AMCના બે સીટી ઈજનેર સહિત તમામ એડિશનલ ઇજનેર કોરોના નેગેટિવ

(દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ શહેરમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે. મ્યુનિસિપલ કોર્પોરેશન ઘ્વારા શરૂ કરવામાં આવેલ રેપીડ એન્ટીજન ટેસ્ટના સારા પરિણામ જોવા મળી રહ્યા છે. શહેરના દરેક વિસ્તારમાં મોટાપાયે એન્ટીજન ટેસ્ટની કામગીરી ની સાથે સાથે મનપાના કર્મચારીઓના પણ ટેસ્ટ થઈ રહ્યા છે.
ગત સપ્તાહ દરમ્યાન AMTS અને BRTD ના કર્મચારીઓ ના ટેસ્ટ કરવામાં આવ્યા હતા.છેલ્લા બે દિવસથી સ્કૂલબોર્ડ કર્મચારીઓના પણ ટેસ્ટ થઈ રહ્યા છે.જયારે આજે ૨૯ જુલાઈએ ઈજનેર અધિકારીઓ ના પણ રેપીડ ટેસ્ટ કરવામાં આવ્યા છે.
અમદાવાદ શહેરમાં કોરોનાના આગમન સમયથી ઈજનેર અધિકારીઓ સતત ફ્રન્ટ લાઇન વોરિયર્સ તરીકે ફરજ બજાવી રહયા છે. કોરોના કહેર દરમ્યાન નાગરિકોની વચ્ચે રહીને ફરજ બજાવતા કેટલાક કર્મચારીઓ સંક્રમણનો ભોગ બન્યા હતા. તે સમયે નાગરિકોની સેવા મહત્વની હોવાથી એડિશનલ ઈજનેર અધિકારીઓના ટેસ્ટ કરવામાં આવ્યા નહતા. ચાલુ મહિનામાં કેસ ઘટી રહયા હોવાથી આજે (૨૯ જુલાઈ) સવારે બે સીટી ઈજનેર નરેન્દ્રભાઈ મોદી અને હિતેશભાઈ કોન્ટ્રાક્ટર તેમજ તમામ એડિશનલ ઇજનેરના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં તમામના રિપોર્ટ નેગેટિવ આવ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.