અંબાજી મંદિરના શિખર ઉપર 358 સુવર્ણ કળશ લાગેલા હોવાથી ગોલ્ડન ટેમ્પલ તરીકે ઓળખાય છે
અંબાજી મંદિરમાં અન્નકુટ ધરાવવામાં આવ્યો
(પ્રતિનિધિ) અંબાજી, શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી મંદિર દેશનાં ૫૧ શક્તિપીઠ મા આધ્યશક્તિ પીઠ તરીકે ઓળખાય છે.
અંબાજી મંદિરના શિખર ઉપર નાના મોટા ૩૫૮ સુવર્ણ કળશ લાગેલા હોવાથી આ તીર્થને ગોલ્ડન ટેમ્પલ તરીકે પણ ઓળખવામાં આવે છે. અંબાજી ખાતે ભક્તો દ્રારા પણ અન્નકુટ ધરાવવામાં આવે છે. આ અન્નકુટ બપોરે માતાજીના ગર્ભગૃહ મા ધરાવવામાં આવે છે અને ત્યારબાદ અન્નકુટ આરતી ભટ્ટજી મહારાજ દ્વારા કરવામાં આવે છે.
અંબાજી મંદિરમાં માઈ ભક્તો સવારે બપોરે અને સાંજે આમ ત્રણ અલગ અલગ સમયે માતાજીનાં દર્શન કરવા માટે આવે ત્યારે તેમને માતાજીના અલગ અલગ રૂપના દર્શન થાય છે.
અંબાજી મંદિરમા ક્યારેક ક્યારેક અન્નકુટ ભક્તો દ્વારા ધરાવવામાં આવતો હોય છે, ત્યારે શનિવારે અમદાવાદના ભક્ત રાકેશ ભાઈ શાહ દ્વારા પણ ૫૬ અલગઅલગ પ્રકારની મીઠાઈઓ માં અંબા ને ધરાવવામાં આવી હતી.બપોરે ૧૨ વાગે રાજભોગ માતાજીને ધરાવ્યા બાદ અન્નકુટ આરતી કરવામાં આવતી હોય છે જે આરતી ભટ્ટજી મહારાજના હસ્તે કરવામાં આવે છે. આજે બપોરે પણ ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા માટે આવ્યા હતા અને અન્નકુટ સહિત માતાજીનાં દર્શન કર્યા હતા.
વિશ્વના સૌથી મોટા શક્તિપીઠ અંબાજી ખાતે ભક્તો સૌથી વધુ પુનમ, આઠમ અને રવિવારે દર્શન કરવા માટે આવતા હોય છે, પરંતુ હવે તો ભક્તો રોજેરોજ મોટી સંખ્યામાં માતાજીના દર્શન માટે આવી રહ્યા છે.અંબાજી ખાતે અન્નકુટ આરતી અને મંદીરના દર્શન કરીને ધન્યતા અનુભવે છે. (તસ્વીરઃ ઉમેશ ઠાકોર, અંબાજી)