Western Times News

Gujarati News

અમદાવાદ મ્યુનિ. શાસકોએ ખોટના ધંધા પર બ્રેક મારીઃ ‘‘સાહેબ’’ લાલઘૂમ

કોન્ટ્રાકટરને દર વર્ષે રૂ. રપ૦ કરોડ જેવી માતબર રકમ આપવાની શરત રાખવામાં આવી -કોન્ટ્રાકટરને દૈનિક રૂ.૬૦ લાખ ૮૦ હજાર શા માટે આપવા તે પ્રશ્નનો જવાબ કમિશનરે આપવો જરૂરી છે.

કમિશનરે હાઈકોર્ટની દુહાઈ આપી છતાં પણ સ્ટેન્ડિગ ચેરમેન અડગ રહ્યા

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા પીરાણા ખાતે ર૪૦ એમએલડી એસટીપી અને ૧૬૦ એમએલડી ટ્રર્સરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવા માટે (સાહેબ)ની માનીતી કંપનીને કામ આપવા માટે રજુ કરવામાં આવેલી દરખાસ્ત મામલે સ્ટેન્ડિગ કમિટી દ્વારા કોઈ જ નિર્ણય લેવામાં આવ્યો નથી તેમજ સદર દરખાસ્ત મંજુર કરવામાં આવે તો કોર્પોરેશનની તિજોરી પર મોટુ ભારણ વધશે તેવો અભિપ્રાય પણ વ્યકત કરવામાં આવ્યો હતો.

મ્યુનિ. સ્ટેન્ડિગ કમિટી ચેરમેન દેવાંગ દાણીના જણાવ્યા મુજબ ૧૬૦ એમએલડી ટર્સરી ટ્રીટમેન્ટ પ્લાન્ટની જે શરતો તૈયાર કરવામાં આવી છે તે ગળે ઉતરે તેવી નથી. મ્યુનિ. કોર્પોરેશનની જમીન તેમજ પાણી હોવા છતાં કોન્ટ્રાકટરને દર વર્ષે રૂ. રપ૦ કરોડ જેવી માતબર રકમ આપવાની શરત રાખવામાં આવી છે તે બાબત યોગ્ય નથી સદર શરતો સાથે પ્લાન્ટનું કામ મંજુર કરવામાં આવે તો તંત્રની તિજોરી પર ૧પ વર્ષ સુધી મોટો આર્થિક બોજો આવી શકે તેમ છે.

આ દરખાસ્ત માટે ફેરવિચારણા કરવી જરૂરી બને છે કારણ કે કોન્ટ્રાકટર દ્વારા માત્ર પાણી ટ્રીટ કરવામાં આવશે બાકી તેના વેચાણ અને ઉઘરાણીની જવાબદારી પણ કોર્પોરેશનની રહેશે. આ લાંબા ગાળાની યોજના છે ૧પ વર્ષના સમયગાળા દરમિયાન ફેકટરીઓ બંધ પણ થઈ શકે છે તેમજ તેનું સ્થળાંતર પણ થઈ શકે છે. આવા સંજોગોમાં કોર્પોરેશન કોઈ જવાબદારી લઈ શકે નહી.

સ્ટેન્ડિગ કમિટી સમક્ષ દરખાસ્ત રજુ કરવામાં આવી તે અગાઉ જવાબદાર અધિકારીઓ સાથે ટર્સરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ માટે ચર્ચા કરવામાં આવી હતી પરંતુ તે સમયે કોઈ જ અધિકારીએ કોન્ટ્રાકટરને આટલી માતબર રકમ આપવી પડશે તેનો ઉલ્લેખ કર્યો ન હતો તથા તે શરત પર ઢાંક પીછોડો કર્યો હતો તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.

મ્યુનિ. સ્ટેન્ડિગ કમિટીમાં હાજર સભ્યોમાં થતી ચર્ચા મુજબ સદર દરખાસ્ત માત્ર એક તરફી જ છે તેમજ કમિશનરે પણ માત્ર કોન્ટ્રાકટરના હિતને જ ધ્યાનમાં રાખ્યું છે. કોર્પોરેશનની જમીન, કોર્પોરેશનના નાણાં અને કોર્પોરેશન તરફથી પાણી સપ્લાય કરવામાં આવે તેમ છતાં કોન્ટ્રાકટરને દૈનિક રૂ.૬૦ લાખ ૮૦ હજાર શા માટે આપવા તે પ્રશ્નનો જવાબ કમિશનરે આપવો જરૂરી છે.

કમિટીમાં આ દરખાસ્તને મંજુર કરવા માટે કમિશનર દ્વારા બે થી ત્રણ વખત વિનંતી કરવામાં આવી હતી પરંતુ સ્ટેન્ડિગ ચેરમેન અને સભ્યો બીલકુલ અડગ રહયા હતા અને પ્રજાહિતને પ્રાથમિકતા આપી હતી. એક તબકકે કમિશનરે હાઈકોર્ટમાં ચાલી રહેલ જાહેરહિતની અરજીની પણ દહાઈ આપી હતી. પરંતુ કમિશનર એ બાબત ભુલી જાય છે કે હાઈકોર્ટે નદીમાં પાણી છોડવાના બદલે ઝેડએલડી ટેકનોલોજીનો ઉપયોગ કરવા માર્ગદર્શન આપ્યું છે.

પરંતુ કમિશનર સુઅરેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવા તરફ ધ્યાન આપી રહયા છે જયારે એન્વાયરો જેવી કંપની માટે ટર્સરી ટ્રીટમેન્ટ પ્લાન્ટની દરખાસ્તો તૈયાર થઈ રહી છે પરંતુ ઝેડએલડી ટેકનોલોજી માટે લેશમાત્ર પણ વિચારણા કરતા નથી. અહીં નોંધનીય બાબત એ છે કે સદર પ્રોજેકટ શરૂઆતમાં વર્લ્ડ બેંકના ફંડમાંથી કરવા માટે ચર્ચા થઈ હતી

પરતુ વર્લ્ડ બેંકની શરતોને અન્વાયરો કંપની કે કમિશનર તરફથી રજુ કરવામાં આવેલી દરખાસ્ત પરિપૂર્ણ કરી શકે તેમ નથી. તેથી આ પ્રોજેકટમાંથી વર્લ્ડ બેંકની બાદબાકી કરવામાં આવી હતી તેમજ એન્વાયરો કંપની પરિપૂર્ણ કરી શકે તેવી શરતો સાથે જ ટેન્ડર તૈયાર કરવામાં આવ્યું હતું. થોડા સમય અગાઉ ૩૭પ એમએલડી સુઅરેજ પ્લાન્ટ માટે પણ પ્લાન્ટના ટેન્ડરમાં પણ આવી જ રમત થઈ હતી

જેમાં એલએન્ડટી કંપનીએ સૌથી ઓછા ભાવ ભર્યા હોવા છતાં ટેકનીકલ ક્ષમતામાં ઓછા માર્કસ આપી તેની બાદબાકી કરવામાં આવી હતી. જયારે ટર્સરી ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં પણ એન્વાયરો સિવાય બીજી એક જ કંપનીએ ટેન્ડર ભર્યું છે જે બાબત પણ શંકાસ્પદ હોવાનું માનવામાં આવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.