટર અને ઈન્ટરનેટથી કાળક્રમે પોસ્ટને લગતી કામગીરી ઓછી થઈ ગઈ છે, તેમ છતાંય દુનિયામાં આ સિસ્ટમ ચાલુ રાખવાના પ્રયત્નો પણ થતા રહે છે, ર૦૧૪ની પહેલી સપ્ટેમ્બરથી દર વર્ષે વિશ્વ પત્રલેખન દિવસ ઉજવાય છે. આ દિવસે ‘હસ્તલિખિત પત્ર’નું જ મહત્વ છે. એક માહિતી મુજબ ભારતમાં અંદાજે ૧૦ કરોડ જેટલા પોસ્ટકાર્ડ છાપવામાં આવે છે અને એક જમાનામાં પોસ્ટ વિભાગની કમાણીનું સાધન ગણાતા આ પોસ્ટકાર્ડ આજે નુકસાન કરાવે છે.
એક પોસ્ટકાર્ડ પર ટપાલ વિભાગને ૭ રૂપિયા જેટલું નુકસાન જાય છે. વિસ્તારની રીતે દેશમાં સૌથી વિશાળ કચ્છ જિલ્લામાં ગામે ગામ પત્રો મુકવાનું કામ પહેલેથી જ ખૂબ દુષ્કર રહ્યું છે, પરંતુ વર્ષોથી આ પડકારભર્યું કામ સુપેરે નિભાવી રહેલું ટપાલખાતું હવે જમાના સાથે કદમ મિલાવીને અધ્યતન સેવાઓ આપતું થયું છે.