Western Times News

Gujarati News

AMCની લાલીયાવાડીઃ સરકારે વિકાસના કામો માટે આપેલી ગ્રાન્ટ વણવપરાયેલ રહી

મ્યુનિ. કોર્પોરેશને ગ્રાન્ટની રૂા. ૯૨૬.૨૩ કરોડની ગ્રાન્ટમાંથી રૂા. ૪૪૧.૦૨ કરોડના ખર્ચ કર્યા છે. જ્યારે રૂા.૪૫૮.૨૧ કરોડની માતબર રકમ હજી સુધી ખર્ચ થઈ નથી

મ્યુનિ. કોર્પોરેશનને ૨૦૧૭-૧૮ માં શ્રેષ્ઠ પરફોમન્સ માટે રૂા. ૩૪.૬૭ કરોડની ગ્રાન્ટ મળી હતી જે પૈકી રૂા.૧૮.૭૦ કરોડ ખર્ચ થયા નથી.

અમદાવાદ, અમદાવાદ શહેરના વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા વિવિધ બજેટ હેડ હેથળ દર વર્ષે અબજાે રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવે છે. મ્યુનિ. શાસકો અને વહીવટતંત્રમાં દીર્ઘદૃષ્ટિનો અભાવ હોવાથી સરકારી ગ્રાન્ટની રકમ પણ વગર વપરાયેલી પડી રહી છે ઃ

મુખ્યમંત્રી સ્વર્ણિમ યોજના અંતર્ગત આપવામાં આવેલી ગ્રાન્ટની રકમનો ઉપયોગ નવા રોડ બનાવવાના બદલે રોડ પર થીગડા મારવા માટે કરવામાં આવ્યો હતો જ્યારે ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ તરફથી છેલ્લા ૬ વર્ષમાં આપવામાં આવેલી ગ્રાન્ટમાંથી માત્ર ૪૮ ટકા જ રકમ ખર્ચ થઈ છે. ચોકાવનારી બાબત એ છે કે તંત્ર દ્વારા ખર્ચ થયેલ રકમ સામે ૧૦૦ ટકા બીલો હજી સુધી જમા કરાવવામાં આવ્યા નથી.

રાજ્ય સરકાર તરફથી ૧૪માં નાણાપંચ યોજના અંતર્ગત દર વર્ષે મ્યુનિ. કોર્પોરેશનને ખાસ ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. જેનો ઉપયોગ વિકાસના કામો માટે કરવામાં આવે છે. સરકાર તરફથી વિકાસ ફાળવવામાં આવતી રકમનો પૂરતો અને યોગ્ય ઉપયોગ વહીવટીતંત્ર દ્વારા થતો નથી.

મ્યુનિ.સૂત્રોએ જણાવ્યા મુજબ ૨૦૧૫-૧૬ થી ૨૦૨૦-૨૧ (૧૫ મું નાણાપંચ) સુધી મ્યુનિ. ફાઇનાન્સ બોર્ડ દ્વારા રૂા.૯૨૬.૨૩ કરોડની ગ્રાન્ટ મનપાને આપવામાં આવી છે. જેની સામે મનપા દ્વારા રૂા. ૪૪૧.૦૨ કરોડનો ખર્ચ થયો હોવાના દાવા કરવામાં આવે છે.

પરંતુ વિવિધ વિભાગો તરફથી રૂા. ૪૪૧.૦૨ કરોડના ખર્ચ સામે રૂા. ૨૩૧.૮૨ કરોડના બીલ રજુ કરવામાં આવ્યા છે. તેથી રૂા. ૨૧૦ કરોડના કામો મામલે અધ્યાહાર રહે છે. ૨૦૧૫-૧૬ માં રૂા.૭૯.૮૫ કરોડની ગ્રાન્ટ મળી હતી. જે પૈકી રૂા. ૭૬.૫૫ કરોડની રકમ ખર્ચ થઈ હોવાના દાવા થયા છે. પરંતુ તેની સામે રૂા.૫૯.૮૪ કરોડના બીલ રજુ થયા છે.

જ્યારે રૂા.૩.૩૦ કરોડની રકમ હજી સુધી ખર્ચ થઈ નથી. ૨૦૧૬-૧૭ માં રૂા.૧૦૨.૨૨ કરોડની ગ્રાન્ટ પૈકી રૂા. ૩૩.૯૦ કરોડ ખર્ચ થયા નથી. જ્યારે રૂા.૬૮ કરોડના ખર્ચ સામે માત્ર રૂા. ૪૦ કરોડના બીલો જ રજુ થયા છે. તેવી જ રીતે ૨૦૧૭-૧૮ માં રૂા. ૧૧૮.૩૬ કરોડની ગ્રાન્ટ મળી હતી જેની સામે રૂા. ૨૨.૦૮ કરોડ ખર્ચ થયા જ નથી.

મ્યુનિ. કોર્પોરેશનને ૨૦૧૭-૧૮ માં શ્રેષ્ઠ પરફોમન્સ માટે રૂા. ૩૪.૬૭ કરોડની ગ્રાન્ટ મળી હતી જે પૈકી રૂા.૧૮.૭૦ કરોડ ખર્ચ થયા નથી. ૨૦૧૮-૧૯માં રૂા.૧૩૫ કરોડની લોન સામે રૂા.૯૭.૮૫ કરોડના કામ મંજુર કરવામાં આવ્યા હતા. પરંતુ જે તે વિભાગ દ્વારા રૂા. ૬૩.૮૪ કરોડના બીલ જ રજુ કરવામાં આવ્યા હતા. ૨૦૧૯-૨૦ માં રૂા.૧૮૨.૪૧ કરોડની ગ્રાન્ટ મળી હતી.

જેની સામે રૂા.૯૬.૩૬ કરોડની માતબર રકમ ખર્ચ થઈ નથી. એકંદરે, ૨૦૧૫-૧૬ થી ૨૦૨૦-૨૧ સુધી ગુજરાત મ્યુનિ.ફાઈનાન્સ બોર્ડ દ્વારા રૂા.૯૨૬.૨૩ કરોડની ગ્રાન્ટ અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનને આપવામાં આવી છે. જેની સામે રૂા.૬૮૯ કરોડના ૪૭૭ કામ મંજુર કરવામાં આવ્યા હતા. પરંતુ યોગ્ય આયોજનના અભાવે માત્ર ૩૫૬ કામ પૂર્ણ થયા છે. જ્યારે ૨૫ કામ હજી શરૂ થયા જ નથી.

મ્યુનિ. કોર્પોરેશને ગ્રાન્ટની રૂા. ૯૨૬.૨૩ કરોડની ગ્રાન્ટમાંથી રૂા. ૪૪૧.૦૨ કરોડના ખર્ચ કર્યા છે. પરંતુ તેની સામે રૂા. ૨૩૧.૮૨ કરોડના બીલ જ જમા થયા છે. જ્યારે રૂા. ૨૧૦ કરોડના બીલ જમા કરવાના બાકી છે. જ્યારે રૂા.૪૫૮.૨૧ કરોડની માતબર રકમ હજી સુધી ખર્ચ થઈ નથી મ્યુનિ.વહીવટીતંત્ર અને શાસકો દ્વારા યોગ્ય આયોજન કરવામાં આવતા ન હોવાથી ગ્રાન્ટની રકમ ખર્ચ થતી નથી. તેમજ યોગ્ય કામ પાછળ પણ ખર્ચ કરવામાં આવતા નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.