અદભૂત વડોદરા ! ‘રન ફોર વોટ’માં આબાલવૃદ્ધ સૌએ આપ્યો અચૂક મતદાનનો સંદેશ
વોટેથોન દોડમાં યુવા, વરિષ્ઠ, દિવ્યાંગ મતદારોએ મતદાન માટે બતાવ્યો અનેરો ઉત્સાહ !
(માહિતી) વડોદરા, વડોદરા શહેર-જિલ્લામાં મતદાન માટે વધુ જાગૃતિ ફેલાય અને મતદારોનો ઉત્સાહ અકબંધ રહે તે માટે આજે વહેલી સવારે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી અતુલ ગોર દ્વારા ‘રન ફોર વોટ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં અલગ-અલગ વયના લોકો અને જૂથોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને તા. ૦૫ ડિસેમ્બરે અચૂક મતદાન માટે સંકલ્પબદ્ધ થઈને લોકશાહીને મજબૂત કરવા માટે થનગનાટ બતાવ્યો હતો.
પાંચ ડિસેમ્બરે પ્રથમ વખત મતદાન કરવા જઈ રહેલા યુવા મતદાર પ્રશાંત વાણીએ મતદાન માટેની મેરેથોનમાં ભાગ લેવાનો અનેરો આનંદ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે, આ વોટેથોન દોડથી તેઓ ઘણા પ્રેરિત, ઉત્સાહિત અને મતદાન માટે સંકલ્પબદ્ધ થયા છે, અને હવે પોતાની બંધારણીય-નૈતિક ફરજ અદા કરવા મતદાન તારીખની રાહ જાેઈ રહ્યા છે. તો, મોરારાજી દેસાઈ ઇન્સ્ટીટ્યૂટ ઓફ નેચરોપેથી એન્ડ યોગિક સાયન્સની વિદ્યાર્થીની અને યુવા મતદાર મૈથિલી આનંદે જણાવ્યું કે, હું પાંચ ડિસેમ્બરે પ્રથમ વખત મતાધિકારનો ઉપયોગ કરવાની છે. તેને લઈને તો એક્સાઇટમેન્ટ હતું જ, પરંતુ આ મતદાન માટેની મેરેથોનમાં દોડીને હું પોતાને સૌભાગ્યશાળી ગણું છું. મૈથિલીએ અન્ય મતદારોને પણ પોતાની નાગરિક ફરજ નિભાવવાનો સંદેશ આપ્યો છે.
આ વોટેથોન દોડમાં મૂકબધિર યુવા મતદારોએ પણ ભાગ લીધો હતો, જેઓ પ્રથમ વખત આ વિધાનસભા ચૂંટણીમાં મતદાન કરશે. મૂકબધિર યુવા મતદારોએ જુસ્સાભેર પોતાની સાંકેતિક ભાષામાં જણાવ્યું કે, તેઓ મતદાન તારીખની આતુરતાથી પ્રતિક્ષા કરી રહ્યા છે. મતદાન માટેની મેરેથોનમાં દોડીને આ ગ્રુપે લોકશાહીને મજબૂત કરવાનો અને લોકશાહીની આ મહાન પ્રક્રિયામાં ભાગીદાર બનવાનો આગ્રહ સહ અનુરોધ અન્ય મતદારોને કર્યો હતો.
મતદાન બુથ પર ચૂંટણી પંચે દિવ્યાંગોને આટલી બધી સરસ સુવિધા આપી છે, તો કેમ મતદાન માટે ન જઈએ ? તેવું જણાવતા દિવ્યાંગ મતદાર રાજેન્દ્ર શાહે વોટેથોન દોડ માટે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીને ધન્યવાદ અને અભિનંદન પાઠવ્યા હતા. રાજેન્દ્ર શાહે તેમના પત્ની શ્રીમતી ભારતી શાહ સાથે આ મતદાન જાગૃતિ દોડમાં ભાગ લીધો હતો. તેમણે શહેર-જિલ્લાના મતદારોને લોકશાહીના આ મહાપર્વને મનભરીને માણવાની તેમજ અચૂક મતદાન કરવાની સોનેરી સલાહ આપી હતી. અન્ય એક દિવ્યાંગ મતદાર કલ્પેશ પરમારે બુથ સુધી જવાની સક્ષમતા ન ધરાવનાર વડીલો અને દિવ્યાંગોને ઘરે બેઠા મતદાનની સુવિધાનો ઉપયોગ કરવા અપીલ કરી હતી.
‘હું મત આપવા જઈશ, તમે ભૂલતા નહીં’ તેમ કહીને તેમણે મજબૂત લોકશાહી માટે અને અમૂલ્ય ફરજ પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. તો, શહેરના વરિષ્ઠ મતદાર, રમત વિરાંગના અને વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોનના બ્રાન્ડ એમ્બેસેડર ૮૭ વર્ષીય ડો. ભગવતી ઓઝાએ પણ યુવાઓને શરમાવે તેવી સ્ફૂર્તિથી મતદાન જાગૃતિ માટે ત્રણ કિલોમીટરની દોડ લગાવીને ‘હું મતદાન અચૂક કરીશ’ તેવો પ્રેરણાત્મક સંદેશ આપ્યો હતો.
તેમણે કહ્યું કે, હું આટલી ઉંમરે પણ દર વખતે અચૂક મતદાન કરવા જાવ છું, તો તમારે પણ ભૂલ્યા વગર મતદાન કરીને વડોદરામાં સૌથી વધુ રેકોર્ડબ્રેક મતદાન થાય તે જવાબદારી માથે લેવાની છે. સૌથી નાની વયના મલખમ એવોર્ડ વિજેતા સર્વજીત ખેરેએ પણ આ દોડમાં ઉત્સાહપૂર્વક ભાગ લઈને મતદાન જાગૃતિનો સંદેશ આપ્યો હતો.