Western Times News

Gujarati News

મ્યુનિ. સ્ટ્રીટ લાઈટોના મેઈન્ટેનન્સનો કોન્ટ્રાક્ટ ‘સીટેલુમ’ ને જ અપાશે

વિજીલન્સ તપાસ અને સબ કમિટીની નામંજુરી છતાં ‘સીટેલુમ’ને કામ આપવા મોટા  માથા રાજી : ચૂંટણીના વર્ષમાં ભ્રષ્ટાચારને મોકળાશ

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોેરશનમાં ખોટા કામ કરાવવા માટે ડરની રાજનીતિ ચાલી છે. જનમાર્ગમાં એકસાથે આઠ અધિકારીઓની બદલી કરવા માટે ‘મોદીવિઝન’ તથા નાગરીકો પાસેથી નાણાં ખંખેરવા શરૂ કરવામાં આવેલ જેટ માટે ‘મુખ્યમંત્રીની સુચના’ જેવા કારણો આપવામાં આવે છે. જેના કારણે મ્યુનિસિપલ હોદ્દેદારો તથા ભાજપના કોર્પોરેટરો લાંબી ચર્ચા કરવા ગભરાય છે.

મ્યુનિસિપલ કમિશ્નર કે હોદ્દેદારો તેમની મનમાનીક પૂર્ણ કરે છે. શહેરની સ્ટ્રીટલાઈટોના મેઈન્ટેનન્સ માટે ‘સીટેલુમ’ નામની કંપનીની દરખાસ્ત પરત કરવામાં આવી હતી. હવે આ જ કંપનીને ફરીથી કામ આપવા માટેનો તખ્તો તૈયાર થઈ ચુક્યો છે. જેના માટે ગાંધીનગરના દબાણ હોવાના કારણો આપવામાં આવ્યા છે. જે સંસ્થા સામે ભ્રષ્ટાચાર ના આરોપસર વિજીલન્સ તપાસ ચાલી રહી છે તેને જ ફરીથી કરોડો રૂપિયાનો કોન્ટ્રાક્ટ આપવા માટે સ્ટેન્ડીંગ ચેરમેન પણ સહમતિ દર્શાવી છે.
શહેરની સ્ટ્રીટેલાઈટોના મેઈન્ટેનન્સ માટે ર૦૧૪ની સાલમાં સીટેલુમ નામની કંપનીને પાંચ વર્ષનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. મનપા દ્વારા જ્યારે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો તે સમયે સોડીયમ લાઈટો હતી ત્યારબાદ એલઈડી ફીટીંગ્સ લગાવવામાં આવ્યા હતા. મ્યુનિસિપલ લાઈટખાતાના અધિકારીઓએ ફીટીંગ્સ બદલી થયા બાદ ભાવમાં પણ વધારો કર્યો હતો.

જેના માટે સક્ષમ સતાની પણ મંજુરી લેવામાં આવી નહોતી. સીટેલુમ કંપનીએ કોન્ટ્રાક્ટ મળ્યા બાદ ઝોનદીઠ પેટા કોન્ટ્રાક્ટ આપ્યા હતા. તેમજ ફીટીગ્સ બદલવા માટે પણ પેટા કોન્ટ્રાક્ટરોને કામ સોપ્યુ હતુ. સદર કંપનીની સમયમર્યાદા દરમ્યાન સ્ટ્રીટલાઈટની ફરીયાદોમાં પણ અસામાન્ય વધારો થયો હતો.

આ તમામ ફરીયાદો સ્ટ્રેન્ડીંગ કમિટિ સભ્ય જતિનભાઈ પટેલ દ્વારા કમિટિમાં કરવામાં આાવી હતી. જતિનભાઈ પટેલની ફરીયાદોમાં તથ્ય હોવાથી મ્યુનિસિપલ કમિશ્નરે સીટેલુમ કંપની અને ખાતાના ઉચ્ચ અધિકારી સામે વિજીલન્સ તપાસ શરૂ કરવા માટે જાહેરાત પણ કરી હતી.

સ્ટ્રીટ લાઈટ મેઈન્ટેનન્સનો કોન્ટ્રાક્ટ પૂર્ણ થયો હોવાથી લાઈટ વિભાગ દ્વારા નવેસરથી ટેન્ડર જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં પણ એકમાત્ર ‘સીટેલુમ’ કંપની જ ક્વોલીફાય થઈ હોવાની જાહેરાત કરવામાં આવી હતી તથા તેને ફરીથી કોન્ટ્રાક્ટ આપવા માટેની દરખાસ્ત રોડ એન્ડ બિલ્ડીંગ કમિટિ સમક્ષ રજુ કરવામાં આવી હતી.

રોડ એન્ડ બિલ્ડીંગ કમિટીએ કંપનીની નબળી કામગીરી અને ભ્રષ્ટાચારના કારણોસર સદ્‌ર દરખાસ્ત પરત કરી હતી. તથા ફરીથી ટેન્ડર જાહેર કરવા માટે ઠરાવ પણ કર્યો હતો.

મ્યુનિસિપલ રોડ એન્ડ બિલ્ડીંગ કમિટિ દ્વારા નવા ટૈન્ડર જાહેર કરવા માટે કરવામાં આવેલ ઠરાવ, વિજીલન્સ તપાસ અને કમિટિ સભ્યની સચોટ રજુઆતને અભરાઈએ મુકવામાં આવી રહ્યા છે તથા સીટેલુમ કંપનીને જ કોન્ટ્રાક્ટ આપવા માટેનો તખ્તો તૈયાર થઈ ચુક્યો છે. સુત્રોના જણાવ્યા અનુસાર સીટેલુમ કંપનીને જ કામ મળે એના માટે મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉચ્ચ અધિકારી અને એક હોદ્દેદારને વધુ રસ છે. તેથી મ્યુનિસિપલ ભાજપના અન્ય હોદ્દેદારો અને કોર્પોરેટરોને શાંત રાખવા માટે ગાંધીનગરનો ડર બતાવવામાં આવી રહ્યો છે.

મ્યુનિસિપલ સ્ટેન્ડીંગ કમિટિ ચેરમેન અમુલભાઈભટ્ટનો સંપર્ક કરવામાં આવતા તેમણે સ્પષ્ટપણે જણાવ્યુ હતુ કે ‘સ્ટ્રીટલાઈટ મેઈન્ટેનન્સ’ માટે અન્ય કોઈ કંપનીઓ ન હોવાથી સીટેલુમને જ કામ આપવામં આવશે. મ્યુનિસિપલ સ્ટેન્ડીંગ કમિટિ ચેરમેનના સદર નિવેદનમાં પણ ગાંધીનગરનું દબાણ હોય તેમ સ્પષ્ટ લાગી રહ્યુ છે.

અન્યથા સ્ટ્રીટલાઈટની જાળવણી માટે અનેક કંપનીઓ ઉપલબ્ધ છે. કોઈપણ દેશના રાજદૂતને આ પ્રકારના કોન્ટ્રાક્ટમાં રસ ન હોય એ સ્ષ્ટ બાબત છે તેમ છતાં અગમ્ય કારણોસર આ સમગ્ર મામલામાં એક દેશના રાજદૂત કચેરીને પણ સામેલ કરવામાં આવી રહી છે જેના કારણ સમજવા મુશ્કેલ છે. મ્યુનિસિપલ રોડ એન્ડ બિલ્ડીંગ કમિટિ દ્વારા સીટેલુમ કંપનીની દરખાસ્ત પરત મોકલવામાં આવી છે. તથા નવેસરથી ટેન્ડર જાહેર કરવા માટે ઠરાવ થયો છે તેમ છતાં તમામ નિયમો અભરાઈએ મુકીને કમિશનર દ્વારા ફરીથી દરખાસ્ત રજુક રવામાં આવશે. જેને ‘ફેરવિચારણા’ નામ આપવામાં આવશે. ભૂતકાળમાં પણ રોડ એન્ડ બિલ્ડીંગ કમિટીએ નામંજુર કરેલા કામને મંજુર કરવા માટે કમિશ્નરે ફરજ પાડી હતી.

સીટેલુમ કંપનીમાં પણ આ  પ્રકારનું જ ચિત્ર ઉપસી રહ્યુ છે. સદ્દર કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં કોના હિત સચવાય છે તે બાબત અધ્યાહાર છે પરંતુ મ્યુનિસિપલ કમિશ્નર અને સ્ટેન્ડીંગ કમિટિ ચેરમેન ‘સીટેલુમ’ કંપનીને સ્ટ્રીટલાઈટ મેઈન્ટેનન્સનું કામ આપવા મકક્મ છે એવી ચર્ચા પણ ચાલી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.