વર્ષ 2024-25માં ડૉ. આંબેડકર આવાસ યોજના હેઠળ 55,329 લાભાર્થીઓને મળી 238 કરોડથી વધુની આર્થિક મદદ

14 એપ્રિલ, આંબેડકર જયંતી વિશેષ: શિક્ષણ, સન્માન અને સશક્તિકરણની દિશામાં ગુજરાતના અનુસૂચિત જાતિના યુવાનોની આગેકૂચ
Ø રાજ્યમાં 25 આદર્શ નિવાસી શાળાઓમાં અનુસૂચિત જાતિના 1822 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે, જ્યારે 79 સરકારી છાત્રાલયોમાં 4924 વિદ્યાર્થીઓને નિઃશુલ્ક આવાસ અને ભોજનની સુવિધાઓ
Ø વર્ષ 2024-25માં સમરસ છાત્રાલયોમાં 13,150 વિદ્યાર્થીઓને પ્રવેશ મળ્યો, જેમાંથી 2110 વિદ્યાર્થીઓ અનુસૂચિત જનજાતિના અગ્નિવીર તાલીમ યોજના અન્વયે અનુસૂચિત જાતિના 150 વિદ્યાર્થીઓને 75 દિવસની તાલીમ માટે ₹34,000 વિદ્યાર્થીદીઠ આર્થિક સહાયતા
Ø આ નાણાકીય વર્ષથી સહાયની રકમમાં ₹50,000નો વધારો
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ડૉ. બાબાસાહેબ આંબેડકરે આપણને શીખવાડ્યું છે કે, “જ્યાં સુધી સમાજના સાવ છેવાડે ઉભેલા માનવી સુધી ન્યાય પહોંચતો નથી, ત્યાં સુધી સામાજિક ન્યાય અધૂરો છે.” જ્યારે સામાજિક ન્યાયના સંદર્ભમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ કહે છે કે, “ડૉ. આંબેડકરે જે સામાજિક ન્યાય અને સમાનતાનો પાયો નાખ્યો છે, તે જ આજે ગુજરાત સરકારના સમરસ અને સર્વસમાવેશી વિકાસ મોડલની પ્રેરણા છે.”
સામાજિક સમરસતાના આ જ દૃષ્ટિકોણને સાકાર કરતા ગુજરાત સરકાર રાજ્યમાં સામાજિક ન્યાય અને અનુસૂચિત જનજાતિનું સશક્તિકરણ સુનિશ્ચિત કરીને તેમના સમુદાયના કલ્યાણ અને ઉત્થાન માટે અનેક પ્રયાસો કરી રહી છે.
‘સહુને શિક્ષણ, સહુને તક’ના લક્ષ્ય સાથે અનુસૂચિત જાતિની યુવા પ્રતિભાઓને પ્રોત્સાહન
ગુજરાત સરકાર અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે ખાસ કરીને ગુણવત્તાયુક્ત શિક્ષણ પર વિશેષ ભાર મૂકી રહી છે. રાજ્યમાં સંચાલિત 25 આદર્શ નિવાસી શાળાઓમાં 1822 અનુસૂચિત જાતિ (એસસી) વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે, જ્યારે 79 સરકારી છાત્રાલયોમાં 4924 વિદ્યાર્થીઓને આવાસ અને ભોજનની સુવિધાઓ આપવામાં આવી રહી છે.
આ ઉપરાંત, સમરસ છાત્રાલય યોજના અંતર્ગત વર્ષ 2024-25માં 13,150 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો, જેમાં 2110 વિદ્યાર્થીઓ અનુસૂચિત જાતિના છે. રાજ્ય સરકારના આ તમામ પ્રયાસો વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના એ વિઝનને મૂર્ત સ્વરૂપ આપી રહ્યા છે કે, ‘જ્યારે સમાજના છેવાડાના લોકોને ઉજળી તકો પ્રાપ્ત થાય છે, ત્યારે જ સશક્ત ભારતનું નિર્માણ સંભવ બને છે.’
શિષ્યવૃત્તિ અને સહાય યોજનાઓ થકી અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓનું આર્થિક સશક્તિકરણ
ગુજરાત સરકાર અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને વિવિધ સ્તરોએ વ્યાપક આર્થિક સહાય પ્રદાન કરી રહી છે. જેમકે, પ્રિ-મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના હેઠળ 3,57,095 વિદ્યાર્થીઓને ₹47.86 કરોડની સહાય આપવામાં આવી, જ્યારે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના હેઠળ 1,54,837 વિદ્યાર્થીઓને ₹297.08 કરોડનો લાભ મળ્યો. વધુમાં, ફૂડબિલ યોજના હેઠળ પણ 11,587 વિદ્યાર્થીઓને ₹17.33 કરોડની સહાય આપવામાં આવી, જેનાથી વિદ્યાર્થીઓ શિક્ષણ પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરી શકે અને તેમને કોઈપણ પ્રકારની આર્થિક મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે.
વ્યાવસાયિક શિક્ષણમાં પણ અનુસૂચિત જાતિની યુવા પ્રતિભાઓને મળી રહ્યું છે પ્લેટફોર્મ
ગુજરાત સરકાર સામાજિક ન્યાયની દિશામાં ફક્ત પરંપરાગત શિક્ષણ સુધી જ સીમિત ન રહેતા વ્યાવસાયિક શિક્ષણમાં પણ અનુસૂચિત જાતિના યુવાનોને મુખ્ય પ્રવાહ સાથે જોડવા માટેના પ્રયાસો કરી રહી છે.
તાજેતરમાં, ગુજરાત સરકારે કાયદાના સ્નાતકોને નાણાકીય પ્રોત્સાહનોમાં વધારો આપવાનો નિર્ણય લીધો છે, જેમાં પ્રથમ વર્ષ માટે ₹7,000, બીજા વર્ષ માટે ₹6,000, ત્રીજા વર્ષ માટે ₹5,000 અને વરિષ્ઠ વકીલોને તાલીમાર્થી દીઠ ₹3,000 ની નાણાકીય સહાય આપવામાં આવશે. આ જ રીતે મેડિકલ પ્રોફેશનલ્સ માટે પણ ડૉ. પી.જી. સોલંકી યોજના હેઠળ મેડિકલ સ્નાતકોને મળનારી સહાયતાની રકમ ₹50,000થી વધારીને ₹1,00,000 કરી દીધી છે.
અનુસૂચિત જાતિના લોકોને આવાસ અને આત્મનિર્ભરતા માટે વિશેષ પ્રયાસો
ગુજરાત સરકાર દ્વારા અનુસૂચિત જાતિના લોકો માટે આવાસીય સુવિધા માથા પર ફક્ત એક છત પ્રદાન કરવાની પહેલ નથી, પરંતુ સામાજિક ગરિમા અને આત્મસન્માનની દિશામાં એક મજબૂત પગલું છે. આ જ ક્રમમાં, ડૉ. આંબેડકર આવાસ યોજના હેઠળ અત્યાર સુધીમાં 55,329 લાભાર્થીઓને ₹238 કરોડથી વધુની આર્થિક મદદ પ્રદાન કરવામાં આવી છે. તાજેતરમાં જ ગુજરાત સરકારે આ યોજના હેઠળ મળનારી સહાય રકમમાં ₹50,000નો નોંધપાત્ર વધારો કરીને આ રકમ ₹1,20,000 થી વધારીને ₹1,70,000 કરી દીધી છે.
આ જ રીતે અનુસૂચિત જાતિના યુવાનોને આત્મનિર્ભર બનાવવાના ઉદ્દેશ સાથે હવે વાહન, સ્વરોજગાર તથા ઉચ્ચ શિક્ષણ માટે લેવામાં આવેલી બેંક લોન પર 6% સુધીની વ્યાજ સબસીડી પ્રદાન કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. વધુમાં, યુવાનોને સેનામાં ભરતી થવા માટે સક્ષમ બનાવવાના ઉદ્દેશથી ‘અગ્નિવીર તાલીમ યોજના’ અંતર્ગત 150 અનુસૂચિત જાતિના યુવાનોને તાલીમ સહાય આપવાનો પણ મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે.