મ્યુનિ. કમિશનરની ઉચ્ચ અધિકારીઓને સલાહઃ મગજ હોય તો ઉપયોગ કરો

કોટેશન પધ્ધતિ બંધ કરી ટેન્ડર પ્રક્રિયા કરો: કમિશનર
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનમાં ભ્રષ્ટાચારની ગંગોત્રી સમાન કોટેશન પધ્ધતિ કાયમી ધોરણે બંધ કરવા માટે કમિશનરે અધિકારીઓને તાકીદ કરી હતી આ ઉપરાંત હિટ એકશન પ્લાનમાં વિસંગતતા બહાર આવતા મેડીકલ ઓફિસરને રીવ્યુ બેઠકમાં આડે હાથે લીધા હતાં.
અમદાવાદ મ્યુનિ. કમિશનરની અધ્યક્ષતામાં દર સપ્તાહે મળતી રીવ્યુ મીટીંગમાં એડીશનલ મેડીકલ ઓફિસર ડો. ભાવિન જોષીની ભુલ અને બેદરકારી ઉજાગર થતા કમિશનર કોપાયમાન થયા હતાં. રીવ્યુ મીટીંગમાં ડો. ભાવિન જોષીએ હિટ એકશન પ્લાનના પ્રેઝન્ટેશનમાં ઝોન દીઠ કેટલી ટોપીઓના વિતરણ કરવામાં આવ્યા તેના આંકડા દર્શાવ્યા હતાં તેથી કમિશનર ગુસ્સે થયા હતા
અને જણાવ્યું હતું કે ગઈકાલે ગાંધીનગરમાં જે પ્રેઝન્ટેશન બતાવવામાં આવ્યું હતું તેમાં આ વિગતનો સમાવેશ થતો નથી તેથી કયા તો તમે મને અધુરી વિગતો આપો છો અથવા તો તમારી પાસે પુરતી વિગતોનો અભાવ છે. આ દરમિયાન ડેપ્યુટી કમિશનર (હેલ્થ) એડીશનલ મેડીકલ ઓફિસરના બચાવમાં આવ્યા હતા તો કમિશનરે તેમની પણ ઝાટકણી કાઢતા કહયુ હતું કે મારા સુધી કોઈપણ ફાઈલ કે પ્રેઝન્ટેશન લઈને આવો તે પહેલા તમારા અધિકારીએ શું આપ્યુ છે તેનો અભ્યાસ કરો.
મીટીંગમાં હાજર સુત્રોએ જણાવ્યા મુજબ ત્યારબાદ કમિશનરે અંગ્રેજીમાં અત્યંત કડવી ભાષામાં ઉચ્ચ અધિકારીઓનો ઉધડો લીધો હતો કમિશનરે જે કહયુ હતું તેનો સીધો અનુવાદ એવો થાય છે કે ‘નીચેના અધિકારીઓ જે ફાઈલ કે રિપોર્ટ આપે તેમાં તમારી પાસે મગજન્ હોય તો તેનો ઉપયોગ કરો’ કમિશનરના આવા કડવા વહેણ બાદ મીટીંગમાં સન્નાટો છવાઈ ગયો હતો.
મ્યુનિ. કોર્પો.માં વર્ષોથી કોટેશન પધ્ધતિ કાયમી બની ગઈ છે તેના કારણે જે તે ઝોનના અધિકારીઓના માનીતા કોન્ટ્રાકટરોને ઘી કેળા થઈ જાય છે અને પ્રજાના રૂપિયા વેડફાય છે કમિશનરે કોટેશન પધ્ધતિ સદતર બંધ કરવા પણ સુચના આપી હતી તેમણે જણાવ્યું હતું કે જો તમને ખબર છે કે ૬ કે ૧ર મહિના પછી અમુક કામ કરવાના જ તો પછી તેના માટે વાર્ષિક ટેન્ડર જ જાહેર કરો.
દર વર્ષે પ્રિમોનસુન એકશન પ્લાનમાં કોટેશન પધ્ધતિથી જ સફાઈ કામ આપવામાં આવે છે અને તેની ઢગલાબંધ ફાઈલો સહી કરવામાં આવે છે તેના બદલે એક જ ફાઈલમાં તમામ રિપોર્ટ રજુ કરવો તે યોગ્ય રહેશે. થોડા દિવસ પહેલા કમિશનર પાસે આવી જ રીતે એક જ કામની લગભગ રપ ફાઈલ આવી હતી જેના સંદર્ભે તેમણે ઉપરોકત ટીકા કરી હોવાનું માનવામાં આવે છે.