AMCમાં ‘ગુલ્લી’ મારી ગેરહાજર રહેનારા કર્મચારીઓ પર કમિશનરની લાલ આંખ
પૂર્વ કમિશનર ગુરુપ્રસાદ મહાપાત્રાનાં દસ વર્ષ જૂના સક્ર્યુલર પર જામેલી ધૂળ હાલના કમિશનર લોચન સહેરાએ ખંખેરાવી
અમદાવાદ, વર્ષે દહાડે રૂા.૯૦૦૦ કરોડનું જમ્બો પેકેટ ધરાવતા મ્યુનિ. કોર્પોરેશનમાં સત્તાવાળાઓ પ્રાથમિક સુખાકારીનાં કામોને પ્રાધાન્ય આપવા પર ભલે જાેર આપે, વિકાસલક્ષી પ્રોજેક્ટોને પણ ભલે મહત્વ આપે, પણ તંત્રનો સ્ટાફ જાે શિસ્તમાં નહીં હોય,
દરેક અરજી પર આમાં મારા કેટલા ટકાક જેવું ભ્રષ્ટ વલણ નહીં છોડે અને અનેક વાર શોધવા છતાં પણ તેમના ટેબલ પર સાહેબ ગેરહાજર છે તેવા જાેવા મળે તો કોર્પોરેટરો કે અન્ય મોટા માથાઓની ભલામણ ચિઠ્ઠી કે ફોન લઇને મ્યુનિ. ઓફિસની સીડીઓ ચઢનારા મુલાકાતીઓના નસીબમાં લમણે ધરમના ધક્કા જ લખાયેલા રહે છે.
મ્યુનિ. તંત્રમાં ભ્રષ્ટાચારનો સડો પેઠો છે, કર્મચારીઓ આળસુ બન્યા છે વગેરે ફરિયાદો તો જાણે કે હવે સામાન્ય બની છે, પરંતુ અમુક તો એવા માથાભારે બન્યા છે કે તેમની ફરજ ઉપર વર્ષના કેટલા દિવસ હાજર રહે છે તેનું અલગથી સત્તાધીશોને સંશોધન કરવુ પડે તેમ છે.
મ્યુનિ. તંત્રમાં હાજરીનું પ્રમાણ સુધરે તો નાગરિકોને મળતી સેવાની ગુણવત્તા સુધરે તે દેખીતુ હોઇ મ્યુનિ. કમિશનર લોચન સહેરા રજાના મામલે અશિસ્તમાં રાચતા કર્મચારીઓ સામે લાલઘુમ થયા છે. કમિશનરની લાલ આંખથી આવા કર્મચારીઓમાં ભારે ફફડાટ ફેલાયો છે.
અગાઉ કર્મચારીઓની બિનઅધિકૃત ગેરહાજરી સંબંધમાં તંત્ર દ્વારા સમયસર કોઇ પગલા લેવામાં આવતા નહોતાં કે કર્મચારીને હાજર થવા માટે કોઇ નોટિસ કે પત્રો પણ પાઠવવામાં આવતા નહોતા અને લાંબા સમય સુધી કર્મચારી બિનઅધિકૃત ગેરહાજર રહી ફરજ પર હાજર થવા આવે ત્યારે તંત્ર જાગૃૃત થતું હતું. કર્મચારી વિરૂદ્ધ કોઇ પગલા લેવામાં આવતા ન હોઇ આડકતરી રીતે કર્મચારીને ગેરહાજર રહેવા ઉત્તેજન મળતુ હતું.
જેના કારણે પૂર્વ કમિશનર ગુરુપ્રસાદ મહાપાત્રાએ છેક ૧૦ માર્ચ પહેલા ગત તા.૨૭ જુલાઇ-૨૦૧૨ના રોજ ખાસ પરિપત્ર બહાર પાડીને મ્યુનિ. ફરજને લાપરવાહીથી લેનારા કર્મચારીઓ સામે શિસ્તનો કોરડો વીંઝ્યો હતો.
જાેકે મ્યુનિ. કમિશનર લોચન સહેરાના ધ્યાનમાં પણ આવ્યુ છે કે આ સક્ર્યુલરની અસરકારતા રહી નથી. જેના કારણે વિભિન્ન વિભાગોના કર્મચારીઓમાં બિનઅધિકૃત ગેરહાજરીનું પ્રમાણ વધ્યુ છે એટલે તેમણે દસ વર્ષ પહેલાના ઇન્ડસ્ટ્રિયલ રિલેશનના સક્ર્યુલર પર જામેલી ધળુને ખંખેરી છે.
કમિશનર લોચન સહેરાએ આ સક્ર્યુલરમાં દર્શાવેલી વિભિન્ન સૂચનાઓ મુજબ કાર્યવાહી કરવાની તમામ ખાતાના અધિકારીઓને આકરી તાકીદ કરી છે. અગાઉ ડો. ચિરાગ શાહના કેસમાં ઉચ્ચ અધિકારીએ પણ ખોટા ડોક્યુમેન્ટ રજૂ કરીીને ગેરલાભ લીધો હોવાનું પુરવાર થઇ ચૂક્યુ છે. તેઓ મહિલા ડોક્ટર સાથેની છેડતીના મામલે પણ ભારે વિવાદોમાં આવ્યા હોઇ હવે કમિશનર લોચન સહેરા આકરાં પાણીએ આવ્યા હોવાનું ચર્ચાઇ રહ્યુ છે.