Western Times News

Gujarati News

AMC: અમદાવાદ મ્યુનિ. સ્ટ્રીટ લાઈટ વિભાગમાં અંધકાર

પ્રતિકાત્મક

૮ મહિનામાં ૪પ હજાર કરતા વધુ ફરિયાદો રજીસ્ટર થઈ

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લાઈટ વિભાગ માટે દર વર્ષે રૂા.પ૦ કરોડ કરતા વધુ રકમ ખર્ચ કરવામાં આવી રહી છે તેમ છતાં શહેરની સડકો પર મોટાભાગે અંધારપટ જ જાેવા મળે છે. એક અંદાજ મુજબ કોર્પોરેશનની સીસીઆરએસ સેવામાં જ સ્ટ્રીટ લાઈટ માટે વર્ષે દહાડે એક લાખ જેટલી ફરિયાદો નોંધાય છે.

ચાલુ વર્ષે અત્યાર સુધી ૪પ હજાર કરતા વધુ ફરિયાદો નોંધાઈ ચુકી છે.ચોમાસાની સીઝન દરમિયાન સ્ટ્રીટ લાઈટો બંધ હોવાની ફરિયાદો લગભગ બમણી થઈ જાય છે. ઓગસ્ટ મહિનાના પ્રથમ ર૪ દિવસમાં જ ૭ હજાર કરતા વધુ ફરિયાદો રજીસ્ટર થઈ છે.

મ્યુનિ. કોર્પોરેશન દ્વારા શહેરની સડકો પર બે લાખ કરતા વધુ લાઈટના પોલ નાંખવામાં આવ્યા છે જે પૈકી લગભગ પાંચ ટકા કરતા વધુ પોલ બંધ રહે છે. મ્યુનિ. કોર્પો. દ્વારા કાર્યરત ફરિયાદ નિવારણ સેન્ટરના આંકડા મુજબ ર૦ર૩ના પ્રથમ સાત મહિનામાં સ્ટ્રીટ લાઈટની ૩૯ હજાર કરતા વધુ ફરિયાદો નોંધાઈ હતી

જે પૈકી માત્ર જુલાઈ મહિનામાં જ ૧૩૪૧૮ ફરિયાદ હતી જયારે ઓગસ્ટમાં ર૪ ઓગસ્ટ સુધી ૭૦૬૭ ફરિયાદ રજીસ્ટર થઈ છે જેમાં સૌથી વધુ પશ્ચિમ ઝોનમાં ૧પર૬, અને દક્ષિણ ઝોનમાં ૧૩૯પ ફરિયાદ રજીસ્ટર થઈ છે. વોર્ડ મુજબ જાેવામાં આવે તો સૌથી વધુ ફરિયાદ પાલડી વિસ્તારમાં ર૪૬ અને વાસણામાં ર૦૭ તેમજ વટવામાં ર૭૯ ફરિયાદો નોંધવામાં આવી છે.

મ્યુનિ. કોર્પોરેશન દ્વારા સ્ટ્રીટ લાઈટની ફરિયાદો દુર કરવા માટે સીટેલુમ નામની કંપનીને કોન્ટ્રાકટ આપવામાં આવ્યો છે. જેને અલગ અલગ ફીટીંગ મુજબ પોલ દીઠ રૂા.૬૦ થી રૂા.૧૦૦ સુધી ચુકવવામાં આવી રહયા છે. અગાઉ આ કોન્ટ્રાકટ ટોરેન્ટ પાવર પાસે હતો. સીટેલુમ કંપનીને જે સમયે કોન્ટ્રાકટ આપવામાં આવ્યો હતો તે સમયે વિદેશી કંપની હોવાના આક્ષેપ સાથે ભારે ઉહાપોહ થયો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.