મ્યુનિસિપલ કોર્પોરેશને થ્રિ મિશન મિલિયન ટ્રીઝ અભિયાનનો 70 ટકા લક્ષ્યાંક પૂર્ણ કર્યો
શહેર વિસ્તારના કોઇપણ નાગરિક વૃક્ષારોપણ કરવા ઇચ્છુક હોય પણ તેમની પાસે જગ્યાની સગવડ ન હોય એવા લોકો અહીં આવીને વૃક્ષારોપણ કરી શકે, તેવું આયોજન
(દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરનું ગ્રીન કવર વધારવા માટે છેલ્લા પાંચ વર્ષથી “મિશન મિલિયન ટ્રીઝ ” અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ગયા વરસે મનપા દ્વારા ટુ મિલિયન મિશન ટ્રીઝ અભિયાન કરવામાં આવ્યું હતું જેમાં મળેલી સફળતા ને ધ્યાનમાં લઈ ચાલુ વરસે ‘થ્રી મિલિયન ટ્રીઝ’ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.
જેમાં માત્ર 100 દિવસમાં જ 30 લાખ જેટલા વૃક્ષો વાવવામાં આવશે. આ અભિયાન ને સફળ કરવા મ્યુનિસિપલ શાસક પક્ષ, વહીવટી તંત્ર તેમજ અલગ અલગ એન.જી.ઓ. પૂર્ણ સહયોગ આપી રહ્યા છે. જેના કારણે જ માત્ર 45 દિવસમાં જ 70 ટકા લક્ષ્યાંક પૂર્ણ થઈ ગયો છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના ૭ ઝોનમાં મિશન થ્રિ મિલિયન ટ્રીઝ અંતર્ગત મ્યુનિસિપલ શાળાઓ, વો.ડી.સ્ટેશન, ઝોનલ અને વોર્ડ ઓફિસ, અર્બન હેલ્થ સેન્ટર, ખુલ્લા પ્લોટ વગેરે જગ્યાએ મોટાપાયે વૃક્ષારોપણ કરવામાં આવી રહ્યું છે.
આ મિશન પૂર્ણ કરવા મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે હાલ ૧૪૭ જેટલા મોટા પ્લોટ છે.મ્યુનિસિપલ કમિશનરે માત્ર 100 દિવસ માં જ ‘મિશન થ્રી મિલિયન ટ્રીઝ’ અભિયાન પૂર્ણ કરવા જાહેરાત કરી હતી. મ્યુનિસિપલ કમિશનર ના માર્ગદર્શન હેઠળ બગીચા વિભાગ ઘ્વારા માત્ર 45 દિવસમાં જ 21 લાખ વૃક્ષ લગાવવામાં આવ્યા છે. હવે માત્ર ૯ લાખ રોપા લગાવવાના બાકી છે જે ઓગસ્ટ મહિનાના અંત સુધી પૂર્ણ થાય તેવી અપેક્ષા છે.
મ્યુનિસિપલ કોર્પોરેશનના સૂત્રોએ જણાવ્યા મુજબ ‘મિશન મિલિયન ટ્રીઝ’ પૂર્ણ થયા બાદ શહેરના ગ્રીન કવરમાં અંદાજે 8 ટકા જેટલો વધારો થઈ શકે છે. હાલ, આ અંગે સર્વે પણ ચાલી રહ્યો છે. શહેરની ખાનગી સોસાયટીમાં વૃક્ષારોપણ થઇ શકે એ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ‘એક પેડ માં કે નામ’ અંતર્ગત વૃક્ષ રથનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ડિજિટલ સેવા એપ મારફતે નાગરિકો ઘ્વારા વૃક્ષારોપણની માંગણી કરવામાં આવે ત્યારે કોર્પોરેશનની ટીમ ઘ્વારા નક્કી કરેલી જગ્યાઓ પર વૃક્ષારોપણ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દરેક ઝોન દીઠ એક-એક પ્લોટ પણ નક્કી કરવામાં આવ્યા છે, જેમાં અમદાવાદ શહેર વિસ્તારના કોઇપણ નાગરિક વૃક્ષારોપણ કરવા ઇચ્છુક હોય પણ તેમની પાસે જગ્યાની સગવડ ન હોય એવા લોકો અહીં આવીને વૃક્ષારોપણ કરી શકે, તેવું આયોજન કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યું છે.
આ ઉપરાંત જીવનભર ની યાદગીરી માટે રૂ.3100 ભરી અહીં વૃક્ષારોપણ કરી શકે તેવી યોજના પણ જાહેર કરવામાં આવી છે. અત્યાર સુધી સૌથી વધુ વૃક્ષારોપણ દક્ષિણ અને પૂર્વઝોનમાં જયારે સૌથી ઓછું વૃક્ષારોપણ મધ્યઝોનમાં થયું છે.