Western Times News

Gujarati News

દરરોજના 6000 કરતા પણ વધારે માઇ ભક્તો ભોજન પ્રસાદનો લાભ લઈ રહ્યા છે અંબિકા અન્ન ક્ષેત્રમાં

અંબાજી અંબિકા અન્ન ક્ષેત્રમાં ‘માં’ના પ્રસાદને મીઠો આવકાર

(પ્રતિનિધિ) અંબાજી, વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે દિન પ્રતિદિન ભક્તોની સંખ્યામાં અભૂતપૂર્વ વધારો જોવા મળી રહ્યો છે, ત્યારે અંબાજી ભોજનાલયમાં કાર્યરત અંબિકા અન્ન ક્ષેત્ર ખાતે માં અંબાજીના પ્રસાદરૂપી નિઃશુલ્ક ભોજન વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે. જેમાં માઈ ભક્તો ભોજન આરોગી ધન્યતાનો અનુભવ કરી રહ્યા છે.

અયોધ્યા ખાતે ભગવાન શ્રીરામનો મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા અંબાજી ખાતે આવેલ અંબિકા ભોજનાલયમાં દિન પ્રતિદિન નિઃશુલ્ક ભોજન વ્યવસ્થાને ભારે આવકાર મળી રહ્યો છે.

દરરોજના અંદાજીત ૬૦૦૦ કરતા પણ વધારે માઇ ભક્તો ભોજન પ્રસાદનો લાભ લઈ રહ્યા છે તારીખ ૦૧/૦૯/૨૦૨૪ થી ૩૦/૦૯/૨૦૨૪ સુધી ૩,૪૯,૪૩૮ શ્રદ્ધાળુએ નિઃ શુલ્ક ભોજન પ્રસાદ આરોગી ધન્યતા અનુભવી છે. જ્યારે છેલ્લા ૯ મહિનામાં કુલ ૧૬.૧૧ લાખ શ્રદ્ધાળુઓએ ભોજન પ્રસાદનો લાભ લીધો હતો તેવું અન્ન ક્ષેત્ર દાતાશ્રીઓની કમિટીના મેમ્બર હિતેશભાઈ ઠક્કરે જણાવ્યું હતું.

અત્રે નોંધનીય છે કે,શ્રી અંબિકા ભોજનાલય ખાતે કાર્યરત અંબિકા અન્નક્ષેત્રના રસોડામાં બનતી રસોઈ નિત્ય ટિફિનમાં ભરી પ્રથમ “માં” અંબાને થાળ સ્વરૂપે ધરાવવામાં આવે છે.

તેમજ માં અંબાને સવારે આરતીમાં ધરાવવામાં આવતો બાળ ભોગનો પ્રસાદ અંબિકા ભોજનાલયમાં બનતી તમામ રસોઈમાં ભેળવી અને માઈ ભક્તોને પીરસવામાં આવે છે. અંબિકા અન્ન ક્ષેત્ર ખાતે ભોજનની ક્વોલિટી ઉપર પૂરતું ધ્યાન આપવામાં આવે છે તથા ભોજન પ્રસાદ માટે આવનાર ભક્તોને ભાવથી ભોજન પીરસવામાં આવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.