Western Times News

Gujarati News

અંબાજીનું નવું બસ મથક જૂની કોટેજ હોસ્પિટલમાં બનાવવા માંગ

File Photo

અંબાજીનું કાયમી એસટી બસ મથક હંગામી ધોરણે જૂની કોલેજ કંમ્પાઉન્ડમાં લઈ જવાશે -દાંતામાં ગામથી દુર બનેલ બસ સ્ટેન્ડ ખંડેર હાલતમાં તેવી અંબાજીના નવા સ્ટેન્ડની થઈ શકે છે

પાલનપુર, શક્તિપીઠ અંબાજી ધામનું રાજ્ય સરકાર દ્વારા રિ-ડેવલોપિંગ કામગીરી હાથ ધરાયેલી છે જેમાં હયાતી કાયમી બસ સ્ટેશનને હટાવવામાં આવશે. આ બસ સ્ટેશન કાયમ માટે હાલની જગ્યાએથી ખસેડી જૂની કોલેજ કમ્પાઉન્ડમાં લઈ જવાશે જેના માટે જૂની કોલેજમાં હંગામી બસ સ્ટેશન બનાવવાની કામગીરી ચાલી રહી છે. આગામી ર૦ દિવસમાં હાલનું કાયમી બસ સ્ટેશન હંગામી સ્થળે ખસેડી દેવાશે.

તેમ અંબાજી એસટી ડેપો મેનેજર કે.પી.ચૌહાણે જણાવ્યું છે જ્યારે કાયમી નવા બસ સ્ટેશન માટે જણાવ્યું હતું કે, સરકાર જે જગ્યા ફાળવશે ત્યાં કાયમી નવું બસ સ્ટેશન બનશે. તેમ કે.પી.ચૌહાણ (એસ.ટી. ડેપો મેનેજર) અંબાજીએ જણાવ્યું હતું.

જો કે, કાયમી નવું બસ સ્ટેશન અંબાજી ખાતે બની રહેલા રેલ્વે સ્ટેશનની સામે અંબાજીથી આશરે ૩ કિલોમીટર દૂર બનશે. તેવું ચર્ચાઈ રહ્યું છે જેને લઈ લોકોમાં વિરોધ જોવા મળી રહ્યો છે. જો એસટી નવું બસ સ્ટેશન અંબાજીથી ૩ કિલોમીટર દૂર બને તો અમદાવાદ-અંબાજીનું એસટી ભાડું થાય તેટલું ભાડુ અંબાજી ગામથી અંબાજીના નવા બસ સ્ટેશને પહોંચવા રિક્ષા ભાડુ જ થઈ જશે.

ને ૩ કિલોમીટર દૂર જંગલ વિસ્તાર હોવાથી સુરક્ષાની દૃષ્ટિએ યાત્રિકો તેમજ સ્થાનિક લોકોને ભારે મુશ્કેલી પડી શકે છે ને રાત્રી દરમિયાન ૩ કિલોમીટર દૂર બસ સ્ટેશને જવું અઘરું બની શકે છે. તેટલું જ નહીં દાંતામાં નવું બસ સ્ટેશન દાંતા ગામથી દૂર બનાવાતા તે ખંડેર બની ગયું છે.

તેવી પરિસ્થિતિ અંબાજીના નવા બસ સ્ટેશનની થઈ શકે છે તેને લઈ અંબાજીના જૂના કોટેજ હોસ્પિટલ પોલીસ સ્ટેશનની સામે અને નવી ભોજનાલયની પાસે અગાઉ નક્કી થયા પ્રમાણે તે સ્થળ ઉપર નવું બસ સ્ટેશન બને તેવી લોક માંગ ઉઠી છે.

હાલનું કાયમી બસ સ્ટેશન ગામની વચ્ચે છે ને તેને ૩ કિલોમીટર દૂર ખસેડવાના બદલે મંદિર ટ્રસ્ટની બની રહેલી નવી ભોજનાલયની પાસે અને પોલીસ સ્ટેશનની સામેની જૂની કોટેજ હોસ્પિટવાળી જગ્યા ઉપર બનાવવામાં આવે તો અંબાજીના લોકો સહિત યાત્રિકોના નાણાં વ્યર્થની સામે સલામતીનો પ્રશ્ન હલ થઈ શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.