AMCમાં કોન્ટ્રાક્ટ અપાવવાના બહાને શિક્ષક સાથે 1 કરોડથી વધુની છેતરપિંડી
અમદાવાદમાં શિક્ષક સાથે થઈ કરોડોની છેતરપિંડી
(એજન્સી)અમદાવાદ, અમદાવાદ મહાનગર પાલિકામાં કોન્ટ્રાક્ટ અપાવવાના બહાને એક કરોડથી વધુ રૂપિયાની છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ નોંધાયુ છે. કોન્ટ્રાક્ટ મળી ગયા હોવાનો ખોટો લેટર બતાવી આરોપીઓએ છેતરપિંડી કરી છે. ફરિયાદના આધારે આર્થિક ગુના નિવારણ શાખા દ્વારા એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
જોકે સમગ્ર કૌભાંડનો મુખ્ય આરોપી વિદેશ નાસી જતા પોલીસે તેને પકડવા કાર્યવાહી હાથ ધરી છે. આમ તો સામાન્ય રીતે અલગ અલગ બહાના બતાવી ગઠિયાઓ દ્વારા છેતરપિંડી કરવામાં આવતી હોય છે પરંતુ અમદાવાદ ઈઓડબલ્યુ વિભાગમાં એક છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે, જેમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફોલ્ડર પંપ તથા તેની એમ.સી.સી પેનલ અને તેના હેડનું રીપેરીંગ અને મેન્ટેનન્સના કોન્ટ્રાક્ટ આપવાના બહાને છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ નોંધાઈ છે.
પોલીસે ફરિયાદના આધારે આરોપી ગૌતમ પટેલની ધરપકડ કરી છે. જોકે આ કૌભાંડનો માસ્ટર માઈન્ડ સુમિતકુમાર રાવલ હાલ વિદેશ નાસી ગયો છે જેને પકડવા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે, તો આ કામનો વધુ એક આરોપી વેરલ ઉર્ફે વિરલ દોશીની પણ પોલીસે શોધખોળ હાથ ધરી છે. સમગ્ર કૌભાંડની વાત કરીએ તો ફરિયાદી મિતેશકુમાર પટેલ કે જે સાબરકાંઠામાં રહે છે અને શિક્ષકની નોકરી કરે છે
તેમને વર્ષ ૨૦૨૧ માં આરોપી સુમિતકુમાર રાવલ સાથે પરિચય થયો હતો અને બંને એકબીજાના સંપર્કમાં આવ્યા હતા. જે બાદ આરોપી સુમિતકુમારે અમદાવાદ મહાનગરપાલિકામાં તેની સારી ઓળખાણ હોવાનું કહી એમએમસી નો ફોલ્ડર પંપ તથા તેની એમ.સી.સી પેનલ તથા હેડનું રીપેરીંગ તથા મેન્ટેનન્સનો કોન્ટ્રાક્ટ અપાવવા બાબતે વાતચીત કરી લાલચ આપી હતી. જેના વિશ્વાસમાં આવીને ફરિયાદી મિતેશકુમારે સુમિતકુમારને કોન્ટ્રાક્ટ પેટે અલગ અલગ રીતે એક કરોડથી વધુની રકમ આપી હતી.
જે બાદ આરોપી સુમિતકુમારે મિતેશકુમારને કોન્ટ્રાક્ટ મળી ગયા હોવાનો ખોટો લેટર આપ્યો હતો અને મીતેશકુમારને વેરલ ઉર્ફે વિરલ દોશીના નામનો ૧૬ કરોડનો ચેક પણ આપ્યો હતો.
જે ચેક ફરિયાદી મિતેશકુમારે બેન્ક એકાઉન્ટમાં ભરતા તે રિટર્ન થયો હતો. સમગ્ર મામલે સુમિતકુમારે ચેક ક્લિયર ન થાય તો આંગડિયા મારફત પૈસા આપવાની વ્યવસ્થા કરી આપવાનું કહ્યું હતું અને બાદમાં ફરીથી વેરલ ઉર્ફે વિરલનાં નામનો ૬૪ કરોડનો ચેક ફરિયાદી મિતેશકુમારને આપ્યો હતો.