એમ્બો એગ્રીટેકનો IPO BSE-MSE પ્લેટફોર્મ પર 21 નવેમ્બરે સબસ્ક્રીપ્શન માટે ખૂલશે
કંપની શેરદીઠ રૂ. 30ની કિંમતે રૂ. 10ની ફેસ વેલ્યુવાળા 34 લાખ ઈક્વિટી શેર ઈશ્યૂ કરશે, બીએસઈ એસએમઈ એક્સચેન્જ પર લિસ્ટિંગની યોજના
મુંબઈ, ફૂડ પ્રોસેસિંગ અને એફએમસીજી સેક્ટરમાં સૌથી ઝડપથી વિકસતી કંપનીઓમાં સ્થાન ધરાવતી એમ્બો એગ્રીટેક લિમિટેડનો પબ્લિક ઈશ્યૂ 21 નવેમ્બરે સબસ્ક્રીપ્શન માટે ખૂલી રહ્યો છે. કંપનીને બીએસઈ એસએમઈ એક્સચેન્જ પ્લેટફોર્મ પર તેના પબ્લિક ઈશ્યૂ લોન્ચ કરવાની મંજૂરી મળી ગઈ છે.
કંપની તેની કાર્યશીલ મૂડી જરૂરિયાતોને પહોંચી વળવા તથા કંપનીની વ્યાપારિક પ્રવૃત્તિઓ માટે સામાન્ય કોર્પોરેટ હેતુ અર્થે તેની વિસ્તરણ યોજનાઓ માટે આઈપીઓ થકી રૂ. 10.20 કરોડ એકત્રિત કરવાની યોજના બનાવી રહી છે. ફિનશોર મેનેજમેન્ટ સર્વિસીઝ લિમિટેડ આ ઈશ્યૂના લીડ મેનેજર છે. પબ્લિક ઈશ્યૂ 24 નવેમ્બરે બંધ થશે.
આ આઈપીઓમાં શેરદીઠ રૂ. 30ના ભાવે રૂ. 10ની ફેસ વેલ્યુ ધરાવતા 34 લાખ નવા ઈક્વિટી શેર્સ ઈશ્યૂ થશે જેનું મૂલ્ય રૂ. 10.20 કરોડ જેટલું છે. અરજી માટે લઘુતમ લોટ સાઈઝ 4,000 શેર્સ છે જે અરજી દીઠ રૂ. 1.20 લાખ જેટલું છે. આઈપીઓ માટે રિટેલ એલોકેશન 16.16 લાખ ઈક્વિટી શેર્સ છે. ઈશ્યૂ પછી કંપનીમાં પ્રમોટર ગ્રુપ હોલ્ડિંગ ઈશ્યૂ પહેલાના 99.99 ટકાથી ઘટીને 63.80 ટકા થઈ જશે.
પબ્લિક ઈશ્યૂ દ્વારા એકત્રિત થનારી રકમનો કંપનીની વિસ્તરણ યોજનાઓ માટે ઉપયોગ થશે. રૂ. 8.96 કરોડ કંપનીની કાર્યશીલ મૂડી જરૂરિયાતો માટે વપરાશે જ્યારે રૂ. 75 લાખનો સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે ઉપયોગ થશે.
આ અંગે એમ્બો એગ્રીટેક લિમિટેડના પ્રમોટર અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી ઉમેશકુમાર અગ્રવાલે જણાવ્યું હતું કે 1994માં સ્થપાયેલી કંપનીએ તેના પ્રારંભ સમયથી અભૂતપૂર્વ પ્રગતિ સાધી છે અને બજારમાં ખૂબ સ્વીકૃતિ મેળવી છે. આગળ જતાં એમ્બો ભારતીય તથા વિદેશી બજારોમાં તેનો વ્યવસાય આગળ ધપાવવા માટે નવા વિસ્તરણ તથા વૈવિધ્યીકરણ પર ધ્યાન આપશે.
વ્યાપારના વિસ્તરણ ઉપરાંત અમે ભાવની બાબતે સ્પર્ધાત્મક રહેવા સતત ઉચ્ચ કાર્યદક્ષતા હાંસલ કરી છે અને સ્પર્ધાત્મક લાભ મેળવ્યો છે. અમને આશા છે કે સૂચિત પબ્લિક ઈશ્યૂ પછી અમે અમારી વૃદ્ધિ યોજનાઓને એ પ્રકારે અમલમાં મૂકીશું જેથી તમામ હિસ્સેદારો માટે મહત્તમ મૂલ્ય સર્જન થાય તથા અમે સતત ગુણવત્તાસભર પ્રોડક્ટ્સ આપતા રહીએ.