AMC દ્વારા એક મહિના સુધી માણેકચોકનું ખાણીપીણી બજાર બંધ રાખવાનો નિર્ણય

File
માણેકચોકમાં ડ્રેનેજ લાઈનનું કામ શરૂ થતાં ખાણી-પીણીનું બજાર બંધ થશે
ધંધો બંધ રહેતા ખાણી-પીણીના વેપારીઓને લાખો રૂપિયાનું નુકસાન થશે
ખાણી પીણી માટેનું ફેમસ માર્કેટ માણેકચોક એક મહિના સુધી બંધ રહેવાની જાહેરાત થતાંની સાથે જ ખાવા-પીવાના શોખીનોને ધ્રાસકો પડયો છે. એક મહિના સુધી માણેકચોક બંધ રહેતા ખાણીપીણીના ધંધા ઠપ થઈ જવાના છે જેના કારણે વેપારીઓને લાખો રૂપિયાનું નુકસાન થશે. ધંધા બંધ થવાની જાહેરાત થતાંની સાથે જ
ખાણી પીણીની લારીમાં કામ કરતા ૩પ૦ કરતા વધુ કર્મચારીઓ એક મહિનાની રજા ઉપર ઉતરી જવાના
છે અને તેમના વતન જવા માટેની વાટ પડકશે.
બજાર બંધ છે તેનો અફસોસ વેપારીઓને નથી પરંતુ કર્મચારીઓ રજા દરમિયાન કોઈ બીજી જગ્યાએ નોકરીમાં લાગી જાય તેનો ડર વેપારીઓને સતાવી રહ્યો છે. આગામી એકાદ અઠવાડિયા સુધી માણેકચોકનું બજાર ચાલુ રહેશે. માણેકચોકમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડ્રેનેજ લાઈન રિહેબિલિટેશનની કામગીરી કરવાની જાહેરાત કરવામાં આવી હતી. જાહેરાત થતાંની સાથે જ એક મહિના સુધી માણેકચોકનું ખાણીપીણી બજાર બંધ રાખવાનો નિર્ણય પણ લેવાઈ ગયો હતો.
ડ્રેનેજ લાઈનની કામગીરીના કારણે ખાણીપીણીના વેપારીઓએ પણ એએમસીના કામને સમર્થન આપ્યું હતું અને ધંધા-રોજગાર બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. એક મહિના સુધી માણેકચોકમાં કામ ચાલુ રહેશે અને હોળીના તહેવાર બાદ માણેકચોકમાં ડ્રેનેજ લાઈન શરૂ થાય તેવી શક્યતા છે. આમ તો માણેકચોક એ અમદાવાદની ઓળખ છે. રાતના સમયે જ્યારે પણ ભૂખ લાગે ત્યારે અમદાવાદીઓને પહેલો વિચાર માણેકચોક જવાનો આવે.
માણેકચોકના બાલનના ઢોસા, બટર ભાજીપાઉં, ઘૂઘરા સેન્ડવીચ, ગાંઠિયા સહિતની વાનગીઓ માત્ર અમદાવાદમાં જ નહીં પરંતુ ગુજરાતમાં પણ વખણાય છે. કોઈપણ ટુરિસ્ટ જ્યારે અમદાવાદ આવે ત્યારે તે એકને એક વખત તો માણેકચોકમાં ખાણી-પીણીની મજા માણતો હોય છે. નાના બાળકોથી લઈને વૃદ્ધો સુધીના લોકો માણેકચોકમાં વિવિધ વાનગીઓની મજા માણવા માટે આવતા હોય છે. માણેકચોકને અમદાવાદનું હાર્ટ પણ કહેવામાં આવે છે કારણ કે, મોડી રાતે પણ અહીંયા અમદાવાદીઓ મન મૂકીને જમવા માટે આવતા હોય છે. જ્યારે પણ માણેકચોક બંધ થવાની જાહેરાત થાય ત્યારે સૌથી મોટો ધ્રાસકો અમદાવાદીઓને પડતો હોય છે.
ખાણી-પીણી માટે પ્રખ્યાત થયેલ માણેકચોક માર્કેટ એક મહિના સુધી બંધ રહેવાનું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મધ્યન ઝોનમાં પપ કરોડના ખર્ચે ડ્રેનેજની લાઈન નાંખવાની કામગીરી થવાની છે. હાલ તેના સર્વેની કામગીરી ચાલી રહી છે જે પૂરી થયા બાદ રિહેબિલિટેશન માટેની કામગીરીના પગલે માણેકચોક એક મહિનો બંધ રાખવામાં આવશે તેવું એએમસીના સત્તાધીશોએ જણાવ્યું હતું. એવી પણ શક્યતા છે કે હોળીના તહેવાર બાદ ડ્રેનેજની કામગીરી હાથ ધરાશે.
તેથી હોળી બાદ માણેકચોક બંધ રાખવામાં આવી શકે છે. જો માણેકચોક બંધ રહે તો અહીંના ખાણી-પીણીના વેપારીઓને મોટો ફટકો પડી શકે છે. તેમના ધંધારોજગાર પર અસર થઈ શકે છે સાથે જ ખાણી-પીણીના શોખીનોને એક મહિના સુધી દૂર રહેવું પડી શકે છે. જો કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કયારે આ કામગીરી શરૂ કરે છે અને કેટલાક સમયમાં પૂર્ણ કરે છે તે જોવાનું રહ્યું. માણેકચોકમાં ધંધો કરતા વેપારીઓએ શહેરની વિવિધ જગ્યા ઉપર પણ પોતાની ફ્રેન્ચાઈઝી આપી દીધી છે. વસ્ત્રાપુર, સિંધુ ભવન, નારોલ, બોપલ સહિતની જગ્યાઓમાં માણેકચોકના ભાજીપાઉં, ઢોસા, સેન્ડવીચનો ટેસ્ટ મળી જાય છે. માણેકચોક બંધ થવાની જાહેરાત થતાંની સાથે જ અમદાવાદીઓએ બીજો પ્લાન પણ કરી લીધો છે.
એક મહિનાની અંદર જો માણેકચોકની વાનગી ખાવાની ઈચ્છા થઈ તો તે વેપારીઓએ આપેલી ફ્રેન્ચાઈઝી તરફ દોડ મૂકશે. અમદાવાદીઓનું કહેવું છે કે ફ્રેન્ચાઈઝીમાં માણેકચોક જેવી મજા ના આવે પરંતુ ટેસ્ટ તેના જેવો જ મળી જશે. અમદાવાદની વિવિધ જગ્યાઓમાં ફ્રેન્ચાઈઝી ખૂલી જતાં હવે અમદાવાદીઓને જલસો પડી જવાનો છે.